રાજ્ય સરકારે ભરતી માટે શરૂ કરી કાર્યવાહી, માંડો દોડવા…

LRD ભરતી બોર્ડની રચના, આ તારીખથી કરી શકશો ઓનલાઈન અરજી

રાજ્યમાં લાખોની સંખ્યામાં યુવાનો સરકારી નોકરી માટેની તૈયારીઓ કરતા હોય છે. સરકારી વિભાગોમાં સૌથી મોટી ભરતી પોલીસ વિભાગમાં કરવામાં આવે છે. રાજ્ય સરકારના પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક સેવાદળ અને SRP કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ વિભાગમાં નોકરી મેળવવા માટે ઉમેદવારો માટે 1 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. સરકારી વેબ પોર્ટલ OJAS પરથી ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે.

બુધવારે મળેલી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં LRDની ભરતી પ્રક્રિયા માટે LRD ભરતી બોર્ડની રચના કરવામાં આવી હતી. હથિયારી અને બિન હથિયારી વર્ગ-3 કોન્સ્ટેબલ માટેની ભરતી મોટા પાયે કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના સુચારૂ નિયમન માટે ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. બોર્ડમાં 4 સિનિયર IPS અધિકારી અને 1 IAS અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. IPS અધિકારી હસમુખ પટેલની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે.

LRD ભરતી બોર્ડમાં IPS અધિકારી હમસુખ પટેલ ઉપરાંત IPS અધિકારી વાબાંગ જામીર, IPS અધિકારી નિરજ બડગુજર તેમજ IPS અધિકારી લીના પાટીલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગૃહ વિભાગના નાયબ સચિવ (ફરિયાદ અને નશાબંધી)નો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, LRDની ગત ભરતીમાં મહિલાઓના મેરિટને લઇ ભારે વિવાદ થયો હતો. અનામત કેટેગરીની મહિલાઓને 1/08/2018ના GR પ્રમાણે જનરલ મેરિટથી અલગ રાખવામાં આવી હતી. જેના કારણે અનામત કેટેગરીની બહેનોએ ભારે વિરોધ અને આંદોલન કર્યા હતા. અંતે સમાધાન થતા અનામત કેટેગરીની મહિલાઓને વધારાની બેઠકો જાહેર કરી ભરતી કરવામાં આવી હતી. સરકારની આ કાર્યવાહીને લઇને પુરૂષ ઉમેદવારોએ પણ મહિલા ઉમેદવારોની માફક વધારાની બેઠકો જાહેર કરી વેઇટિંગમાં રહેલા ઉમેદવારોની ભરતી કરવાની માગ કરી રહ્યાં છે.

LRDની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી વખતે આ પ્રકારનો કોઇ વિવાદ ઉભો ન થાય તેની રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસ વિભાગમાં નોકરી મેળવવા માંગતા યુવકો માટે વિધાનસભાની ચૂંટણી અગાઉ આ ભરતી મોટી તક છે.

 112 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી