PSI શ્વેતા જાડેજા લાંચ કેસ : બનેવીએ અગાઉ પણ લાંચના નાણા સ્વીકાર્યાની આશંકા

પોલીસે શ્વેતાના બનેવી દેવેન્દ્રના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા

પોલીસે આરોપીના વતનમાં જઇને પણ તપાસ કરશે

પીએસઆઇ શ્વેતા જાડેજા વતી આંગડિયા પેઢીમાંથી 40 લાખની લાંચની રકમ સ્વીકારનાર પીએસઆઇના બનેવી દેવેન્દ્ર નાથાભાઇ ઓડેદરા કોર્ટમાં સરન્ડર થયો હતો. જેથી પોલીસને કોર્ટે તેની કસ્ટડી સોંપી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને બનેવીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો. જ્યાં પોલીસે એવી આશંકા સેવી હતી કે, આરોપી બનેવીએ સહ આરોપી પીએસઆઇ શ્વેતા જાડેજાના કહેવાથી અગાઉ પણ લાંચના નાંણા સ્વીકાર્યા હશે. પોલીસે આ મામલે પણ તપાસ શરૂ કરી છે.

બીજી તરફ આરોપીની વિવિધ મુદ્દે તપાસ માટે પોલીસે -મંગળવાર 11 વાગ્યા સુધીના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીને તેના વતન લઇ જઇને પણ પોલીસ તપાસ કરશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું છે. નોંધનીય છે કે, 40 લાખના મસમોટા લાંચ પ્રકરણમાં હજુ સુધી પોલીસ એક પણ રૂપિયો રિકવર કરી શકી નથી. ત્યારે દેવેન્દ્રના રિમાન્ડ દરમિયાન પોલીસ લાંચના પૈસા રિકવર કરી શકે છે કે નહીં તે જોવાનું રહ્યું. 40 લાખની લાંચ કેસમાં છેલ્લા ઘણા મહિનાથી ભાગેડૂ પીએસઆઇ શ્વેતાના બનેવી દેવેન્દ્ર પોતાના એડવોકેટ સાથે કોર્ટમાં હાજર થઇ ગયો હતો ત્યારબાદ તપાસ અધિકારી કોર્ટમાં હાજર થયા હતા અને દેવેન્દ્રની કસ્ટડી મેળવી હતી. પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.

ત્યારબાદ એસઓજીના અધિકારીઓએ દેવેન્દ્ર ઉર્ફે દેવાભાઇ નાથાભાઇ ઓડેદરાને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો. જ્યાં મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રિમાન્ડ અરજી અંગે એવી રજૂઆત કરી હતી કે, આરોપી ઘણા સમયથી નાસતો ફરતો હતો અને તેની સાળી(સહઆરોપી) પોલીસ વિભાગમાં પીએસઆઇ છે તેથી તે કાયદાની આંટી ઘુટી જાણતો હોવાથી તે તપાસમાં સહકાર આપી રહ્યો નથી.

આરોપી દેવેન્દ્ર આ કેસમાં અગાઉ ઝડપાયેલ પીએસઆઇ શ્વેતા જાડેજાનો સગો બનેવી છે અને શ્વેતાએ એક વખત 30 લાખ અને બીજી વખત 10 લાખ એમ 40 લાખ આંગડિયા મારફતે મોકલાવ્યા હતા તે પૈસા દેવેન્દ્રએ સ્વીકાર્યા હતા તો તે પૈસા ક્યાં છે, આરોપી પોતે પોતાના ગામ પ્રાસલા ખાતે રહેતો હોવાનું જણાવે છે.

પરંતુ તપાસ માટે સંખ્યાબંધ વખત પોલીસ ત્યાં ગઇ જો કે, એક પણ વખત આરોપી મળી આવ્યો નથી તેથી ગુનાના કામે આરોપીને વતન પ્રાસલા લઇ જવો પડે તેમ છે, આરોપીએ 40 લાખ લાંચ આંગડિયા મારફતે મેળવી હતી તે રકમ કઇ બેંકમાં જમા કરાવી છે અથવા તે રકમથી કોઇ સ્થાવર કે જંગમ મિલકત ખરીદી છે કે નહીં,આરોપીએ નાંણા સ્વીકાર્યા હોવાના પુરાવા છે તો તે પૈસા કોઇ સગાને ત્યાં મુક્યા અથવા સગાના ખાતામાં મુક્યા તે મુદ્દે તપાસ જરૂરી છે, આરોપીએ શ્વેતા જાડેજાના કહેવાથી લાંચ સ્વીકારી હતી તે સહિતના બાબતે તપાસ કરવા આરોપીના સાત દિવસના રિમાન્ડ જરૂર છે.

 46 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર