તૈયારીઓ શરૂ : આવી રહી છે વિધાનસભા 2022ની ચૂંટણીઓ….

દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક

આજે દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક મળનાર છે .બે દિવસ માટે મળનાર આ બેઠકમાં આગામી વર્ષે વિવિધ રાજ્યમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓને લઈ મહત્વની ચર્ચાઓ કરવામાં આવનાર છે.આ બેઠકમાં ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગોવા, પંજાબ અને ગુજરાત સહિત રાજ્યોના પ્રદેશ પ્રમુખો હાજર રહેનાર છે. સેવા જ સંગઠન નામના અભિયાનની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તેમજ સંગઠન માળખાને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવનાર છે. મહત્વનું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને રાજ્યોના મહાસચિવો અને સંગઠન મંત્રીઓને રાજ્યોના રિપોર્ટ તૈયાર કરી લાવવાની નિર્દેશો પણ કરવામાં આવ્યા છે જેમાં રાજ્યોના રીપોર્ટ રજૂ કરવામાં આવનાર છે.

મહત્વનું છે કે, પંશ્વિમ બંગાળની ચૂંટણી પહેલા એવી અટકળો વહેતી થઈ હતી કે પશ્વિમ બંગાળમાં ભાજપ જીતશે તો ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી વહેલા યોજાશે.પરંતુ 2022ના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી વહેલી યોજાવાની છે તેવી અટકળો પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્ણવિરામ મૂકી દીધું હતું અને જણાવ્યું હતું કે રાજ્યમાં સમયસર જ ચૂંટણી યોજાવાની છે. અને કહ્યું હતું કે, ચૂંટણી વહેલી યોજાવાની વાતમાં કોઈ તથ્ય નથી.જો હવે ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી યોજાનાર છે જેને લઈને ગુજરાત ભાજપના નેતાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ બાબતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં ભાગ લેવા ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના નેતાઓ પહોંચ્યા છે. આ બેઠકમાં અનેક રાજ્યોના મહાસચિવો તેમજ મોટા નેતાઓ ભાગ લેનાર છે મહત્વનું છે કે ,રાજ્યની 6 મહાનગરપાલિકાઓની સાથે જિલ્લા તેમજ તાલુકા અને ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે મોટી જીત હાંસલ કરી છે. આ ઉપરાંત, 2020માં થયેલી વિધાનસભાની છ બેઠકો પરની પેટાચૂંટણીમાં પણ ભાજપે જીત હાંસલ કરી હતી. તાજેતરમાં થયેલી ચૂંટણીઓમાં રાજ્યમાંથી કોંગ્રેસના જાણે કે સૂપડાં જ સાફ થઈ ગયા છે.બીજી તરફ આમ આદમી તેમજ AIMIM જેવી નાની પાર્ટીઓનો ઉદય થતો જોવા મળી રહ્યો છે. તેમાંય આમ આદમી પાર્ટીએ તો સુરતમાં કોંગ્રેસને પણ પાછળ રાખી સૌને ચોંકાવી દીધા છે. અને વિપક્ષ તરીકે સત્તા સંભાળી છે ત્યારે આવનાર વિધાનસભાની 2022ની ચૂંટણીઓમાં કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. જેને લઈને ભાજપના મોટા નેતાઓએ દિલ્હીમાં બેઠકનો દોર શરૂ કર્યો છે.

નોંધનીય છે કે,રાજ્યમાં 2017માં જે વિધાનસભા ચૂંટણી થઈ હતી તેમાં ભાજપનો દેખાવ પ્રમાણમાં ખૂબ જ નબળો રહ્યો હતો અને પક્ષને 100થી પણ ઓછી બેઠકો જીતીને સંતોષ માનવો પડ્યો હતો. જોકે, ત્યારબાદ થયેલી પેટાચૂંટણીઓ ઉપરાંત કોંગ્રેસના નેતાઓને તોડીને ભાજપમાં લાવવાની રણનીતિથી ભાજપનું સંખ્યાબળ હાલ વિધાનસભામાં વધીને મજબૂત સ્થિતિમાં આવી ચૂક્યું છે. જેના કારણે રાજ્યસભાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસને પોતાની અગાઉની બેઠકો ગુમાવવી પડી હતી હવે મદાર 2022ની ચૂંટણીઓ પર જોવા મળી રહ્યો છે.

 51 ,  1