PM મોદીનું અમદાવાદમાં આગમન, દાંડીયાત્રાનું કરાવશે પ્રસ્થાન

આઝાદીના 75 વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં 75 અઠવાડીયા સુધી ચાલશે

સ્વતંત્રતા પર્વના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદના મહેમાન બન્યા છે. જેમાં PM મોદી અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી ઐતિહાસિક દાંડીયાત્રાના 91 વર્ષ પૂર્ણ થવા બદલ 21 દિવસીય દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે. આ ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં આગામી 75 અઠવાડિયા દરમિયાન 45 કાર્યક્રમો યોજાશે.
 
આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપરાંત, કેન્દ્રીય મંત્રીઓ પણ મોટા પ્રમાણમાં હાજર રહ્યા. જેમાં અમિત શાહ, ઉપરાંત અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજરી આપશે. 12 માર્ચે ગાંધી આશ્રમ ખાતેના કાર્યક્રમમાં અનેક કેન્દ્રીયમંત્રીઓની હાજરીનો તખ્તો ઘડાઇ રહ્યો હોવાનાં કારણે પોલીસ તંત્ર અત્યારથી જ એલર્ટ મોડ પર આવી ચુક્યું છે.
 
21 દિવસની દાંડી યાત્રા માટે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ જોડાશે. દાંડી યાત્રામાં ગુજરાતના તમામ મંત્રીઓ હાજર રહેશે. રાજ્ય સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ પગપાળા યાત્રામાં જોડાશે. દાંડી યાત્રામાં જોડાવાની સાથે કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેશે.

ગાંધી આશ્રમમાં સવારથી જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધી આશ્રમમાં બહારથી આવનારા મુલાકાતીઓનું ચેકિંગ કરી અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આશ્રમના બંને ગેટ પર પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. સભા સ્થળ પર પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ગઈકાલે સવારે શહેર પોલીસ અને SPG દ્વારા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી ડફનાળા, નારણઘાટ, સુભાષબ્રિજ થઈ ગાંધીઆશ્રમ સુધી SPG ટીમ ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં રિહર્સલ કરવામા આવ્યું હતું. ગાંધીઆશ્રમથી પરત અભયઘાટ સભા સ્થળ સુધી રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલ દરમ્યાન 35 મિનિટ સુધી સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ સુધી અને વાડજ સર્કલથી ગાંધીઆશ્રમ સુધીનો રોડ વાહનવ્યવહાર માટે બંધ રાખવામા આવ્યો હતો. આશ્રમની આસપાસ આવેલી સોસાયટી અને ગલીઓની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
 
દાંડીયાત્રાને 91 વર્ષ થઈ રહ્યાં હોવાના અવસરે દાંડીપૂલ પર ખુદ નરેન્દ્ર મોદી ચાલતા જશે. એ માટે આજે SPG અને ગુજરાત પોલીસની ટીમે મોદીના વિઝિટનાં સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેઓ પહેલા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે, ત્યાર બાદ હૃદયકુંજ જશે અને ત્યાંથી તેઓ ચાલતા દાંડીબ્રિજ તરફ જશે. ગાંધીજીએ આશ્રમથી દાંડીબ્રિજ પર થઈ દાંડીયાત્રાની શરૂઆત કરી હતી. બ્રિજથી આગળનો રસ્તો કાચો હતો, પરંતુ વડાપ્રધાન મોદી આવવાના હોવાથી આ રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
 
રાજકોટ, પોરબંદર, બારડોલી, માંડવી અને દાંડીમાં મોટા કાર્યક્રમો
 
અમદાવાદના મુખ્ય કાર્યક્રમની સાથે દરેક જિલ્લામાં એક કાર્યક્રમ ઉપરાંત કરમસદ, બારડોલી, રાજકોટ, પોરબંદર અને માંડવી ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ અમદાવાદ સત્યાગ્રહ આશ્રમથી દાંડી સુધી પ્રતીક દાંડીયાત્રા યોજાશે, આ યાત્રા દરમિયાન દરેક મથકે કૂચ કરનારાઓનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે. આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલી કાર્યક્રમ, દેશભક્તિ ગીત અને ભજન કાર્યક્રમો, નાટય પ્રસ્તુતિઓ અને જાણીતા વકતાઓ દ્વારા વેબિનાર તથા લેકચર સિરીઝનું આયોજન થશે.

ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રારંભ કરાવશે. જેના અનુસંધાને રાજયના વિવિધ જિલ્લાઓમાં ૭૫ સ્થળોએ દેશભકિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. 

 67 ,  1