કાશ્મીરના નેતાઓ સાથે વડાપ્રધાનની બેઠક, પાકિસ્તાન ફફડ્યું

ઈમરાન ખાને ગુપ્તચર એજન્સી ISIના હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી

જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા શરૂ કરવાના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે દિલ્લી ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં હાજરી આપવા માટે, પીડીપીના વડા મહેબૂબા મુફ્તી, ભાજપના નેતા રવિંદર રૈના અને કવિંદર ગુપ્તા દિલ્હી પહોંચ્યા છે. જ્યારે નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા આજે દિલ્લી આવશે. આ બેઠક કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રના રાજકીય પક્ષો વચ્ચે સંવાદની શરૂઆત હોઈ શકે છે, પરંતુ વિપક્ષના વલણને જોતા બેઠક બાદ કોઈ નક્કર પરિણામની અપેક્ષા નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઓછામાં ઓછા ચાર કેન્દ્રીય પ્રધાનો અને જમ્મુ-કાશ્મીરના ગુપકાર જૂથ સહિત 14 રાજકીય પક્ષો બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. જો કે બેઠક અંગે કોઈ એજન્ડાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે બંને પક્ષ વિરોધી એજન્ડા સાથે બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

 મોદીની આ બેઠક પહેલા પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગઈકાલે ગુપ્તચર એજન્સી આઈએસઆઈના હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી હતી. તેની સાથે પાકિસ્તાનના સેનાધ્યક્ષ અને આઈએસઆઈના મોટા ઓફિસરો પણ સામેલ થયા હતા.

ચાલુ મહિને બીજી વખત ઈમરાન ખાને આઈએસઆઈ ઓફિસની મુલાકાત લીધી છે. પાકિસ્તાનમાંથી મળેલી જાણકારી મુજબ  તેને ઉચ્ચ સ્તરીયા ગુપ્તચર કમિટી બેઠક ગણાવાય છે. પરંતુ એક મહિનાની અંદર ઈમરાન બીજી વખત મુલાકાત લેતા અનેક અટકળો થઈ રહી છે.

આ બેઠક, એટલા માટે પણ અગત્યની છે કારણ કે, કલમ 370 હટ્યા બાદ પહેલી વાર કેંદ્ર સરકાર કાશ્મીરના નેતાઓ સાથે આમને સામને સંવાદ કરશે. બેઠકમાં જમ્મૂ કશ્મીરના 8 પક્ષોના 14 નેતાઓ હાજર રહેશે. સાથે જ પીએમ મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, જમ્મૂ કશ્મીરના LG મનોજ સિંહા, NSA અજિત ડોભાલ, સેક્રેટરી પી.કે મિશ્રા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

કાશ્મીરમાં 48 કલાકનું એલર્ટ અપાયું છે. પીએમના નિવાસ સ્થાને મળનારી આ બેઠકમાં કાશ્મીરના વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા થશે. તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષોના ગુપકાર સંગઠને નિર્ણય કર્યો છે કે તે વડાપ્રધાન મોદી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં સામેલ થેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં 24 જૂનના રોજ જમ્મુ-કાશ્મીરને લઇ બેઠક યોજાવવાની છે, જેમા જમ્મુ-કાશ્મીરના પક્ષો, નેતાઓને પણ બોલાવવામાં આવ્યા હતા.

 159 ,  3