બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ સામે પોલીસ ફરિયાદ

વિજ્ઞાપનના મામલે થઈ કાર્યવાહી, જાણો શું છે મામલો

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સામે મુંબઈમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. એક તરફ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ત્યારે એક ટીવી એડના કારણે આલિયા મુશ્કેલીમાં મૂકાતી દેખાઈ રહી છે. આલિયા ભટ્ટે એક ક્લોધિંગ બ્રાન્ડ માટે વિજ્ઞાપન કર્યું હતું. જેમાં કન્યાદાનની પરંપરા સામે સવાલ ઉઠાવાયા હતા. ત્યારે આ મામલે મુંબઈના સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં એક શખ્સે આલિયા ભટ્ટ અને ક્લોધિંગ બ્રાન્ડ સામે ફરિયાદ નોંધાવી છે અને કેસ દાખલ કરવાની માગ કરી છે.

કન્યાદાન’વાળા વિજ્ઞાપન અંગે છેલ્લા ઘણા અઠવાડિયાઓથી વિવાદ ચાલી રહ્યો છે. સમાજના એક વર્ગને ‘કન્યાદાન’ને બદલીને ‘કન્યામાન’ કરવા પર આપત્તિ છે. ફરિયાદીએ પોતાની અરજીમાં કહ્યું છે કે, આલિયા ભટ્ટનું આ વિજ્ઞાપન હિંદુ ભાવનાઓને દુભાવનારું છે કારણકે આમાં કન્યાદાનને પ્રતિગામી દર્શાવવામાં આવ્યું છે. એટલે જ માગ છે કે, બ્રાઈડલ વેર કંપની અને આલિયા ભટ્ટ સામે કેસ દાખલ કરવામાં આવે.

કન્યાદાનને કન્યામાન કહેવા પર વિવાદ

આલિયા આ વિજ્ઞાપનમાં દુલ્હન રૂપે દેખાય છે. તે લગ્નમંડપમાં બેસે છે. આ દરમિયાન તે પોતાના ઉછેર અને પેરેન્ટ્સ વિશે વાત કરે છે. સાથે જ કન્યાદાનની પરંપરા અંગે પોતાનો અભિપ્રાય આપે છે. તે કહે છે કે કન્યાદાનને બદલે કન્યામાન કરવું જોઈએ. આ જ એડ ટીવી પર આવતાં સોશિયલ મીડિયા પર લોકોએ ટીકા શરૂ કરી હતી. સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે, દરેક ધર્મમાં કુરિવાજો હોય છે પરંતુ હાથે કરીને માત્ર હિંદુ ધર્મ પર નિશાન સાધવામાં આવે છે.

પર્સનલ ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ બુધવારે જ જોધપુરથી પાછી આવી છે. રણબીર કપૂરનો બર્થ ડે ઉજવવા માટે તેઓ જોધપુર ગયા હતા. બોયફ્રેન્ડ રણબીર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવીને આલિયા બુધવારે મુંબઈ પરત આવી હતી. રણબીર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા ખાસ્સા સમયથી ચાલી રહી છે. ચર્ચા તો એવી પણ છે કે, આ વર્ષે કપલ પરણી જશે. જોકે, બંનેના પરિવારો તરફથી આ વાતની પુષ્ટિ નથી કરવામાં આવી.

 60 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી