રાવણના દેશમાં પેટ્રોલ સસ્તું, તો રામના દેશમાં કેમ મોંઘુ? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો જવાબ

પેટ્રોલ ડીઝલના ઝડપથી વધતા ભાવો પર કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે પેટ્રોલ ડીઝલના ઝડપથી વધતા ભાવો પર રાજ્યસભામાં સવાલોના જવાબ આપ્યા. ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ ડીઝલના ભાવની પાડોશી દેશોની સરખામણી પર કહ્યું કે આમ કહેવું યોગ્ય નથી કે ઓઈલના ભાવ અત્યારે સૌથી વધુ છે. 

સમાજવાદી પાર્ટીના સાંસદ વિશંભર પ્રસાદ નિષાદે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજ્યસભામાં સવાલ પૂછ્યો હતો કે સીતામાતાની ધરતી નેપાળમાં પેટ્રોલ ડીઝલ સસ્તું છે. રાવણના દેશ શ્રીલંકામાં ભારત કરતા ઓછા ભાવ છે તો પછી રામના દેશમાં સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારે ઓછા કરશે?

અત્રે જણાવવાનું કે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. 10 ફેબ્રુઆરી 2021ના રોજ પેટ્રોલ ડીઝલ રેકોર્ડ ભાવે વેચાયું. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે તેલના ભાવ પર ઉઠેલા સવાલોનો જવાબ આપતા કહ્યું કે ‘આમ કહેવું યોગ્ય નથી કે ઈંધણ ઓઈલના ભાવ અત્યારે સૌથી વધુ છે.’

તેલના ભાવો પર પાડોશી દેશો સાથે સરખામણી પર તેમણે કહ્યું કે આ દેશોની સાથે ભારતની સરખામણી કરવી ખોટી છે. કારણ કે ત્યાં સમાજના કેટલાક જ લોકો તેનો ઉપયોગ કરે છે. કેરોસિનના ભાવમાં ભારત અને આ દેશોમાં ખુબ અંતર છે. બાંગ્લાદેશ અને નેપાળમાં કેરોસિન લગભગ 57 રૂપિયાથી 59 રૂપિયામાં મળે છે. જ્યારે ભારતમાં કેરોસિનની કિંમત 32 રૂપિયા પ્રતિ લીટર છે. ઓઈલના ભાવ ઓલ ટાઈમ હાઈ હોવા પર તેમણે કહ્યું કે આ ‘અસંગત’ છે.

પ્રશ્નકાળમાં તેમને કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે પૂછ્યું કે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઓલ ટાઈમ હાઈ છે. જ્યારે ક્રુડ ઓઈલના ભાવ ઓલ ટાઈમ હાઈ નથી. દેશમાં પેટ્રોલ 100 રૂપિયાની નજીક પહોંચી રહ્યું છે. તેમણે એ પણ પૂછ્યું કે એક્સાઈઝ ડ્યૂટીને કેટલીવાર વધારવામાં આવી છે?

પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને, જાણો તમારા શહેરનો ભાવ…

3 દિવસના વિરામ બાદ જાહેર ક્ષેત્રની ઓઇલ વિતરણ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલની પ્રતિ લિટર કિંમતોમાં વધારો કરતાં અમદાવાદમાં પેટ્રોલના ભાવ 34 પૈસા વધીને રૂ.84.57 પ્રતિ લીટર પહોંચ્યા હતા, જ્યારે ડીઝલના ભાવ 38 પૈસા વધીને રૂ.83.43 પ્રતિ લીટર થયા હતા. દેશની રાજકિય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલમાં 35-35 પૈસાનો વધારો થતાં પેટ્રોલની કિંમત રૂપિયા 87.30 અને ડીઝલની કિંમત રૂપિયા 77.48ની સપાટી પર પહોંચી હતી.

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલની કિંમત રૂપિયા 93.83 અને ડીઝલની કિંમત રૂપિયા 84.36 પ્રતિ લિટર રહી હતી. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સાદા પેટ્રોલની કિંમત રૂપિયા 97.72 પ્રતિ લિટર રહી હતી જ્યારે પ્રિમિયમ પેટ્રોલની કિંમત રૂપિયા 101ને પાર કરી ગઇ હતી.

કેન્દ્ર સરકાર દ્વારા ધરખમ એક્સાઇઝ ડયુટી અને રાજ્યો દ્વારા તોતિંગ વેટ વસૂલાતો હોવાના કારણે દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલની ક્મત રૂપિયા 90ને પાર કરી ગઇ છે. ભોપાલમાં રૂ. 95.23, પૂણેમાં 93.99, મુંબઇમાં રૂ. 93.83, જયપુરમાં રૂ. 93.63, વિજયવાડામાં રૂ. 93.60 પ્રતિ લિટર નોંધાઇ હતી. દેશના મોટાભાગના શહેરોમાં ડીઝલની કિંમત પણ રૂપિયા 84ને પાર કરી ગઇ હતી. ભોપાલમાંરૂ. 85.53, પૂણેમાં રૂ. 83.84, જયપુરમાં રૂ. 85.64, વિજયવાડામાં રૂ. 86.81, હૈદરાબાદમાં રૂ. 84.52 પ્રતિ લિટર નોંધાઇ હતી.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર