September 19, 2021
September 19, 2021

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને બહેન વચ્ચે રાજકીય જંગ

નણંદ-ભાભી આમને-સામને…

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ઘરમાં રાજકીય ટકરાવને લઈ વાતાવરણ તંગ બન્યું છે. રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા ભાજપમાં છે તો તેની બહેન નયનાબા જાડેજા કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હોવાથી બંને વચ્ચે રાજકીય યુદ્ધ છેડાયું છે.

રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ભાજપના નેતા છે અને સૌરાષ્ટ્રની કરણી ક્ષત્રિય સેનાના પ્રમુખ પણ છે. રીવાબા જાડેજા સમાજસેવામાં ખૂબ સક્રિય છે, જ્યારે જાડેજાની બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં ખૂબ સક્રિય છે. પત્ની રીવાબા જાડેજાને પતિ રવિન્દ્ર જાડેજાનો ટેકો મળે છે.

રિવાબા અને નયનાબા વચ્ચે રાજકીય લડાઈ ચાલી રહી છે. બંને અલગ-અલગ પક્ષમાં હોવાથી ચકમક રહેતી હોય છે. થોડા દિવસ અગાઉ જામનગરમાં રિવાબા જાડેજાએ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે મહિલાઓને સંબોધિત કરતા કોરોનાથી બચવા માટે સલાહ આપી હતી. રિવાબાના આ કાર્યક્રમ અંગે તેની નણંદ નયનાબાએ નિશાન તાક્યું હતું. ભીડ એકત્ર કરી કોરોના સંક્રમણ કરવા માટે ભાજપના નેતાઓ જવાબદાર છે અને તેઓ પાછા લોકોને સલાહ આપે છે તેવો આક્ષેપ નયનાબાએ કર્યો હતો.

મહત્વનું છે કે, રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા બાદ લોકસભાની ચૂંટણી અગાઉ રિવાબા ભાજપમાં જોડાયા હતા. જ્યારે નયનાબા તેમના પિતા સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. જામનગર વિસ્તારના ગામડાઓમાં રિવાબા હાલમાં મહિલાઓ સાથે સંપર્ક વધારી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીઓ પહેલા નયનાબા અને રિવાબા પોતા પોતાનું રાજકીય વર્ચસ્વ વધારા માટે મથી રહ્યાં છે. નયનાબા હાલમાં જામનગર જિલ્લાના કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ છે.

નોંધનીય છે કે, રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબા આ અગાઉ ઓગસ્ટ 2020માં માસ્ક ના પહેરવાના પગલે વિવાદમાં આવ્યા હતા.

 82 ,  1