કાંકરિયા રાઇડ અકસ્માતના જવાબદારના ભાઈને ટિકિટ અપાતાં વિરોધ

કોર્પોરેટરના સગાને ટિકિટ ના મળે પણ કોન્ટ્રાકટરના ભાઈને મળે

રાઇડનો કોન્ટ્રેક્ટ ધરાવતા ઘનશ્યામ પટેલના ભાઇ  મહેન્દ્ર પટેલને અમરાઈવાડીથી ટિકિટ આપવામાં આવી

અમદાવાદમાં કેટલાક ઉમેદવારોની પસંદગી અંગે ભાજપમાં પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે. ભાજપે 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે તમામ ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં અમદાવાદમાં પણ ઉમેદવારોની યાદીમાં નવા ચહેરા જોવા મળ્યા છે. ત્યારે આ નવા ચહેરાઓ પર ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ત્યારે કાંકરિયા ખાતે જુલાઈ 2019માં રાઇડ અકસ્માત થયો હતો, જેમાં જવાબદાર અને રાઇડનો કોન્ટ્રેક્ટ ધરાવતા ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને અમરાઈવાડીથી ટિકિટ આપવામાં આવતાં વિવાદ સર્જાયો છે. વિવાદાસ્પદને ટિકિટ આપવામાં આવતાં સ્થાનિક કાર્યકરોએ પણ વિરોધ નોંધાવ્યો છે. જોકે આ વખતે ટિકિટ ફાળવવામાં ધારાસભ્યોનું વર્ચસ્વ રહ્યું હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઇ હોવાનું ભાજપનાં સૂત્રોનું કહેવું છે.

ભાજપના 142માંથી 106 કોર્પોરેટરો એટલે કે 76 ટકાના નામ ઉપર કાતર ફરતાં અસંતોષ ફાટી નિકળ્યો છે. કપાયા તેની સામે નવા નામો જે આવ્યા છે, તેમાંથી કેટલાક તો એવા છે કે જે-તે વોર્ડના લોકો તેમને ખાસ ઓળખતા પણ નથી, ઉપરાંત કોર્પોરેટરના સગાંને ટિકીટ ના મળે પણ કોન્ટ્રાકટરના કુટુંબીજનને મળે તે બાબત ઘણાને આશ્ચર્યજનક લાગી છે. કાંકરિયામાં રાઇડ તુટી પડી હતી, તે કોન્ટ્રાકટરના ભાઇ અને અગાઉની ટર્મના કોર્પોરેટર મહેન્દ્ર પટેલને અમરાઇવાડીની ટિકીટ અપાઇ છે.

જલધારાવાળા ઘનશ્યામભાઇ પટેલની રાઇડ ઉપરાંત વસ્ત્રાપુર લેકમાં મીની એમ્યુઝમેન્ટનો પાર્ક કોન્ટ્રાકટ મળેલો છે. જલધારાની જમીનનો કબજો પાછો મેળવવા મ્યુનિ.ને છેક હાઇકોર્ટમાં લડત આપવી પડી હતી. ઉપરાંત રાઇડ તુટી પડી તેમાં બે વ્યકિતઓના મૃત્યુ થયા હતા જયારે 38ને ગંભીર ઇજાઓ થઇ હતી.

આ તમામ વિવાદોને ભૂલીને પક્ષે મહેન્દ્રભાઇને ટિકીટ આપી છે. કોર્પોરેટરની ટિકીટ માટે પડાપડી થઈ છે, તેનું કારણ સેવાની ઉંચી ભાવના હોય છે, તેમ માની લેવાની જરૂર નથી. કેમ કે મોટાભાગના પોતાને મળેલા પદનો મંચ તરીકે ઉપયોગ કરીને પૈસા પેદા કરી લેવામાં માનવાવાળા હોય છે.

છેલ્લા વર્ષો દરમ્યાન કેટલાક હોદ્દેદારોએ તેમના સંતાનોને કોન્ટ્રાકટરો સાથે ભાગીદારીમાં ગોઠવી દીધાં હતાં. કેટલાકે કુટુંબીજનોના નામે નાનામોટા કોન્ટ્રાકટ લઇ લીધા હતા. ભ્રષ્ટાચારના મુદ્દે ઝીરો ટોલરન્સની ગુલબાંગો ચૂંટણી પુરી થઇ ગયા બાદ ઢંઢેરાની ચોપડીના બે પૂંઠા વચ્ચે જ રહી જાય છે.

ઉપરાંત ગેરકાયદે બાંધકામોના તગડા હપ્તા મેળવવાની બાબતે બદનામ થયેલં કેટલાક કોર્પોરેટરોની ટિકીટો કપાઇ છે. પણ બીજી તરફ ગેરકાયદે બાંધકામ કરનારા પાસે હપ્તાની માગણી કરતો ઓડિયો વાયરલ થતાં પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલાં ઇસનપુરના કોર્પોરેટર પુલકીત વ્યાસને ટિકીટ તો નથી અપાઇ પણ તેમને પક્ષમાં ફરી પાછા લઇ લેવામાં આવ્યા છે. આ પુન: પ્રવેશના પગલાંથી પણ વિવાદ શરૂ થયો છે.

 82 ,  1