કૃષિ કાયદો પરત લેવાનાં PM મોદીના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો…

ભારત ‘જેહાદી રાષ્ટ્ર’ કંગનાનો વધુ એક બફાટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે નવા ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાનો નિર્ણય કરી ખેડૂતોને મોટી રાહત આપી છે જેને પગલે દેશભરમાંથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. દરેક મામલે પોતાનો પક્ષ રાખતી બોલિવૂડ અભિનેત્રી અને હાલમાં પોતાના આઝાદીનાં નિવેદન પર ખૂબ વિવાદમાં આવેલી કંગના રનૌતે પણ હવે ત્રણ કૃષિ કાયદા પરત લેવા મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી ત્યારબાદ અભિનેત્રી કંગના રનૌત મોદી સરકારનાં આ નિર્ણયથી નારાજ દેખાઇ રહી છે. કંગના રનૌતે કૃષિ કાયદાની વાપસીને દુઃખદ અને શરમજનક ગણાવતા કહ્યું કે, મોદી સરકારનો આ નિર્ણય સંપૂર્ણપણે અયોગ્ય છે. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ષથી વધુ સમયથી વિવાદમાં રહેલા ત્રણ કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી હતી અને આ માટે સંસદનાં આગામી સત્રમાં બિલ લાવવામાં આવશે. કંગના રનૌતે કહ્યું કે, જો લોકો સંસદમાં ચૂંટાયેલી સરકારની જગ્યાએ કાયદો બનાવવાનું શરૂ કરે તો તે જેહાદી રાષ્ટ્ર છે.

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી કંગના રનૌતે મંગળવારે એક નવો વિવાદ ઉભો કર્યો હતો અને દાવો કર્યો હતો કે સુભાષ ચંદ્ર બોઝ અને ભગત સિંહને મહાત્મા ગાંધી તરફથી કોઈ સમર્થન મળ્યું નહોતુ. તેમણે મહાત્મા ગાંધીનાં અહિંસાનાં મંત્રની મજાક ઉડાવી અને કહ્યું કે બીજો ગાલ સામે ધરવાથી ‘ભિક્ષા’ મળે છે સ્વતંત્રતા નહીં. કંગના રનૌતે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, ભારતને 1947માં આઝાદી મળી ન હોતી, પરંતુ તે ‘ભીખ’ મળી હતી, અસલી આઝાદી 2014માં ત્યારે મળી જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી. કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ્સની સીરીઝમાં મહાત્મા ગાંધીને નિશાન બનાવ્યા અને કહ્યું કે ‘તમારા હીરોને સમજદારીથી પસંદ કરો.’

 105 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી