રસીકરણ પહેલા તૈયારીઓ, દેશના 738 જિલ્લામાં થશે એકસાથે ડ્રાય રન

રસીકરણ અગાઉ આજે આખા દેશમાં સૌથી મોટી ડ્રાય રન 

કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. વેક્સિનને મંજૂરી મળ્યાના 10 દિવસમાં જ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવાના કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે સંકેત આપ્યા છે. આજે દેશભરમાં યુપીને બાદ કરતા તમામ રાજ્યોમાં વેક્સિનને લઈ ડ્રાયરન યોજાશે. જે હેઠળ દેશભરના 738 જિલ્લાઓમાં ડ્રાય રનનું આયોજન કરાશે. 

આ અગાઉ 2 જાન્યુઆરીના રોજ દેશભરના 125 જિલ્લાઓના 285 કેન્દ્રો પર કોરોના રસીની ડ્રાય રન કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત, પંજાબ અને આસામ ઉપરાંત અનેક રાજ્યોથી સારા પરિણામ આવ્યા હતા. પછી સરકારે સમગ્ર દેશમાં ડ્રાય રન કરવાનો નિર્ણય લીધો. તે પહેલા 28 અને 29 ડિસેમ્બરે દેશના 4 રાજ્યોમાં ડ્રાય રનનું આયોજન કરાયું હતું. 

આ અતંર્ગત ગુજરાતના 248 તાલુકામાં આજે વેક્સિનનો ટ્રાયલ રન કરાશે. અગાઉ રાજ્યના 33 જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાઓમાં મોપ અપ ડ્રાયરન રાઉન્ડની કામગીરી પણ પૂર્ણ કરી દેવાઇ હતી. ત્યારે હવે કેંદ્ર સરકારે તમામ જિલ્લામાં ડ્રાયરનના આદેશ કર્યા છે.

જેના ભાગરૂપે રાજ્યના 248 તાલુકાઓ અને 26 ઝોનમાં તાલુકા/ઝોનદીઠ ત્રણ વેક્સિનેશન સાઇટ ખાતે આ ટ્રાયલ રન કરાશે. પ્રથમ તબક્કામાં 4.33 લાખ સરકારી અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર નર્સ, હેલ્થ વર્કરો, મલ્ટીપર્પઝ વર્કરો, સુપરવાઇઝર, સ્વિપર સહિતના કર્મીઓને આવરી લેવામાં આવનાર છે.

ડ્રાય રન અગાઉ કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને ગુરુવારે રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે કહ્યું કે અમને રાજ્યો પાસેથી રસી અંગે ફીડબેક મળ્યા છે અને અમે તેના આધારે જરૂરી સુધારા પણ કર્યા છે. આ સાથે જ તેમણે રસી વિરુદ્ધ ફેલાવવામાં આવેલા દુષ્પ્રચાર ઉપર પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે તેનાથી રસીકરણની તૈયારીઓને ઝટકો લાગી શકે છે. 

અત્રે જણાવવાનું કે ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઈન્ડિયાએ 3 જાન્યુઆરીના રોજ સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. આ અગાઉ રસી માટે બનેલી એક્સપર્ટ કમિટીએ 1 જાન્યુઆરીએ કોવિશીલ્ડ અને 2 જાન્યુઆરીના રોજ કોવેક્સિનને મંજૂરી આપી હતી. હવે DCGIની મંજૂરી મળ્યા બાદ ભારતમાં રસીનો ઉપયોગ શરૂ થઈ જશે. 

 46 ,  1