સાવધાન – દૂરબીન અને ડ્રોનથી પોલીસ રાખશે ધ્યાન

પોલીસકર્મીઓ દૂરબીનથી વોચ રાખશે, 20 જેટલા ડ્રોનનો ઉપયોગ કરાશે

ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે લોકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જો કે સરકાર દ્વારા ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેના અનુસંધાને દરેક શહેરના પોલીસ સ્ટાફ દ્વારા પણ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. તેવામાં જે લોકો આ ગાઇડલાઇનને હળવામાં લઇ રહ્યા છે તેઓએ સાવધાન થઇ જવાની જરૂર છે. પોલીસ ક્યાં ધાબે આવીને ચેક કરવાની છે તેવા વહેમમાં રહેલા લોકો સાવધાન થઇ જાય કે પોલીસ દ્વારા દરેક વિસ્તારનાં ઉંચા ધાબાઓ પર પોઇન્ટ બનાવવામાં આવશે. 

પોલીસકર્મીઓ દૂરબીનથી ધાબા પર વોચ રાખશે અને જ્યાં પણ લોકોનું ટોળું અને માસ્ક વગર દેખાશે એટલે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. 20 જેટલા ડ્રોનની મદદથી સંવેદનશીલ એવા વિસ્તારોમાં પણ વોચ રાખવામાં આવશે.

ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ઉત્તરાયણ અંગે બહાર પાડવામાં આવેલા સરકારના જાહેરનામા મુજબ કોઇપણ જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો/રસ્તાઓ વગેરે પર પતંગ ચગાવવા એકત્રીત ન થાય તે અંગે ઉત્તરાયણના આગળના દિવસે, ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણના દિવસે અસરકારક પોલીસ પેટ્રોલીંગ/બંદોબસ્ત રાખવો. ઉત્તરાયણના તહેવારમાં મકાન, ફલેટના ધાબા કે અગાશી ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રીત ન થાય તેમજ પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે ઉજવાય જેમાં માસ્ક વિના કોઇપણ વ્યકિત મકાન, ફલેટ કે ધાબા-અગાશી ઉપર એકત્રીત ન થાય અને ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડીસ્ટન્સનું ફરજીયાતપણે પાલન કરે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર અમદાવાદ શહેરમાં તહેવારમાં પોલીસનો બંદોબસ્ત રહેશે.

આ ઉપરાંત જે વિસ્તારમાં પતંગ અને દોરી જ્યાં વેચાય છેતે વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર ન થાય તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ તથા ફિક્સ પોઇન્ટ રખાશે. આ ઉપરાંત વેપારીઓને પણ જાણ કરાશે કે તેઓ વધારે ભીડ ન થવા દે. ઉપરાંત ઉતરાયણ દરમિયાન નિયમોનું પાલન થાય તે માટે સ્થાનિક આગેવાનો, સોસાયટીના ચેરમેનો, રાજકીય આગેવાનોનો સંપર્ક કરી તેમની મદદ લઇને લોકોને આ બાબતે જાણ કરવામાં આવશે. લોકોમાં જાગૃતી આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.

 85 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર