અશાંતધારા કાયદાને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી : કાયદાનો ભંગ કરનારને 3 થી 5 વર્ષની સજા, 1 લાખનો દંડ

  • ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ મળશે
  • ગુનો સાબિત થાય તો ૩ થી ૫ વર્ષની સજા અને રૂપિયા એક લાખ અથવા મિલકતની જંત્રીની કિંમતના ૧૦ ટકા બે માંથી જે વધુ હોય તેટલા દંડની જોગવાઈ

ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા માટે ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદાને દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ મંજૂરી આપી છે. જેના પરિણામે ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ મળશે અને નાગરિકોને શાંતિનો અહેસાસ થશે.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના અશાંત વિસ્તારોમાંથી સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મુકતા આ કાયદાના અમલીકરણ થકી સ્થાવર મિલકતની ગેરકાયદેસર તબદીલીઓ પર નિયંત્રણ આવશે અને કાયદેસર માલિકોના હિતસંબંધોનું રક્ષણ થશે. આ અધિનિયમની જોગવાઇઓનો અસરકારક અમલ થાય, અશાંત જાહેર કરેલા વિસ્તારના રહીશોની મિલકતોની સુરક્ષા અને જાળવણી સુનિશ્ચિત થાય, સામાજિક સમરસતા જળવાઇ રહે, વિસ્તારના રહીશોની સુરક્ષા અને સલામતિની ભાવના જળવાઇ રહે તે માટે આ કાયદામાં કેટલીક જોગવાઇઓમાં સુધારો કરવામાં આવ્યો છે. આ કાયદામાં થયેલા સુધારાથી મિલકતની વ્યાખ્યા વધુ સ્પષ્ટ થઇ છે.

વધુમાં તેમણે કહ્યું, રાજ્યના કોઇ વિસ્તારમાં હુલ્લડ અથવા ટોળાની હિંસકતાને કારણે તે વિસ્તારમાંની જાહેર વ્યવસ્થાને નોંધપાત્ર ખલેલ પહોંચી હોય તેવા વિસ્તારને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવાની જોગવાઇ કરવામાં આવી છે. તે ઉપરાંત આ સુધારામાં જે તે વિસ્તારમાં એક સમુદાયની વ્યક્તિઓનું ધ્રુવીકરણ થઇ રહ્યું હોય અથવા થવાની શકયતા હોય જેને લીધે તે વિસ્તારમાં રહેતી જુદા જુદા સમુદાયની વ્યક્તિઓનું જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાવાની શકયતા હોય અથવા એક સમુદાયની વ્યક્તિઓના સમૂહમાં અંધાધૂંધી ફેલાવી શાંતિપૂર્વક સુમેળતામાં ખલેલ પહોંચતી હોય તેવા વિસ્તારને તથા તેની આસપાસના ૫૦૦ મીટર સુધીના વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કરવાની જોગવાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આવા વિસ્તારને ચોક્કસ સમય માટે અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે જાહેરનામામાં પ્રસિઘ્ઘ કરવાની જોગવાઇ કરાઇ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ ઉપરાંત નવી જોગવાઈઓ અનુસાર અશાંત વિસ્તારમાં આવેલ કોઇ મિલ્કતનો મિલ્કત ધારક પુન:વિકાસ કરવા ઇચ્છે તો જો પુન:વિકાસ તેના પોતાના ઉપયોગ માટે કરવાનો હોય ત્યારે પણ કલેકટરની પરવાનગી મેળવવાની રહેશે નહિ. જે કેસમાં કલેકટરના હુકમ સામે અપીલ કરવામાં આવેલ ન હોય તેવા હુકમોને રાજય સરકાર સ્વ-મેળે અથવા કોઇની અરજીના આધારે રિવિઝનમાં લઇ શકશે અને પક્ષકારોને સાંભળી યોગ્ય તે નિર્ણય કરી શકશે. પરવાનગી સિવાય કરેલ તબદિલીઓ બદલ સજા અને દંડની જોગવાઇ કરવામાં આવેલ છે. જેમાં ત્રણથી પાંચ વર્ષ સુધીની સજા અને રૂપિયા એક લાખ અથવા જંત્રીની ૧૦% કિંમત બે માંથી જે વધુ હોય તેટલો દંડ આ ગુનાને કોગ્નીજેબલ ઓફેન્સ (પોલીસ અધિકારનો ગુનો) ગણવાનો રહેશે તેવી જોગવાઇ કરેલ છે.

 74 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર