જુગારની રેડ કરવા પોલીસ પહોંચી, લગ્ન પ્રસંગનો લાભ લઇ જુગારીઓ ભાગ્યા

સ્થાનિક લોકોએ રેડ કેમ કરવા આવ્યા કહી પોલીસ સાથે માથાકુટ કરતા ફરિયાદ

છેલ્લા કેટલાક સમયથી જે રીતે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના બનાવો સામે આવ્યા છે ત્યારે એરપોર્ટ વિસ્તારમાં જુગારની બાતમીના આધારે પોલીસ રેડ કરવા પહોંચી હતી. ત્યારે ત્યાં પાસે જ લગ્ન પ્રસંગ ચાલતો હોવાથી તકનો લાભ લઇ જુગારીઓ તો પલાયન થઇ ગયા હતા. પરંતુ બે ડઝન જેટલા સ્થાનિકોએ પોલીસની ગાડી રોકી કેમ રેડ કરવા આવ્યા છો તેમ કહી પોલીસ સાથે માથાકુટ કરી હતી. જેથી પોલીસે આ મામલે સ્થાનિકો સામે સરકારી કામમાં દખલગીરીનો ગુનો નોંધી તપાસ આદરી છે.

એરપોર્ટ ડી સ્ટાફમાં ફરજ બજાવતા સુરેશભાઇ લક્ષ્મણભાઇને ગઇકાલે બપોરના અઢી વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે કોતરપુર ગામ મહાકાળી મંદિરની બાજુમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસ જુગારની રેડ કરવા ત્યાં પહોંચી હતી. ત્યારે પોલીસને જોઇ જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. આ દરમિયાન નજીકમાં લગ્ન પ્રસંગ હોવાથી તેનો લાભ લઈને જુગારીઓ નાસી છૂટયા હતા. ત્યાંથી પોલીસ પરત ફરી તે વખતે કોતરપુર ગામના રહેવાસીઓ રાહુલ વાઘેલા, ગૌરવ વાઘેલા, અરવિંદ વાઘેલા અને બળદેવ વાઘેલા સહિત 20થી 25 લોકોનું ટોળું પોલીસની ગાડી આગળ આવી ગયું હતું અને અહીં કેમ રેડ કરી છે તેમ જોર જોરથી બૂમો પાડવા લાગ્યા હતા.

એટલું જ નહીં કેટલાક લોકો પોલીસની ગાડીની આગળ ઉંઘી જઈને કાયદેસરની ફરજમાં અડચણ રૂપ બન્યા હતા. પોલીસે વધુ કાફલો ઘટના સ્થળે બોલાવતા લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ સમગ્ર મામલે આ ચારેય આરોપીઓ સહિત ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

 63 ,  1