પ્રસિદ્ધ સંગીતકાર મહેશ કનોડિયાના નિધન પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ, CM રૂપાણી પણ થયા શોકમગ્ન

PM મોદીએ ફોન કરીને પરિવારજનો સાથે કરી વાત, CM રૂપાણીએ પણ દુઃખ વ્યક્ત કર્યું

ગુજરાતી ફિલ્મ જગતનો વધુ એક સિતારો ખર્યો છે. ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત ગાયક અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું દુખદ નિધન થયું છે. તેઓ ગુજરાતી પ્રખ્યાત અભિનેતા નરેશ કનોડિયાના ભાઈ હતા. લાંબી માંદગી બાદ ગાંધીનગરના તેમના નિવાસસ્થાને તેઓએ 83 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ અનેક ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપી ચૂક્યા છે. ફિલ્મોમાંથી નિવૃત્તિ બાદ મહેશ કનોડિયા રાજકારણમાં સક્રિય થયા હતા. પાટણની બેઠક પરથી ભાજપ તરફથી ત્રણ વાર ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા. 

મહેશ કનોડિયાના નિધનથી ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઈ અનેક રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ હિતુ કનોડિયા સાથે ફોન પર વાત કરી શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપી હતી પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, “ગુજરાતના મશહૂર સંગીતકાર અને ગાયક શ્રી મહેશ કનોડિયાના અવસાનથી દુઃખ અનુભવું છું. શ્રી મહેશ કનોડિયાએ ગુજરાતી લોકસંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓની લાંબા સમયની સંસદસભ્ય તરીકેની પ્રભાવી કામગીરીનો હું નજીકથી સાક્ષી રહ્યો છું.”

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો હતો. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના મશહૂર સંગીતકાર-ગાયક અને પુર્વ સાંસદ શ્રી મહેશ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. ગુજરાતી લોકસંગીતને લોકપ્રિય બનાવનારની ખોટ સંગીત જગતને હંમેશા રહેશે. સાંસદ તરીકે તેમની કામગીરી સરાહનીય હતી. પ્રભુ એમના દિવ્ય આત્માને ચિર શાંતિ અને સ્નેહીજનોને દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે.

એટલું જ નહીં PM મોદીએ ફોન કરીને પરિવારજનો સાથે વાત કરી હતી અને CM રૂપાણીએ ફોન કરી દુઃખ વ્યક્ત કર્યું હતુ. 

મહેશ કનોડિયા વિદેશની ધરતી પર સૌપ્રથમ પર્ફોર્મ કરનારા ગુજરાતી કલાકાર હતા. મહેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મો સિવાય ગરબા, લોકસંગીત અને અનેક આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. તેઓએ દેશ અને વિદેશમાં અનેક મ્યૂઝિકલ કાર્યક્રમો આપ્યા હતા.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ વર્ષ 2018માં ડોકટરની પદવીથી નવાજ્યા હતા. તેમને કલા અને સંગીત ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડીલીટી ની પદવી અપાઈ હતી.

મહેશ કનોડિયા સંઘર્ષ કરીને આગળ આવ્યા હતા. તેઓ મહેશ કુમાર એન્ડ પાર્ટી નામે મ્યૂઝિકલ પ્રોગ્રામ કરતા હતા. જેમાં તેઓ નાના પ્રોગ્રામ આપતા હતા. ગામેગામ પ્રોગ્રામ આપવાના શરૂ કર્યાં. તેઓ સ્ત્રીઓના અવાજમાં પણ ગાતા હતા. તેમની આ આવડત પોપ્યુલર બની ગઈ. જેથી તેમના પ્રોગ્રામ સફળ થવા લાગ્યા. 80ના દાયકોમાં ગુજરાતી ફિલ્મોમાં તેઓએ સંગીત આપવાનું શરૂ કર્યું હતું. તેમની વણઝારી વાવ, તમે રે ચંપો અને અમે કેળ, મેરુ માલણ, જોગસંજોગ, સાહ્યબો મારો ગુલાબનો છોડ જેવી પ્રખ્યાત ગુજરાતી ફિલ્મોમાં તેઓએ સંગીત આપ્યું છે. . 

 71 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર