અમરાઈવાડીમાં હત્યાની બે ઘટનાઓ સામે આવતા ફફડાટ, પોલીસ દોડતી થઈ

શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી બેફામ

એકને બેરહેમીથી માર મારતાં મોત, બીજાને છરીના ઘા ઝીંક્યા

બન્ને બનાવમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

શહેરના પૂર્વ વિસ્તાર અમરાઈવાડીમાં હત્યાની એકસાથે બે ઘટનો પોલીસ ચોપડે નોંધતા ફફડાટ મચી ગયો છે. અંગત અદાવતને લઇ યુવકને બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધો, જ્યારે અન્ય એક ઘટનામાં મહિલાને લઇ એક શખ્સની ઘાતકી હત્યા કરવામાં આવી છે. એક સાથે હત્યાની બે ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તો બીજી તરફ અમરાઈવાડી પોલીસે બંને ઘટનાઓની ફરિયાદ નોંધી હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
અમરાઈવાડીના શંકરનગર સોસાયટીમાં ચંદન ગોસ્વામી નામના યુવકની બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ અંગત અદાવત રાખી યુવક પર તૂટી પડ્યા હતા. જોકે સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે મૃતકના બનેવીએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, અમરાઈવાડીના શંકરનગર સોસાયટીમાં લવકુશ ગોસ્વામી તેમની પત્ની, 3 સાળા એક સાળી અને બાળકો સાથે રહે છે. લવકુશ સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. જ્યારે તેનો નાનો સાળો ચંદન (ઉ.વ.21) અમરાઈવાડી વિસ્તારમાં અલગ-અલગ ગોડાઉનમાં ટાઈલ્સની ગાડી ખાલી કરવાનું કામ કરતો હતો. શુક્રવારે રાત્રીના સમયે લવકુશભાઈ ઘરે આવ્યા, ત્યારે ચંદન ઘરે હાજર ના હોવાથી તેમણે તેમની પત્નીની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યુ હતુ કે, ચંદન ટાઈલ્સની ગાડી ખાલી કરવા માટે ગયો છે.
આ દરમિયાન એક અજાણ્યા નંબર પર લવકુશભાઈને ફોન આવ્યો અને જણાવ્યુ હતુ કે, તમારો સાળો ચંદન ગૌસ્વામી રામરાજ્યનગર પાસે આવેલ કાનજીભાઈ દેસાઈના મકાનની બાજુમાં મુતરડી પાસે લોહીલુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડ્યો છે. જેથી લવકુશભાઈ તેમના બે સાળા સાથે તે જગ્યાએ પહોંચ્યા હતા. જ્યાંથી ચંદનને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. ચંદનને કોઈ અજાણ્યા શખ્સોએ લાકડી અને બોથડ પર્દાથ વડે શરીર પર ઢોર માર માર્યો હતો. જે ચંદનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ ઘટના બાદ પોલીસે હત્યાનો ગુણો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાહેરમાં યુવકને છરીના છરીના ઘા મારી રહેશી નાખો

બીજી હત્યાની ઘટના અમરાઈવાડીમાં નેશનલ હેડલુમ નજીક બની હતી. જેમાં મનોજ વાઘેલા નામના યુવકને છરીના ઘા ઝીંકીને અજાણ્યા શખસો ફરાર થઈ ગયા હતા. અંગત અદાવતમાં યુવકની હત્યા થઇ હોવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાના મામલે આ ખૂની ખેલાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

 103 ,  1