લોકસભા ચૂંટણીની તૈયારીઓ..? શું વાત કરો છો..? હજુ તો બે જ વર્ષ થયા..!

કોંગ્રેસની ચોટલી હૌલે..હૌલે.. શરદ પવારના હાથમાં આવી રહી છે…?

કોંગ્રેસને લોકસભામાં 55 બેઠકો કેમ મળતી નથી..? મેજિક..લોજિક..કે..?

2024ની લોકસભા ચૂંટણીઓ માટે શરદ પવાર અત્યારથી જ સક્રિય..

મહારાષ્ટ્રમાં ભાજપ સત્તાથી દૂર-પવાર પોલીટીક્સથી..

પ્રશાંત કિશોરને હવે ભાજપ કેમ ખટકે છે..?!

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણીઓના ધમધમાટ બાદ હવે રાષ્ટ્રીય કક્ષાએ પણ જાણે કે લોકસભાની ચૂંટણીઓ નજીકમાં હોય તેમ વિરોધપક્ષો સક્રિય થઇ રહ્યાં છે. પરંતુ 2019માં પુલવામાં હુમંલા બાદ યોજાયેલી લોકસભાની ચૂંટણીઓને હજુ બે વર્ષ જ પૂરા થયા છે. હજુ તો 2024ને 3 વર્ષની વાર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અત્યારથી જ ઘેરવા માટે મહારાષ્ટ્રમાંથી સળવળાટ શરૂ થયો છે. કોંગ્રેસમાં એક સમયના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના રાજકારણમાં જેનો સિક્કો ચાલતો હતો એવા મરાઠા કિંગ શરદ પવારે વિરોધપક્ષોને એક કરવાનું બીડુ ઝડપ્યું છે. તેમના નેતૃત્વમાં વિરોધપક્ષો એક થાય એવા પ્રયાસો ચૂંટણી વ્યૂહના નિષ્ણાચ પ્રશાંત કિશોર નામના નવા નવા રાજકારણીએ આરંભ્યા છે. નવા રાજકારણી એટલા માટે કે તેમણે બીજાને ચૂંટણીમાં જીતાડતા જીતાડતા હવે પોતે પણ રાજકારણમાં કેમ ના આવે..એમ માનીને લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ કરવા વિરોધપક્ષોને કહી રહ્યાં છે.

બીજાને ચૂંટણી જીતાડી આપવી અને પોતે ચૂંટણીમાં ઉભા રહીને જીતવુ એનો ફરક પ્રશાંત કિશોરને જ્યારે તેઓ પોતાની નવી રાજકિય પાર્ટી અથવા વિરોક્ષપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉભા રહેશે ત્યારે સમજાશે. પણ હાલમાં તેઓ શરદ પવારની આંગળી પકડીને પા પા પગલી માંડી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસે પણ 24મીએ બેઠક બોલાવી છે. 24મીએ કાશ્મીરના મામલે વડાપ્રધાને પણ મહત્વની બેઠક બોલાવી છે. કાશ્મિરને લઇને કોઇ નવી જાહેરાતની શક્યતાઓ દિલ્હીના પાવર પોલીટીક્સમાં વ્યકત થઇ રહી છે.

2014ની લોકસભા ચૂંટણી અને 2019માં લોકસભાની ચૂંટણીઓમાં શરદ પવાર રાષ્ટ્રીય ફલક પર મોદીની સામે નહોતા. મહારાષ્ટ્રમાં ભાજપ અને કેન્દ્ર સરકારે ઇડી એજન્સી દ્વારા શરદ પવારને એક બેંકના ગોટાળાના મામલે ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારથી મરાઠા કિંગ રોષે ભરાયા છે અને ભાજપને સત્તાથી દૂર રાખવા ઉધ્ધવ ઠાકરેને કોંગ્રેસનો ટેકો મેળવીને સીએમ બનાવ્યા. 100 કરોડની વસૂલીના મામલે સરકાર ગબડી પડે તેમ હોવા છતાં પવારે યુક્તિપૂર્વક ઠાકરે સરકારને બચાવી. હવે તેમણે ચાણક્યની જેમ જાણે કે ભાજપને દિલ્હીમાં સત્તા પરથી દૂર ના કરૂ ત્યાં સુધી ચોટલી નહીં બાંધવાની પ્રતિજ્ઞા લીધી હોય તેમ ચાલો સૌ જીતવા જંગ…બ્યૂગલ વાગે છે…ની હાકલ કરીને સૌને ભેગા કરવા લાગ્યા છે પ્રશાંત કિશોરને સાથે રાખીને.

શરદ પવારના સૂચિત વિપક્ષી મોરચામાં હજુ પંજાવાળા પ્રવેશ્યા નથી. કોંગ્રેસે મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપને સત્તાથી દૂર રાખવા શરદ પવારની નેતાગીરી સ્વીકારી પણ 2024માં ભાજપને હરાવવા રાષ્ટ્રીય સ્તરે તેમનું નેતૃત્વ સ્વીકારશે કે કેમ એવા સવાલનો જવાબ હાં છે. યસ, કેમ કે કોંગ્રેસે પણ હવે ભાજપની જ રણનીતિ અપનાવીને, ભલે અમે સત્તામાં નહીં આવીએ પણ ભાજપ તો નહીં જ…એવી નીતિ અપનાવવાની શરૂઆત બંગાળની ચૂંટણીઓથી કરી છે. ભાજપને બંગાળમાં સત્તાથી દૂર રાખવા કોંગ્રેસે નામ માત્રના ઉમેદવારો ઉભા રાખ્યા અને અંદરખાનેથી મમતા બેનર્જીને ટેકો આપ્યો. ત્રિકોણિય જંગને બદલે વન ટુ વન ટીએમસી અને ભાજપ વચ્ચેના મુકાબલામાં પરિણામ સૌની સામે છે- મમતાદીદી ફરી સીએમ છે અને ભાજપ વિપક્ષમાં.

એક સમયે શરદ પવારનો કોંગ્રેસમાં એવો દબદબો હતો કે તેઓ વડાપ્રધાનપદના ઉમેદવાર ગણાતા હતા. પણ કોગ્રેસમાં મેળ નહીં પડે એમ માનીને સોનિયા ગાંધી વિદેશી છે એમ કહીને શરદ પવાર, પી.એ. સંગ્મા અને તારિક અન્વર એમ ત્રણ કોંગ્રેસી નેતાઓએ મે, 1999માં પંજો પડતો મૂકીને એનસીપી નામની નવી પાર્ટી બનાવી હતી. ભાજપના સાંસદ સ્વામી સુબ્રમણ્યમના મનમાં નાણામંત્રી બનવાના લડ્ડુ હજુ પણ ફૂટતા હોય તો શરદ પવારના મનમાં એમ થતું જ હશે કે ભલે ઉંમર થઇ છેલ્લે છેલ્લે વડાપ્રધાન બનવાની તક મળતી હોય તો ખોટા નાહી…! શરદ પવારને કોંગ્રેસ વડાપ્રધાન બનવા દેશે..,.? તો પછી હમણાં જ જેમણે વન પ્રવેશ કર્યો એ 51 વર્ષિય રાહુલનું શું થશે..? કદાજ એ પણ વિચારશે કે ઠીક હૈ..પવારજી પીએમ બનતે હૈ બનને દેંગે લેકિન બીજેપી કો ફિર સે સરકાર મેં નહીં આને દેંગે…! મેરા ક્યા…મૈં તો કભી ભી પીએમ બન શકતા હું..,.!

શરદ પવાર-પ્રશાંત કિશોર અને ભાજપનો 2024માં મુકાબલો કરવા માટે અત્યારથી માથાપચી કરનારા નેતાઓએ એ પહેલાં ગુજરાત, યુપી સહિતના પાંચ રાજ્યોમાં પોતાની રાજકિય શક્તિ પૂરવાર કરવી પડે કે હમ સાથ સાથ હૈ…! ખાસ કરીને યુપી કબ્જે કરવા માટે પવાર ટીમે પાવર બતાવવો પડે.અને કોંગ્રેસ જો પવારટીમમાં હશે તો તેના ભાગે શું આવશે..? જો કોંગ્રેસ શરદ પવારનું નેતૃત્વ સ્વીકારે તો સમજવુ કે….ગાંધીજીનું સ્વ્પન સાકાર થયું…? કે ફિનિક્સ પક્ષની જેમ પંજો આગની રાખમાંથી આળસ મરડીને પાંખો ફડફડાવા માંડશે..? લગતા તો નહીં…

17મી લોકસભાની 2019ની ચૂંટણીમાં ભાજપને, 543માંથી 303 બેઠો મળી હતી. કોંગ્રેસને માત્ર 52 બેઠકો મળી. ભાજપને કુલ થયેલા મતદાનના મતોમાંથી 37.46 ટકા મતો મળ્યા હતા. આંકડામાં મતોમાં ગણીએ તો 22,90,76,879 કુલ મતો મળ્યા. જ્યારે કોંમગ્રેસને 11,94,95,214 મતો મળ્યા. ટકાવારીમાં જોઇએ તો કોંગ્રેસને કુલ મતદાનમાંથી માત્ર 19.49 ટકા જ મતો મળ્યા હતા. 2019ની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા કુલ 91 કરોડ હતી. તેમાંથી 60.3 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. કુલ મતદાનની ટકાવારી 67 ટકા હતી.

2014માં ભાજપને 282 બેઠકો અને કોંગ્રેસને માત્ર 44 બેઠકો મળી હતી. અને 2019માં 51. એટલે કે મતદાનનું અને મતદારોનું મેજીક અને લોજિક જોવા જોવુ છે. 2014માં અને 2019માં કોંગ્રેસને આખા દેશમાંથી એટલી બેઠકો ના મળી કે ના મેળવી શક્યા કે જેથી લોકસભામાં કોંગ્રેસને સત્તાવાર રીતે વિપક્ષનો દરજ્જો મળે…! વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે લોકસભાની 543માંથી 10 ટકા બેઠકો એટલે કે 55 બેઠકો જીતવી પડે. 2014માં 44 બેઠકો મળી એટલે વિપક્ષના નેતાનું પદ ના મળ્યું. 2019માં 51 બેઠકો મળી. 55થી દૂર….! એટલે ફરી વિપક્ષના નેતાથી વંચિત…! 2024માં ફરી વિપક્ષના નેતાપદથી વંચિત કે પીએમપદથી પણ વંચિત….? શરદ પવાર જાણે…!

 69 ,  1