ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાતથી રાજકીય હલચલ

સ્થાનિક ચૂંટણીઓ સમયે ટિકૈતની મુલાકાતથી સરકાર, આઇબી અને તંત્ર સક્રિય

કેન્દ્રના ત્રણ વિવાદિત કૃષિ કાયદાની સામે છેલ્લા 75 દિવસથી દિલ્હીની બહાર ચાલી રહેલા કિસાન આંદોલનના નેતા રાકૈશ ટિકૈતે ગુજરાતની મુલાકાત લેવાની જાહેરાત કરી છે. તેમની આ જાહેરાતના પગલે રાજ્ય સરકાર, સેન્ટ્રલ અને સ્ટેટ આઇબી તથા રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઇ છે. ગુજરાતમાં હાલમાં મીની વિધાનસભા સમાન સ્થાનિક ચૂંટણીઓ યોજાઇ રહી છે. તેવા સમયે ખેડૂત નેતા ગુજરાત આવીને નવા રાજકીય સમીકરણો રચે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

દિલ્હીમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ 26 નવેમ્બરથી કિસાન આંદોલન શરૂ કર્યું ત્યારે ગુજરાતના ખેડૂત આગેવાનોએ પણ તેમાં જોડાવવાની જાહેરાત કરી હતી. જો કે, કોઇ દબાણને કારણે ગુજરાતના ખેડૂતો દિલ્હીના કિસાન આંદોલનનો કોઇ હિસ્સો બની શક્યા નથી. ગુજરાતના ખેડૂતોએ પોતે આંદોલનમાં જોડાયા છે. તેવા ફોટા વીડિયો જાહેર કર્યા હતા. ક્યાં અને કેટલી સંખ્યામાં બેઠા છે તેની વિગતો જાહેર થઇ શકી નથી.

દરમિયાનમાં પોતાના આંસુઓ થકી કિસાન આંદોલનને મજબુત બનાવનાર રાકેશ ટિકૈત એવો દાવો કરે છે કે, ગુજરાતમાં ખેડૂતો પર દબાણ છે અને તેઓ સરકારની સામે બોલી શકતા નથી. તેમનો અવાજ સરકાર સુધી પહોંચાડવા તેવો ગુજરાતની મુલાકાત લેશે.

 30 ,  1