સીબીઆઇ સામે રાજકીય સૂગ સરવાળે રાજ્યોને જ ભારે પડી શકે…!

પહેલાં એવુ કહેતા- કેસ સીબીઆઇને સોંપો., હવે-ના હોં ભાઇ, અમારે ત્યાં સીબીઆઇ જોઇએ જ નહીં…!!

સરકાર બદલાતા પી. ચિદમ્બરમને 99 દિવસ જેલમાં રહેવુ પડ્યું

મહારાષ્ટ્ર બાદ હવે કેરળમાં સીબીઆઇ થશે- પર્સન નોન ગ્રાન્ટા….

અડધો ડઝન રાજ્યોમાં સીબીઆઇ માટે –નો એન્ટ્રી…

(નેટડાકિયા-ખાસ અહેવાલ)

ખૂબ જ જાણીતા હવાલા કાંડ કેસમાં સુપ્રિમ કોર્ટે દેશની કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ અંગે એવું અવલોકન કર્યું-સીબીઆઇ પાંજરામાં બંધ કોઇ પોપટની જેમ છે જે માત્ર પોતાના માલિકની જ ભાષામાં બોલે છે…! સત્તામાં જેની સરકાર આવી તે તમામ સરકારોએ તેનો દુરૂપયોગ કર્યાનો આરોપ ભાજપ અને કોંગ્રેસ બન્નેએ કર્યો છે. જેમ કે પંજો સત્તાશાળી હતો તો ભાજપે આરોપ મૂક્યો. હવે કમળ સત્તામાં છે ત્યારે પંજાવાળા કહે છે કે કેન્દ્ર સરકાર સીબીઆઇનો રાજકિય ઉપયોગ કરીને વિરોધપક્ષોને હેરાન કરે છે.

સીબીઆઇએ તો માત્ર-હુકુમ કરે મેરે આકા….એટલુ જ કહેવાનું અને સાંભળવાનુ છે. એમાં વાંક સીબીઆઇનો નથી. વાંક દરેક સરકારોનો છે. સીબીઆઇને અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઇની જેમ સ્વતંત્ર અને સરકાર તેમાં દખલ ના કરે તેવી બનાવવાના દિલ્હીની કોઇ સરકારોએ પ્રયાસ સુધ્ધા પણ કર્યો નથી. અને કરે પણ શું કામ…?!

સીબીઆઇને પોતાના રાજ્યમાં પોતાની પૂર્વ મંજૂરી વગર તપાસ કરતાં અટકાવવાનું રાજકિય વલણ દેશમાં ધીમે ધીમે વધી રહ્યું છે. હવે કેરળ સરકાર એવું કરવા જઇ રહી છે કે તે સીબીઆઇને અપાયેલી જનરલ સંમતિ-જનરલ કન્સન્ટની જોગવાઇ પાછી ખેંચી લેશે. અને સીબીઆઇએ હવે કેરળમાં તપાસ કરતાં પહેલા કેરળ સરકારની મંજૂરી માંગવી પડશે. મંજૂરી મળે…?

સુપ્રિમ કોર્ટે એમ કહ્યું કે સીબીઆઇની હાલત પાંજરે પૂરાયેલા પોપટ જેવી છે….જેમ સરકાર કહે તેમ કરવાનું….તે પછી સીબીઆઇને અખબારી કાર્ટુનમાં પોપટ તરીકે દર્શાવવામાં આવે છે. દેશમાં કેન્દ્રમાં ભાજપની અને કેટલાક રાજ્યોમાં અન્ય પક્ષોની સરકાર બન્યા પછી સીબીઆઇની તપાસને લઇને બિન-ભાજપી સરકારોએ પોતાના રાજ્યમાં સીબીઆઇએ તપાસ કરતાં પહેલાં રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવવી પડશે એમ કહીને સીબીઆઇને પોતાના રાજ્યમાં આવતાં રોકવાનો પ્રયાસ કર્યો તેમાં હવે મહારાષ્ટ્ર બાદ કેરળ ઉમેરાશે.

મહારાષ્ટ્ર સરકારે સીબીઆઇને પોતાના રાજ્યમાં તપાસ માટે સામાન્ય સંમતિની જોગવાઇ દૂર કરીને કહ્યું છે કે સીબીઆઇએ હવે મહારાષ્ટ્રમાં તપાસ કરતાં પહેલાં રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવવી પડશે,. આ અગાઉ આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં આવો ઠરાવ થયો હતો. ત્યારબાદ નાગાલેન્ડ, સિક્કિમ, રાજસ્થાન અને હવે મહારાષ્ટ્રમાંથી સીબીઆઇને હડધૂત કરવામાં આવતાં કોઇ મહત્વના કે સંવેદનશીલ કેસમાં સીબીઆઇ કઇ રીતે તટસ્થ તપાસ હાથ ધરશે…તેવો સવાલ થઇ રહ્યો છે. છત્તીસગઢમાં સરકાર બદલાતા ત્યાં પણ સીબીઆઇ સામે આવો જ ઠરાવ થયો છે.

પહેલાં એવુ હતું કે રાજ્ય સરકારો મહત્વના કે વિવાદી કેસોની તપાસ સીબીઆઇને સામેથી આપતી હતી. પરંતુ હવે કેટલાક રાજ્યો સીબીઆઇને “નો એન્ટ્રી”ના બોર્ડ બતાવી રહી છે. જો કે રાજ્ય સરકારો જો આ જ વલણ અપનાવશે તો કેન્દ્ર સરકાર એવો કાયદો લાવી શકે કે રાજ્યોની પૂર્વ મંજૂરી એટલે કે જનરલ સંમતિ વગર જ સીબીઆઇ બારોબાર એન્ટ્રી કરીને તપાસ કરી શક્શે. આવી જોગવાઇ આવી શકે છે. બિનભાજપી પક્ષોની સરકારોનો આરોપ છે કે કેન્દ્રની ભાજપ સરકાર સીબીઆઇનો દુરૂપયોગ કરીને પોતાના વિરોધીઓને દબાવવાનો પ્રયાસ કરે છે.

સીબીઆઇ તંત્રમાં પણ થોડા સમય પહેલા કેટલુ બધુ ઉલટપલટ થઇ ગયું હતું. માંસ નિકાસ કરનાર એક કંપની પાસેથી 3 કે 4 કરોડની લાંચના મામલે તત્કાલિન સીબીઆઇ વડા આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની વચ્ચે સામસામે એવો વિવાદ સર્જાયો કે સીબીઆઇની કિંમત થઇ ગઇ હતી. દિલ્હીમાં પોલીસ પહેરા હેઠળ નવા ઇન્ચાર્જ ડિરેક્ટરને અડધી રાત્રે ચાર્જ લેવડાવવામાં આવ્યો હતો.

જો કે કોઇ જટીલ ગુનાની તપાસની બાબતમાં સીબીઆઇ પોલીસ કરતાં આગળ છે. તેનું કારણ સીબીઆઇ પાસે આધુનિક સાધનો, ઇન્ટરનેશનલ સ્તરે અન્ય દેશોનો સહયોગ, ગુનો ઉકેલવાની બુધ્ધિમત્તા, સુવિધાઓ વગેરે. છે. લાલુને ઘાસચારા કેસમાં જેલના સળિયા પાછળ સીબીઆઇએ જ પહોંચાડ્યા છે, આસારામ પણ સીબીઆઇની તપાસને કારણે જ જેલમાં એવા બંધ છે કે તેમને એક દિવસનીપણ પેરોલ મળતી નથી…..2012ના નિર્ભયા કેસમાં સીબીઆઇની તપાસને કારણે જ આરોપીઓને ફાંસી થઇ શકી.

નિષ્ણાતો એવો ભય વ્યક્ત કરે છે કે જો વિપક્ષી સરકારો સીબીઆઇ પ્રત્યે આભડછેટ રાખશે તો કદાજ આખરે રાજ્યોને જ તેમાં સહન કરવુ પડે. કેમ કે તે પછી તેમાં રાજકારણ ઉમેરાય તો વિપક્ષી રાજ્યોની સરકારો સામે ચાલીને કહેશે તો પણ સીબીઆઇ કોઇ કેસ હાથ પર નહીં લે…ત્યારે શું થશે..તેનો વિચાર વિપક્ષી એટલે કે બિનભાજપી સરકારોએ કરવો પડશે. લાગે છે કે રાજકારણમાં સીબીઆઇની હાલત સુડી વચ્ચે સોપારી જેવી બની ગઇ છે.

એક નજર…

  • કેન્દ્રમાં પંજો શક્તિશાળી હતો ત્યારે સીએમ મોદીની ધરપકડ કરવા સીબીઆઇ પર દબાણ હતું
  • અમિત શાહને ગુજરાતની બહાર અમુક સમય રહેવું પડ્યું..
  • બાબરીના કેસમાં અડવાણી સહિતના વીવીઆઇપી સામે કેસ
  • કેન્દ્રમાં કમળ ખિલ્યા બાદ લાલુ ઘાસચારા કાંડમાં જેલમાં…
  • ભ્રષ્ટાચારના કેસમાં કોંગ્રેસના પૂર્વ મંત્રી પી. ચિદમ્બરમ 99 દિવસ જેલમાં રહ્યાં
  • બાબરી કેસમાં અડવાણી અને અન્ય તમામ આરોપીઓ બાઇજ્જત બરી…
  • ઓગસ્ટા વેસ્ટલેન્ડ ચોપર કાંડ કેસમાં સોનિયા ગાંધીનું નામ પણ ઉછળ્યું
  • સોનિયાના જમાઇ રોબર્ટ વાઢરા હરિયાણાના જમીન કેસમાં ગમે ત્યારે જેલમાં હશે…

-દિનેશ રાજપૂત

 46 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર