September 20, 2021
September 20, 2021

મંદિર પર રાજકારણઃ આરોગ્ય મંદિરો ખોલી રહ્યા છીએ

મંદિરો ખોલવાને લઈ CM ઉદ્ધવ ઠાકરેનું મહત્વનું નિવેદન

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર માંડ મંદ પડી છે ત્યાં બીજી બાજુ ત્રીજી લહેર દરવાજા પર દસ્તક દઈ રહી છે. આ વચ્ચે મહારાષ્ટ્રમાં મંદિરો ખોલવાની માગ કરવામાં આવી રહી છે. જેને લઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહત્વનું નિવેદન આપ્યું છે.

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, ભલે આજે મંદિરો બંધ છે પરંતુ અમે આરોગ્ય મંદિરો એટલે કે હોસ્પિટલો ખોલી રહ્યા છીએ. જે કોરોનાના સમયગાળામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભગવાન માત્ર મંદિરોમાં જ નથી. તેઓ તબીબોના રૂપમાં હોસ્પિટલોમાં પણ છે. આવા વધુને વધુ દેવતાઓ એટલે કે તબીબોને તેમના મંદિરો (હોસ્પિટલો, કોવિડ કેન્દ્રો)માં બેસાડવાના અમારા પ્રયાસ શરૂ છે. લોકો ચોક્કસ અમને આશીર્વાદ આપશે.

મુંબઈને અડીને આવેલા કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ઉપક્રમોનું ઉદ્ઘાટન કરતી વખતે મુખ્યમંત્રીએ આ વાત કહી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવા જોઈએ, ઠીક છે, હું સહમત છું. પરંતુ તે પહેલા એ મહત્વનું છે કે તમારા વિસ્તારમાં હોસ્પિટલો ખુલ્લી રહે. મંદિર બંધ થયા પછી પણ, અમે હોસ્પિટલોના રૂપમાં આરોગ્ય મંદિરો ખોલી રહ્યા છીએ. આજે તે સૌથી મહત્વનું છે.

ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું કે, ચોક્કસપણે મંદિર પણ ખોલવામાં આવશે. અમે તબક્કાવાર સંસ્થાઓ ખોલી રહ્યા છીએ. ધીરે ધીરે પરિસ્થિતિ જોતા મંદિર પણ ખોલવામાં આવશે. ફક્ત નારેબાજી અને જાહેરાતો કરવાથી તેઓ સાજા નહીં થાય. એટલા માટે તમામ રાજકીય પક્ષોને અપીલ છે તે જવાબદાર બને. કોરોનાની ત્રીજી લહેર દરવાજા પર ઉભી છે. તમારૂ રાજકારણ ચાલતું રહેશે. હાલ ભીડ ભેગી ન કરો.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આ અપીલના જવાબમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કટાક્ષ કર્યો છે. નારાયણ રાણેએ કહ્યું કે, મુખ્યમંત્રી કોરોનાનો ડર બતાવીને લોકોને ઘરે બેસાડવાના બહાના શોધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે 1 લાખ 57 હજાર લોકોના મોત થયા છે. ઓક્સિજન ઉપલબ્ધ નથી, બેડ નથી, દવાઓ નથી, વેક્સિન યોગ્ય રીતે આપવામાં આવી રહી નથી. તો પછી તેઓ શું આરોગ્ય સેવાઓની વાત કરી રહ્યા છે ?

 24 ,  1