વડોદરા : માસ્કની મારામારી, પૂર્વ સાંસદ પણ ભોગ બન્યા, પોલીસે ઝીંક્યો લાફો

વડોદરાના પૂર્વ સાંસદને PSIએ બે લાફા ચોડી દીધા, માસ્કના દંડ માટે થઈ બબાલ

માસ્ક યોગ્ય રીતે ન પહેરનાર બહેનને અટકાવી દંડ માગતા પૈસા આપવા પહોંચેલા પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને નવાપુરાના પીએસઆઇ પટેલે બે લાફા ઝીંકી દઈ ઘરે જઇ વોન્ટેડ બતાવાની ધમકી પણ આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા સત્યજીત ગાયકવાડના બેહન સામે માસ્ક ન પહેરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઇ સત્યજીત ગાયકવાડ માસ્કનો દંડ ભરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા તેમને લાફો અને મુક્કા માર્યા હોવાનું સત્યજીત ગાયકવાડ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડે માર માર્યાનો આક્ષેપ કરી પોલીસ અધિકારીઓને આ અંગે ફરિયાદ કરી હતી. તેમજ પૂર્વ સાંસદ દ્વારા પીએસઆઈ સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

અખિલ ભારતીય યુવક કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને માજી સાંસદ સત્યજીત ગાયકવાડના બહેન બુધવારે મોડી સાંજે ડ્રાઇવર સાથે કારમાં નીકળ્યા હતા. ત્યારે બગીખાના ત્રણ રસ્તા પાસે તેમનું માસ્ક નાક નીચે હોવાથી પોલીસે તેમને અટકાવી 1000નો દંડ ભરવા કહ્યું હતું. જો તેમની પાસે રૂપિયા ન હોય ભાઈ સત્યજિતને બોલાવ્યા હતા. સત્યજીત ગાયકવાડ રૂપિયા લઈને બગીખાના ત્રણ રસ્તા પાસે પહોંચ્યા હતા. જોકે ત્યાં હાજર પોલીસે પાવતી પુરી થઈ ગઈ હોવાનું કહી નવાપુરા પોલીસ સ્ટેશન આવવા કહક્યું હતું.

આ વાતનો સત્યજિત ગાયકવાડે વિરોધ કરતા પીએસઆઈ પટેલે ઉદ્ધતાઇભર્યું વર્તન કરી સત્યજીત ગાયકવાડને બે લાફા ઝીકી દીધા હતા. માસ્ક માટે પોલીસને દંડ આપવાની તૈયારી હોવા છતાં પોલીસે કડકાઈ બતાવી હતી અને એક તબક્કે માજી સાંસદના ઘરે પણ જઈને કેસ કરીને વોન્ટેડ બતાવીશ તેવી ધમકી આપી હોવાના આક્ષેપ કરવામા આવ્યા હતા.

જો કે, આ મામલે નવાપુરા પોલીસ દ્વારા કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ સાંસદ સામે પીએસઆઈએ સ્ટેશન ડાયરીમાં નોંધ કરી સત્યજીત ગાયકવાડ પર ગાળાગાળી કરવા અને ઝપાઝપી કરવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત સત્યજીત ગાયકવાડ પર બહેનના માસ્કના દંડના રૂપિયા ના ભરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સત્યજીત ગાયકવાડને પણ માસ્ક ન પહેરવાને લઈ પોલીસે 1000 રૂપિયાનો દંડ કર્યો હતો.

 92 ,  1