નક્સલીઓ પર એક્શનની તૈયારી! અમિત શાહે ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક

જવાનોએ પોતાનું લોહી વહાવ્યુ છે, બલિદાન વ્યર્થ નહીં જાય – શાહ

છત્તીસગઢના બીજાપુરમાં શનિવારે નક્સલી હુમલા બાદ અસમ ચૂંટણી પ્રવાસ રદ્દ કરી દિલ્હી આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમના આવાસ પર આશરે એક કલાક ચાલેલી બેઠક દરમિયાન CRPF ના સ્પેશિયલ ડીજી સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં છત્તીસગઢની ઘટનાને લઈને હાલની સ્થિતિની સમીક્ષા અને નવી રણનીતિ પર વિચાર કરવામાં આવ્યો છે.

‘વ્યર્થ નહીં જાય જવાનોનું બલિદાન’

છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓ સામે લડતા શહીદ થયેલા જવાનોને લઈને અમિત શાહે રવિવારે કહ્યુ હતુ કે, આપણા જવાન શહીદ થયા છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી આંકડાનો સવાલ છે હું તેના વિશે હાલ કંઈ કહેવા ઈચ્છતો નથી કારણ કે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગૃહમંત્રીએ કહ્યુ કે, જે જવાનોએ પોતાનું લોહી વહાવ્યુ છે તેમનું બલિદાન વ્યર્થ જશે નહીં. તેમણે કહ્યું કે, હું આ ઘટનાને કારણે મારો અસમનો પ્રવાસ છોડી દિલ્હી પરત ફરી રહ્યો છું.

બેઠકમાં આ અધિકારીઓ રહ્યાં હાજર

અમિત શાહના આવાસ પર યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, આઈબી ડાયરેક્ટર અરવિંદ કુમાર અને વરિષ્ઠ સીઆરપીએફ અધિકારી હાજર રહ્યા. તો સીઆરપીએફના ડીજી કુલદીપ સિંહે કહ્યુ કે, ઓપરેશનમાં કોઈ પ્રકારની ગુપ્ત નિષ્ફળતા નથી. જો એમ હોત તો અમારા જવાન ઓપરેશન માટે સ્થળ પર ન જાય. જો ઓપરેશન નિષ્ફળ હોય તો નક્સલીઓ પણ ઢેર ન થયા હોત. નક્સલીઓએ પોતાના સાથીઓના મૃતદેહ લઈ જવા માટે ત્રણ ટ્રેક્ટરોનો ઉપયોગ કર્યો. પરંતુ કુલદીપ સિંહે તે નથી જણાવ્યું કે, આ ઓપરેશનમાં કુલ કેટલા નક્સલીઓના મોત થયા છે. 

બસ્તરના બીજાપુરમાં નક્સલીઓએ 700 સૈનિકોને ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. બીજાપુર એસપીએ જણાવ્યું કે આ હુમલામાં 24 જવાનો શહીદ થયા હતા, લગભગ 700 જવાનોને નક્સલીઓએ બીજાપુરના તર્રેમ વિસ્તારમાં જોનાગુડા ટેકરીઓ પાસે ઘેરી લીધા હતા. ત્રણ કલાક ચાલેલી અથડામણમાં 9 નક્સલીઓ પણ માર્યા ગયા છે. લગભગ 30 જવાન ઘાયલ થયા છે.

 46 ,  1