મોદી સેનામાં મહિલાઓને પ્રાધાન્ય, મંત્રીમંડળમાં નવ મહિલાઓનો સમાવેશ

ગુજરાતના સુરતથી ભાજપના સાંસદ દર્શના જરદોશને મંત્રી બનાવાયા

મોદી સરકારના મંત્રીમંડળનો બુધવારે વિસ્તરણ થયું જેમાં 43 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. નવા કેન્દ્રિય કેબિનેટમાં અનેક મહિલાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની મળીને હવે કેન્દ્રીય મંત્રી પરિષદમાં મહિલા મંત્રીઓની કુલ સંખ્યા નવ થઈ ગઈ છે જ્યારે દેબશ્રી ચૌધરી મંત્રી પરિષદમાંથી બહાર કરવામાં આવ્યા છે.

મોદી મંત્રીમંડળમાં 15 કેબિનેટ, 28 રાજ્યમંત્રીઓએ શપથ લીધા. બુધવારે જે મહિલા સાંસદોએ કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા તેમાં અપના દળના અનુપ્રિયા પટેલ,દિલ્હીથી ભાજપના સાંસદ મીનાક્ષી લેખી,ગુજરાતના સુરતથી ભાજપના સાંસદ દર્શના જરદોશ,કર્ણાટકના ઉડુપી ચિકમગલૂરથી સાંસદ શોભા કરંદલાજે,ઝારખંડથી ભાજપના સાંસદ અન્નપૂર્ણા દેવી, ત્રિપુરા વેસ્ટથી ભાજપના સાંસદ પ્રતિમા ભૌમિક તેમજ મહારાષ્ટ્રથી સાંસદ ભારતી પવારને મંત્રી બનાવવામાં આવ્યા છે.

મિનાક્ષી લેખી દિલ્હીથી સાંસદ છે અને તેમને વિદેશ અને સંસ્કૃતિ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે અનુપ્રિયા પટેલને વાણિજ્ય મંત્રાલયમાં રાજ્યમંત્રી નિયુક્ત કરાયા છે. શોભા કરાંદલાજે કર્ણાટકના ઉડુપીથી બેવારથી સાંસદ છે. તેમને કૃષિ વિભાગમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે દર્શના જરદોશ ગુજરાતથી છે અને કપડા અને રેલ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

અન્નપૂર્ણા દેવી ઝારખંડના કોડરમા બેઠકથી સાંસદ છે અને શિક્ષણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રતિમા ભૌમિક ત્રિપુરાના છે અને તેમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં રાજ્યમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. ડો. ભારતી પવાર મહારાષ્ટ્રના ડિંડોરી બેઠકથી સાંસદ છે. તેમને મહિલા બાળ વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રી નિયુક્ત કરાયા છે.

 58 ,  1