ગણતંત્ર દિવસ હિંસા પર પોલીસની કાર્યવાહી, દીપ સિદ્ધુ પર 1 લાખનું ઈનામ જાહેર

હિંસાના માસ્ટર માઇન્ડ દીપ સિદ્ધુ સહિત ચાર સામે એક્શન

ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાના માસ્ટર માઇંડ દીપ સિદ્ધુ પર દિલ્હી પોલીસે ગાળિયો ભીંસવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી પોલીસે દીપ સિદ્ધુ, જુગરાજ સિંહ સહિત ચાર લોકો પર એક-એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ છે. આ લોકો લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવા અને લોકોને હિંસા માટે ઉશ્કેરવામાં સામેલ હતા.

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 70મો દિવસ છે. આ બધાની વચ્ચે દિલ્હી પોલીસ સતત એક્શનમાં છે. 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાના મામલામાં પોલીસે બુધવારે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, દીપ સિદ્ધુ(પંજાબી એક્ટર), જુગરાજ સિંહ અને ગુરજંટ સિંહ વિશે માહિતી આપનારને 1 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

આ સાથે જ જજબીર સિંહ, બૂટા સિંહ, સુખદેવ સિંહ અને ઈકબાલ સિંહ પર 50-50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરાયું છે. આ તમામ લાલ કિલ્લામાં થયેલી હિંસામાં આરોપી છે અને ફરાર છે. આ પહેલા પોલીસે મંગળવારે 12 તસવીર જાહેર કરી છે. જેમાં લાલ કિલ્લામાં તોડફોડ કરતા જોવા મળી રહ્યા છે.

હિંસા બાદ લાપતા છે સિદ્ધુ

26 જાન્યુઆરીએ હિંસા બાદ દીપ સિદ્ધુ, પૂર્વ ગેંગસ્ટર લખા સિધાના અને લાલ કિલ્લા પર ઝંડો ફરકાવનારા જુગરાજ લાપતા છે. દીપ સિદ્ધુ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી રહ્યો છે પરંતુ પોલીસ તેને હજુ સુધી પકડી શકી નથી. દિલ્હી પોલીસે હિંસા ફેલાવનારા 12 લોકોની તસવીર પણ શેર કરી છે.

કોણ છે દીપ સિદ્ધુ

લોકસભા ચૂંટણીમાં દીપ સિદ્ધુએ ગુરદાસપુર બેઠક પરથી ભાજપ સાંસદ અને બોલીવુડ અભિનેતા સન્ની દેઓલ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. દીપ સિદ્ધુ ખેડૂત આંદોલનમાં સતત બે મહિનાથી સક્રિય છે. થોડા દિવસ પહેલા દીપને શિખ ફોર જસ્ટિસ  સાથે સંબંધોને લઇને રાષ્ટ્રીય તપાસ એજન્સીએ નોટિસ પણ મોકલી હતી. દીપે ગત વર્ષે આંદોલન દરમિયાન કિસાન યુનિયનની લીડરશીપને લઇને સવાલ ઉભા કર્યા હતાં. આ દરમિયાન તેણે શંભુ મોર્ચા નામથી નવું ખેડૂત સંમેલન જાહેર કર્યું હતું. ત્યારે તેના મોર્ચાને ખાલિસ્તાન સમર્થિત ચેનલોએ સમર્થન આપ્યું હતું.

 16 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર