લોક ગાયીકા ગીતા રબારી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

વેક્સીન બાદ વધુ એક વિવાદ, નિયમો નેવે મૂકી બોલાવી હતી ડાયરાની રમઝટ

લોકગાયીકા ગીતા રબારી વેક્સીન વિવાદ બાદ વધુ એક વખત વિવાદમાં આવી છે. કોરોના કાળમાં નિયમો નેવે મુકી ડાયરો યોજનાર ગીતા રબારી સામે ફરિયાદ નોંધાઈ છે. ભુજના રેલડી ગામે ફાર્મ હાઉસમાં પેડી પ્રસંગે ગીતા રબારી, નિલેશ ગઢવી, લક્ષ્મણ બારોટ સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી.

ડાયરા માટે કોઈ પણ મંજૂરી લેવામાં આવી નહોતી અને 250થી વધુ લોકો હાજર રહી જાહેરનામાનું ઉલ્લંઘન કર્યું હતુ. પોલીસે ફાર્મ હાઉસના માલિક સામે પણ ગુનો નોંધ્યો છે. મહત્વનું ગીતા રબારી થોડા દિવસ પૂર્વે જ પોતાના ઘરે વેકસિન લીધી હોવાનો ફોટો વાયરલ કર્યો હતો. જે બાદ વિવાદ વકરતા તેમને ફોટો ડીલીટ કરી દીધો હતો. તો ઘરે વેક્સીન આપનાર માધાપાર પીએચસીના હેલ્થ સુપરવાઈઝરની પણ બદલી કરી દેવાઈ હતી.

દેશ વિદેશમાં પ્રસિદ્ધ અને લોકપ્રિય ગાયિકાને ઘરે જઈને રસી અપાતા વિવાદ સર્જાયો હતો. ગીતા રબારીએ ટ્વિટર મારફતે પોતાના ઘરે કોરોના સામે રક્ષણ આપતી રસી હોય તેવો ફોટો પોસ્ટ કર્યો હતો, જે બાદ વિવાદ થતા પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. પરંતુ, સમગ્ર મામલામાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાઈ જતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા આદેશ કરવામા આવ્યા હતા. જેના પગલે સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને નોટિસ ફટકારી રવિવાર બપોરે 12 વાગ્યા સુધી ખુલાસો માગ્યો હતો.

પદ્ધર પોલીસ મથકે નોંધાયેલી ફોજદારી મુજબ, રેલડી ગામે આવેલા લક્કી ફાર્મ પર પેડીનો કાર્યક્રમ સંજયભાઇ પ્રતાપભાઇ ઠક્કર (રહે. ગાંધીધામ) અને લોકગાયિકા ગીતાબેન રબારી (રહે. અમદાવાદ)વાળાએ કોરોના મહામારી હોવા છતાંય લોકોના જીવ જોખમમાં મુકાય એવું બેદરકારીભર્યું કૃત્ય કરવા બદલ તેમની સામે ગુનો નોંધાયો હતો. 21મી જૂનના રાત્રે રેલડી ફાર્મહાઉસ પર સંજયભાઇ ઠક્કરે ડાયરો યોજવાની વાત અગાઉથી ગીતા રબારીને કરી હતી, ગીતા રબારીએ સહમતી પણ દર્શાવી હતી અને પોતાના ગ્રુપ સાથે હાજર રહી લોકડાયરો યોજ્યો હતો. કોરોના મહામારીમાં આવું કૃત્ય કરવા બદલ કલેકટરના જાહેરનામા તેમજ આઇપીસી 188, 269, 270 સહિતની કલમો તળે બંને સામે ફોજદારી નોંધાઈ હતી.

 62 ,  1