ભડકે બળતા પેટ્રોલ – ડીઝલના ભાવમાં આજે લાગી બ્રેક

પેટ્રોલ – ડીઝલના ભાવ નિયંત્રણ લેવા RBI ગવર્નરે સરકારને જણાવી ફોર્મ્યુલા

દેશમાં આજે પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવ વધારા ઉપર આજે બ્રેક લાગી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રાખી છે. આજે બંને મુખ્ય ઇંધણની કિંમતો યથાવત રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પેટ્રોલ 35 પૈસા મોંઘુ થયું હતું જેના કારણે દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100.56 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો બીજી તરફ ડીઝલમાં 9 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો જે બાદ દિલ્હીમાં ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુંછે. ગુજરાતમાંઅમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ 97.35 અને ડીઝલ 96.48ના ભાવે વેચાઈ રહ્યું છે.

આ શહેરોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર
16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગઈ છે. આ રાજ્યમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, લદ્દાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તામિલનાડુ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, દિલ્હી અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ઓપેક દેશોની ઉત્પાદન વધારવા માટે સહમતી ન બનતા આગામી થોડા દિવસો સુધી પણ ઇંધણ ભાવ ઘટે તેવા કોઈ સંકેત દેખાતા નથી. મોંઘવારીને લઈ સતત સર્જાઈ રહેલી ચિંતાજનક સ્થિતિ સામે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સરકારને ઈંધણના ભાવ ઘટાડવાની ફોર્મ્યુલા આપી છે. દાસનું કહેવું છે કે બળતણ પરનો ટેક્સ ઘટાડવાથી કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.

RBIના ગવર્નરના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ બેંક મોંઘવારીને અંકુશમાં રાખવા માંગે છે. તેનું ધ્યાન અર્થતંત્રની ગાડીને ફરી વિકાસના પાટા પર ચઢાવવા તરફ છે. આ માટે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત થઇ રહેલા વધારા પર લગામ લગાવવી ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું ઉમેર્યું હતું.

ગવર્નર અનુસાર RBI મોંઘવારીના અનુમાનને કોરોના પહેલાના 4 ટકાના સ્તરની નજીક રાખવા માંગે છે. પરંતુ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે. આ કારણે દેશમાં મોંઘવારી પર દબાણ વધી રહ્યું છે. ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પર પણ ઘણો ટેક્સ લાગે છે. આવી સ્થિતિમાં અર્થવ્યવસ્થા પર વધારાના દબાણ છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વની નીતિની અસર ભારત સહિત તમામ અર્થવ્યવસ્થા પર પડશે.

 65 ,  1