લો બોલો, દારૂની રેડ કરવા ગયેલી પોલીસને 37 લાખ રોકડા મળ્યા, શરાબની એક જ બોટલ મળી

સ્કૂલબેગમાં ભરેલી 500, 50, 100, 200 ના દરની કડકડતી નોટો જોઈને પોલીસ પણ ચોંકી,

ઇસનપુર પોલીસે પતિ પત્ની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઇસનપુર પોલીસને તેમના વિસ્તારમાં આવેલા એક ઘરમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમી મુજબ ફ્લેટમાં રેડ કરતા દારૂનો જથ્થો તો નહીં પણ સ્કોટલેન્ડ બનાવટની એક બોટલ જ મળી હતી. જો કે પોલીસે વધુ તપાસ કરતા ફ્લેટના બે રૂમમાંથી અધધધ રૂ.37 લાખની રોકડ મળી આવી હતી. એક તબક્કે સ્કૂલબેગમાં ભરેલી 500, 50, 100, 200 ના દરની કડકડતી નોટો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે દંપતી સામે ગુનો નોંધ્યો હતો જોકે આ કેસમાં પતિ ફરાર હોવાનું સામે આવ્યું છે.

ઇસનપુર પોલીસસ્ટેશનના સર્વેલન્સ સ્કોડના કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ સાથી કર્મચારીઓ સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ભાડૂઆતનગર શ્યામ સાંઈ એપાર્ટમેન્ટ પાસે આવતા તેઓને બાતમી મળી હતી કે એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા શાર્દુલ ચન્દ્રાત્રેએ તેના મકાનમાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતાર્યો છે. પોલીસે બાતમી આધારે શાર્દુલ ચન્દ્રાત્રેના ફ્લેટ પર જઈ રેડ કરી હતી. ઘરમાં હાજર એક મહિલા મળી આવી અને પોલીસે સર્ચ કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે તેના પતિ શાર્દુલ વિશે પૂછતાં મહિલાએ તેના પતિ બહાર ગયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે મહિલાને સાથે રાખી ઘરમાં સર્ચ કરી બેડરૂમના કબાટમાંથી સ્કોટલેન્ડ બનાવટની ત્રણ હજારની કિંમતની ઇંગ્લિશ દારૂની એક બોટલ કબ્જે કરી હતી. વધુ દારૂનો જથ્થો હોવાની માહિતી હોવાથી ઘરમાં વધુ સર્ચ કરતા પોલીસે કબાટમાં પડેલી સ્કૂલ બેગ ચેક કરી તો તેમાંથી રૂ. 6.35 લાખની રોકડ, બેડરૂમમાં પડેલા પેટી પલંગમાંથી બીજા રૂ.25.94 લાખ અને બીજા બેડરૂમમાંથી કબાટના લોકરમાંથી રૂ.5 લાખ મળ્યા હતા.

ઇસનપુર પોલીસે દારૂની બોટલ અને રોકડા રૂ. 37. 29 લાખની રોકડ રકમ કોણ અને ક્યાંથી લાવ્યું તે અંગે સોનલ નામની મહિલાની પૂછપરછ કરી હતી. સોનલે જણાવ્યું કે તે પોતે શાર્દુલ ચન્દ્રાત્રેની પત્ની છે. રોકડ રકમ અને દારૂની બોટલ તેમના પતિ એક માસ અગાઉ ઘરમાં લાવ્યા હતાં. ઈસનપુર પોલીસે રોકડ રકમ અને દારૂની બોટલ કબ્જે લઈ આરોપી શાર્દુલ ચન્દ્રાત્રે અને તેની પત્ની સોનલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે આ કેસમાં રોકડા અંગે કોઈ વધુ માહિતી મળતા તે બેનામી છે કે કેમ તે તપાસ કરીને જે ખુલાસો થાય તે મુજબ કાર્યવાહી પોલીસ કરશે. હાલ તો પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધી ફરાર આરોપી શાર્દુલની શોધખોળ હાથ ધરી છે.

ક્રિકેટ સટ્ટાનો બુકી શાર્દુલ દુબઇ છે

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, આરોપી શાર્દુલ ક્રિકેટ સટ્ટા નો બુકી છે. તે ઘણા સમયથી સટ્ટો ચલાવે છે. અત્યારે તે દુબઇ ગયો છે. આટલી રોકડ મળી હોવાથી આગામી દિવસોમાં આઈટી સહિતની એજન્સીઓ ને જાણ કરાશે. ઉપરાંત શાર્દુલ વિદેશથી પરત આવશે પછી તેની પણ ધરપકડ કરવામાં આવશે.

 30 ,  1