સરકારી તંત્રનો ભ્રષ્ટ ચહેરો..! છેલ્લા 6 વર્ષમાં 140 કૌભાંડી અધિકારીઓ સામે કાર્યવાહી

વર્ગ-1થી લઈ વર્ગ-4 સુધીના બધા ભ્રષ્ટાચારમાં લુપ્ત

ગુજરાતના સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર નાબૂદીનું અભિયાનમાં 140 સરકારી કૌભાંડી અધિકારીઓનો પર્દાફાશ થયો છે. 185 કરોડની અપ્રમાણસરની મિલકત ACBએ જપ્ત કરી છે. સરકારી પગાર સાથે પ્રજાના પૈસે લીલાલહેર કરનારા સરકારી બાબુઓ પર ACBએ લાલ આંખ કરી છે. ત્યારે જોઈએ આ અહેવાલમાં સરકારી તંત્રનો ભ્રષ્ટ ચહેરો.

ગુજરાતમાં સરકારી કર્મચારી અને અધિકારીઓના ભ્રષ્ટ ચહેરા સામે આવ્યા છે. 2021ના વર્ષમાં ભ્રષ્ટાચારના 97 કેસ નોંધીને 180 લાંચિયા સરકારી બાબુઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ક્લાસ 1ના 7 અધિકારી, કલાસ 2ના 21, કલાસ 3ના 79 અને કલાસ 4ના 6 સરકારી કર્મચારીઓ સાથે 67 ખાનગી વ્યક્તિ લાંચ લેતા ACBના હાથે ઝડપાઈ ગયા છે. સૌથી વધુ જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગમાં લાંચના કેસો સામે આવ્યા છે.

ભ્રષ્ટ અધિકારી અને સરકારી કર્મચારીઓ પર ACBએ તવાઈ બોલાવી છે. છેલ્લા 6 વર્ષમાં ACBએ 140 કૌભાંડી અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે.

અપ્રમાણસર મિલકતોના ચોંકાવનારા આંકડા

  • 2015માં 10 સરકારી કર્મચારી સામે કેસ કરી 5.78 કરોડની અપ્રમાણસર મિલકતો જપ્ત કરવામાં આવી
  • 2016માં 27 સામે કાર્યવાહી કરી 26.23 કરોડ અપ્રમાણસર મિલકતો જપ્ત કરવામાં આવી
  • 2017માં 8 સરકારી બાબુ સામે કાર્યવાહી કરી 15.69 કરોડ અપ્રમાણસર મિલકતો જપ્ત કરવામાં આવી
  • 2018માં 12 અધિકારીઓ, કર્મચારીઓ પાસેથી 3.49 કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી
  • 2019માં 30 સામે કાર્યવાહી કરી 27.79 કરોડ અપ્રમાણસર મિલકતો જપ્ત કરવામાં આવી
  • 2020માં સૌથી વધુ 38 સરકારી બાબુઓ સામે કાર્યવાહીમાં 50.11 કરોડની અપ્રમાણસર મિલકતો જપ્ત કરવામાં આવી
  • 2021માં 15 કર્મચારીઓ પાસેથી 56.20 કરોડની અપ્રમાણસર મિલકતો જપ્ત કરવામાં આવી

ગુજરાત સરકારી વિભાગોમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ પર ACBએ તવાઈ બોલાવતા સરકારી બાબુઓમાં ફફડાટ શરૂ થયો છે. 6 વર્ષમાં 185 કરોડની અપ્રમાણસરની મિલકતમાં સૌથી વધુ 56.20 કરોડ 2021માં જપ્ત કરવામાં આવી. ત્યારે હવે ACBએ આવનારા સમયમાં ભ્રષ્ટ સરકારી બાબુઓ પર કાર્યવાહી કરવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી