રાષ્ટ્રપતિ કોવિંદનો મિનિટ ટૂ મિનિટનો પ્રોગ્રામ WhatsApp પર લીક

રાષ્ટ્રપતિની સુરક્ષામાં મોટી ચૂક

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ માટે કાનપુરનાં પ્રવાસ પર આવ્યા છે ત્યારે આજે તેમની સુરક્ષામાં ફરીથી મોટી ચૂક થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ WhatsApp પર તેમના બે દિવસનાં આખા પ્લાનની જાણકારી અને સિક્યુરિટી ડોક્યુટમેન્ટ લીક થઈ ગયા છે, આ મામલે હવે પોલીસ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પોલીસે કહ્યું કે સુરક્ષા વિશે વિસ્તૃત જાણકારી, સુરક્ષા જવાનોની તૈનાતી, વરિષ્ઠ અધિકારીઓ સહિતની જાણકારીઓ લીક થઈ ગઈ હતી. સમગ્ર ઘટના બાદ કાનપુર પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો અને કાનપુરનાં પોલીસ કમિશનરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

પોલીસ અધિકારી રાહુલ મીઠાંસને આ મામલે તપાસ કરીને રિપોર્ટ આપવાના આદેશ આપવામાં આવ્યા છે અને જવાબદાર લોકોની ઓળખ કરી આવું કરવા પાછળ શું ધ્યેય હતો તે જાણવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

હિન્દી મીડિયા અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ કાફલામાં કયા પોલીસ અધિકારીઓ છે તેવી જાણકારી પણ લીક થઈ ગઈ છે. નોંધનીય છે કે ગઇકાલે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું કાનપુરમાં આગમન થયું હતું જ્યાં રાજયપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું હતું.

રાષ્ટ્રપતિની સુરક્ષામાં ચૂક થઈ હોય થોડા જ દિવસમાં આ બીજી ઘટના છે, થોડા દિવસ પહેલા જ એક યુવક અને યુવતી કાર લઈને રાષ્ટ્રપતિભવનમાં દાખલ થઈ ગયા હતા અને તે બાદ તેમને ત્યાં જ પકડવામાં આવ્યા હતા.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી