મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પાડવામાં PM મોદીની મહત્વની ભૂમિકા : કૈલાશ વિજયવર્ગીયનો દાવો

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને પાડવા મુદ્દે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ મોટો દાવો કર્યો છે. ઈન્દોરમાં એક ખેડૂત સંમેલનને સંબોધિત કરતા તેમણે કહ્યું કે કમલનાથને પાડવામાં જો કોઈની મહત્વપૂર્ણ ભૂમિકા હતી તો તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હતી. 

પડદા પાછળની વાત જણાવું છું: વિજયવર્ગીય

કૈલાશ વિજયવર્ગીયએ પોતાના સંબોધનમાં કહ્યું કે “આ પડદા પાછળની વાત કરી રહ્યો છું, તમે કોઈને જણાવતા નહીં. મે આજ સુધી કોઈને જણાવ્યું નથી, પહેલીવાર આ મંચથી જણાવું છું કે કમલનાથજીની સરકાર પાડવામાં જો કોઈની સૌથી મોટી ભૂમિકા હતી તો તે નરેન્દ્ર મોદીજીની હતી. ધર્મેન્દ્ર પ્રધાનજીની નહીં.”

કોંગ્રેસના 22 ધારાસભ્યોએ છોડી હતી પાર્ટી

અત્રે જણાવવાનું કે આ વર્ષે માર્ચમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો પોકાર્યા બાદ કોંગ્રેસના 22 ધારાસભ્યો પાર્ટીથી અલગ થઈ ગયા હતા અને મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર અલ્પમતમાં આવી ગઈ. જેના કારણે કમલનાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ 23 માર્ચના રોજ શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. 

ભાજપ કરે છે ખેડૂત સંમેલન

ભાજપ દેશભરમાં અલગ અલગ શહેરોમાં ખેડૂત સંમેલનનું આયોજન કરે છે. કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા ખેડૂત કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનને જોતા પાર્ટીએ આ પગલું ભર્યું છે. જે હેઠળ પાર્ટીના નેતાઓ ખેડૂતોને કૃષિ કાયદાના ફાયદા ગણાવે છે.

 24 ,  1