PM મોદીની UAE-કુવૈતની યાત્રા પર લાગ્યું ઓમિક્રોનનું ‘ગ્રહણ’

જાન્યુઆરીમાં યોજાનારો પ્રવાસ સ્થગિત

ભારત સહિત વિશ્વભરના દેશોમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને અમેરિકા અને યુરોપ, યુએઈ સહિતના દેશોની સ્થિતિ અંત્યત ચિંતાજનક છે. જેના પગલે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત અરબ અમીરાત (UAE) અને કુવૈતની યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. પીએમ મોદીનો ખાડીના આ બે દેશોનો પ્રવાસ આગામી 6 જાન્યુઆરીએ યોજાવાનો હતો. સાઉથ બ્લોકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના વધતા કેસોની સંખ્યાના કારણે આ પ્રવાસને રિશેડ્યૂલ કરવો પડશે અને શક્ય છે કે, ફેબ્રુઆરીમાં ખાડી દેશોની આ યાત્રાનું આયોજન કરવામાં આવશે.

સોમવારે, યુએઈમાં 1,732 નવા કોરોનાવાયરસના કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મૃત્યુ થયું હતું. દેશમાં કોવિડ-19ના ઝડપી પ્રસાર બાદ અબુ ધાબીએ પ્રવાસીઓ માટે નિયમો કડક બનાવ્યા છે. અબુ ધાબીની ઈમરજન્સી, ક્રાઈસીસ એન્ડ ડિઝાસ્ટર કમિટી અનુસાર, જે વ્યક્તિઓને રસી આપવામાં આવી છે તેઓએ તેમના મોબાઈલ-ફોન હેલ્થ એપ પર ગ્રીન સ્ટેટસ હોવું જરૂરી છે, જ્યારે કે જેમણે રસી લીધી નથી તેમણે 30 ડિસેમ્બરથી યુએઈમાં પ્રવેશવા માટે તેમને નેગેટિવ પીસીઆર ટેસ્ટની જરૂર પડશે. UAEમાં અત્યાર સુધીમાં 7.5 લાખ કોરોના કેસ નોંધાયા છે, જ્યારે 2160 લોકોના મોત થયા છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9,195 કોરોનાનાં નવા કેસ આવ્યા હતા. જે ગઇકાલની સંખ્યા કરતાં 44.6 ટકા વધારે છે. વેકસીનેશન અભિયાન અંતર્ગત આજ સુધીમાં 143.15 કરોડ લોકો વેક્સિનના ડોઝ લઈ ચૂક્યા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા હાલ 77,002 છે અને રિકવરી રેટ 98.40 % છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી