ડોન કો પકડના ઔર પંજે કા જિતના..દોનો હી નામુમકીન હૈ..

યુપીમાં પ્રિયંકા પાસે એટલા મહિલા ઉમેદવારો છે ખરા..?

પ્રિયંકાએ યુપીમાં કોંગ્રેસને જિતાડવા પ્રતિજ્ઞા લીધી..

નવુ સૂત્ર-લડકી હૈ તો લડ ભી સકતી હૈ,-ડરેંગે નહીં..

પંજો એક અને હરાવનારા અનેક. કોંગ્રેસ તેરા ક્યા હોગા..?

સામે છે-સપા-બસપા-મમતા-અનુપ્રિયા-ઔવૈસી-કેજરીવાલ

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

દેશના સૌથી મોટા રાજ્ય કે જેની આબાદી અંદાજે 22 કરોડની છે, લોકસભાની 80 બેઠકો છે તથા વિધાનસભાની 403 બેઠકો છે એવા ઉત્તરપ્રદેશને ફરી સર કરવાની રાજકિય વ્યૂહરચના યોગી સરકાર તથા ભાજપ દ્વારા ઘડાતી હતી. પરંતુ કેન્દ્રના એક મંત્રીના પુત્રે લખીમપુર ખીરી ખાતે એવુ કર્યું કે નિષ્પ્રાણ કોંગ્રેસમાં પ્રાણ પૂરાયા, નવસંચાર થયો..કોંગ્રેસ આળસ મરડીને બેઠી થઇ અને બન્ને ભાઇ-બહેન રાહુલ અને પ્રિયંકાને તો ભાવતુ મળ્યુ..બગાસુ ખાતાં પતાસુ પડ્યુ..એમ પંજાની ગાડી ધનધનાઇને ભગાવી રહ્યાં છે…!

3 ઓક્ટોબરે લખીમપુર ખીરી સ્થળે કેન્દ્રના મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ આંદોલન કરી રહેલા કિસાનો પર થાર જીપ દોડાવીને કેટલાકને કચડી નાંખ્યાની ઘટના બનતા જ સપાના અખિલેશ યાદવ જાગે અને ઘટના સ્થળે પહોંચે તે પહેલાં પ્રિયંકા ફટાફટ તૈયાર થઇને સવારે 4 વાગે લખીમપુરખીરી જવા નિકળી અને એક સ્થળે તેમને પોલીસ દ્વારા રોકવામાં આવતા ગાપચી મારીને નિકળી ગયા પણ ઘટના સ્થળે પહોંચે તે પહેલા સીતાપુરમાં કેદ અને કેદમાં ઝાડુ લગાવવાનો વિડિયો..તે પહેલા પોલીસ સાથે ઉગ્ર સંવાદ..ના વિડિયો એવા વાઇરલ થયાં કે તરત રાહુલ લખીમપુર ખીરી જવા નિકળ્યા અને તેમને પણ રોકવામાં આવ્યાં અને પછી જવા દેવાયા અને ભોગ બનનારાના પરિવારોને છેવટે મળ્યા અને એક એક કરોડની સહાયની જાહેરાત કરી.

મિડિયાએ પણ તેમને લખીમપુર ખીરીના મામલે કવરેજ આપતાં અને સપાના અખિલેશ પાછળ રહી જતાં પ્રિયંકા હવે લડાયક નેતાના રૂપમાં યુપીની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કમાન સંભાળવા મેદાનમાં ઉતર્યા છે..તેમણે સીતાપુર નજરકેદમાં છૂટીને તરત વારાણસીમાં જનસભા યોજી અને હમ હટેગેં નહી..હમ ડરેંગે નહીં..નું સૂત્ર આપીને 403 બેઠકોમાંથી 40 ટકા બેઠકો મહિલાઓને આપીને લડકી હૈ, લડ શકતે હૈ..નું સૂત્ર આપીને સીધેસીધો સંદેશો આપ્યો કે યુપીમાં તેઓ એકલા જ સામનો કરવા તૈયાર છે..

તેમણે 403માંથી 40 ટકા બેઠકો એટલે 161 બેઠકો મહિલાઓને આપવાની જાહેરાત તો કરી પણ યુપી કોંગ્રેસને જાણનારાઓનો સવાલ છે કે યુપીમાં પ્રિયંકા આટલી બધી મહિલા ઉમેદવારો લાવશે ક્યાંથી..?! આ હાલત છે યુપીમાં પંજાવાળાની. જો કે ઉમેદવારો તો કદાજ મળી રહેશે પણ 161માંથી કેટલી મહિલા ઉમેદવારો પંજાના નિશાન પર જીતશે..? 161માંથી કેટલી અને કુલ 403માંથી પંજાને કેટલી બેઠકો મળશે..એના ગણિત અને સમીકરણો મૂકવા પડે. માત્ર લડાયક નેતાની છાપથી મતો મળે એવુ રાજકારણમાં અને તે પણ મતોના રાજકારણમાં હોતુ નથી.

યુપીની ચૂંટણીમાં આ વખતે તેમની સામે યોગી અને જોગી છે…દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બંગાળની જેમ મેદાનમાં ઉતરશે, રણનીતિકાર અમિતભાઇ શાહની શાનદાર-જાનદાર એન્ટ્રી થશે..બંગાળમાંથી મમતાદીદી કદાજ વળી તૂટેલા પગ સાથે આવે…ઔવૈસી ભાઇજાન પણ છે, સપાની સાયકલ છે, બસપાનો હાથી છે, અપના દળના અનુપ્રિયા પટેલ છે, અન્ય નાના સ્થાનિક પક્ષો છે, વોટ ઓછા કરવા અપક્ષોની ફૌજ હશે..અને અરરર.. વીર ઝાડુવાળો તો રહી જ ગયો..બિચ્ચારા કેજરીવાલને તો કોઇ યાદ જ કરતાં નથી…!! હમણાં હમણાં શાંત છે..ખાંસીનો પ્રોબ્લેમ ફરી થયો હોય તો કહેવાય નહીં કેમ કે દિલ્હીનું વાતાવરણ પ્રદૂષિત બની રહ્યું છે..એટલે “આપ” પાર્ટી પણ આ વખતે પૂરવાં સુહાની આઇ રે..પૂરવા…ની જે પૂરબહારમાં મેદાનમાં ઉતરશે..! 300 બેઠકો તો લડશે.

પ્રિયંકાના નશીબ સારા કે યોગીના ખરાબ કે તેમને ફરીથી રોકવામાં આવી,..! તેઓ લખનૌથી આગરા જવા માંગતા હતા. આગરામાંએક પોલીસ સ્ટેશનમાંથી 25 લાખ ચોરાઇ ગયા. પોલીસ સ્ટેશનના કેટલાક કોન્સ્ટેબલો વગેરે.ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં. છતાં એ પોલીસ સ્ટેશનના કેટલાક, પોલીસ સ્ટેશનમાં સાફ સફાઇ કરવા આવનાર એક સફાઇકર્મીને શંકાના આધારે ઉઠાવી લાવ્યાં. તેમને એવી શંકા હતી કે તેણે જ ઉપરી અધિકારીઓને કહી દીધુ કે કોણે ચોરી કરી અને તેના આધારે કેટલાકને સસ્પેન્ડ કરવામાં આવ્યાં. તેને ઉઠાવી લાવ્યાં બાદ પોલીસ કસ્ટડીમાં એ દલિત સફાાઇ કર્મીનું મોત થતાં મામલાએ રાજકિય રંગ પકડ્યો અને પ્રિયંકા લખીમપુર ખીરીની જેમ ત્યાં જવા નિકળી તો યોગી સરકારે કહ્યું-નો..આપ નહીં જા શકતી…

અને પ્રિયંકાને તો એ જોઇતુ જ હતું એટલે બ્યાનબાજી શરૂ..મને જાણીજોઇને રોકવામાં આવે છે, આ સરકાર દલિત વિરોધી છે વગેરે.વગેરે. એટલે ચૂંટણીમાં આ મુદ્દે પણ પંજાવાળા ચગાવશે. લેકીન મેરે હુજુર…પંજો અને પ્રિયંકા વિવિધ મુદ્દા ગમે તેટલા ચગાવે.. પણ યુપીમાં પંજાનું જીતવુ ડોન કો પકડને જૈસા હૈ..મુશ્કીલ હી નહીં નામુમકીન ભી હૈ…

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી