તુમ્હે ના ભૂલ પાયેગેં….સેલ્યુટ…..! તમને અને તમારા પરિવારને….!!

40 જવાનો ક્યારેય તેમના હેડક્વાર્ટર કે ઘરે પહોંચી શક્યા નથી….

બપોરના 3.15 વાગે અચાનક એક કાર ક્યાંકથી નિકળી અને જવાનોની બસ સાથે ટકરાઇ…!!

એર સ્ટ્રાઇક બાદ ભારતમાં ઉરી કે પુલવામા જેવો કોઇ મોટો હુમલો થયો નથી એ હકીકત છે..

બે વર્ષ પહેલાની ઘટનામાં શહીદ થયેલા જવાનોને યાદ કરીએ…

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ….દેખના હૈ જોર કિતના બાજુ-એ- કાતિલ મેં હૈ..!

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

તા. 14 ફેબ્રુઆરી. વર્ષ 2019. સ્થળ-શ્રીનગર. ચલિયે સબ તૈયાર હૈ…? યસ સર. ઠીક હૈ, સબ અપની અપની બસોં મેં બૈઠ જાઇએ. હમ જમ્મુ કે લિયે રવાના હો રહે હૈ.

ખૂબ જ મોજમસ્તી સાથે જવાનો પોતપોતાની બસોમાં ગોઠવાયા. અને જમ્મુ માટે રવાના થયા. બસમાં કોઇ પોતાના ઘરને યાદ કરી રહ્યાં હતા કોઇ પોતાની મંગેતરનો ફોટો પર્સમાંથી કાઢીને નિહાળી રહ્યો હતો. સૌ પોતપોતાનામાં મશગૂલ હતા અને ક્યારે જમ્મુ પહોંચે તેની રાહ જોઇને કોઇ વળી બેઠા બેઠા ઝોકુ ખાઇ રહ્યાં હતા.

પણ આ બસોમાં બેઠેલા 40 જવાનો ક્યારેય તેમના હેડક્વાર્ટર કે ઘરે પહોંચી શક્યા નથી. તિરંગામાં લપેટાયેલા કોફિનમાં તેમનો પાર્થિવ દેહ તેમના વતન પહોંચ્યો હતો. યસ, આ ઘટના છે પુલવામા આતંકી હુમલાની. 14 ફબ્રુઆરી,2021ના રોજ તેને બે વર્ષ પૂરા થઇ રહ્યાં છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિત સમગ્ર દેશ આ હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને નત- મસ્તકે યાદ કરીને ભાવભીની શ્રધ્ધાંજલિ આપશે.

બે વર્ષ પહેલા શ્રીનગરથી સીઆરપીએફના જવાનોનો કાફલો બસ દ્વારા જમ્મુ રવાના થયો હતો. તેમને હેલિકોપ્ટરોમાં કેમ ન લઇ ગયા, તેમના માટે બીએસએફના વિમાનની કેમ વ્યવસ્થા ના થઇ તે એક વિવાદ છે અને એ વિવાદ યોગ્ય નથી. ઉપરી અધિકારીઓએ સમજી વિચારીને જવાનોને ભારે બંદોબસ્ત સાથે બસમાં લઇ જવાનો નિર્ણય કર્યો હશે. એટલે જે તે વખતે લેવાયેલો નિર્ણય સાચો જ છે એમ માની લેવુ પડે. કાફલો આતંકવાદગ્રસ્ત પુલવામા જિલ્લાના નેશનલ હાઇવે નં. 44 પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે બપોરના 3.15 વાગે અચાનક એક કાર ક્યાંકથી નિકળીને જવાનોના કાફલામાં રહેલી બસો પૈકી એક બસ સાથે ટકરાઇ અને….એક જોરદાર ધડાકા સાથે બસના ટુકડે ટુકડા થઇ ગયા. એ કારમાં અંદાજે 300 કિલો વિસ્ફોટક દારૂગોળો આરડીએક્સ ભરેલો હતો અને આત્મઘાતી આતંકીએ બસ સાથે અથડાઇને પોતે પણ તેમાં માર્યો ગયો. તેનું નામ તે પછી બહાર આવ્યું કે તે આદિલ અહમદ દાર નામનો આતંકી હતો..

આ હુમલો પુલવામા જિલ્લાના અવંતીપોરા નજીકના લેથાપોરા સ્થળે હાઇવે પર કરાયો હતો. પણ ત્યારબાદ તે પુલવામા હુમલા તરીકે ઓળખાયો. હુમલામાં 40 જવાનો શહીદ થયા હોવાનું ત્યારબાદ સીઆરપીએફ દ્વારા જાહેર કરાયું હતું. બે વર્ષ પૂરા થઇ રહ્યાં છે આ આતંકી હુમલાને. કેન્દ્ર સરકારે પુલવામાં હુમલામાં પાકિસ્તાન અને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદનો હાથ હોવાનું જાહેર કર્યું અને 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક-સર્જિકલ સ્ટ્રાઇક કરીને 300 આતંકીઓને મોતને ઘાટ ઉતારીને 40 જવાનોની હત્યાનો બદલો લીધો. ભારતના રાજકારણની વિડંબના તો જુઓ કે એર સ્ટ્રાઇક બાદ કેટલાક રાજકિય પક્ષોએ સરકાર પાસેથી પુરાવા માંગ્યા હતા….! એવુ ગાજી ગાજીને બોલતા હતા કે બતાવો ક્યાં છે 300 આતંકીઓની લાશો…!?

અરે ભાઇ વિમાન દ્વારા હુમલો કરાયો, ત્યાં રોકેટ કે બોંબ ફેંકાયા અને હુમલો કરીને વિમાનો સહીસલાંમત પરત તેમના બેઝ પર આવી ગયા. શું પાયલોટો ઉપર વિમાનમાંથી આતંકીઓની લાશો ગણવાના હતા…? પણ આ તો ભારતનું રાજકારણ અને ભારતના કેટલાક નેતાઓ કે જેમને પોતાના ઉપર પણ વિશ્વાસ નથી કે ચૂંટણીમાં જીતશે કે કેમ.., એવા નેતાઓ પુરાવા માંગતા હતા…! એવા નેતાઓને ભલે વિશ્વાસ ના હોય પણ કોમન મેનને વિશ્વાસ હતો તેથી ભાજપને તે પછી યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં 302 બેઠકો સાથે ફરી સત્તા સોંપી હતી…..અને હાં આપણાં જાબાંઝ પાયલોટ અભિનંદન વર્ધમાન પણ યાદ કરીએ. યાદ છે ને તેના સ્ટાઇલીશ મૂછો…? તેનું વિમાન પાકિસ્તાનની હદમાં તૂટી પડ્યું હતું અને પાકિસ્તાને તેને કેદ કરતાં ભારતે ગણતરીના કલાકોમા પાયલોટને છોડવામાં નહીં આવે તો બીજા હુમલા માટે તૈયાર રહેવા ચેતવણી આપી અને અભિનંદન અટરી બોર્ડર પર વટભેર ચાલતા ચાલતા ભારત તરફ આવી રહ્યો હોવાના દ્રશ્યો અને ફોટા હજુ તાજા છે. પુલવામામાં જ્યાં આતંકી હુમલો થયો ત્યાં સીઆરપીએફ દ્વારા શઙીદ સ્મારક બનાવવામાં આવ્યું છે 40 શહીદ જવાનોની યાદમાં.

ભારતમાં આતંકી હુમલાનો ઇતિહાસ રહ્યો છે….

જુલાઇ 2015માં 3 બંદૂકધારી આતંકીઓએ બસ પર અને ગરૂદાસપુર પોલીસ મથક પર હુમલો કર્યો.

2016ની શરૂઆતમાં જ 6 આતંકીઓએ પઠાનકોટ એર ફોર્સ સ્ટેશન પર હુમલો કર્યો.

ફેબ્રુઆરી અને જૂન 2016માં આતંકીઓએ પંપોરમાં અનુક્રમે 9 અને 8 જવાનોને મારી નાંખ્યા હતા..

સપ્ટે.2016માં 4 આતંકીઓએ ઉરીમાં હવાઇ દળના મથક પર હુમલો કરીને 19 જવાનોને મારી નાંખ્યા હતા. ઉરી પરના હુમલાને લઇને બોલીવુડમાં એક ફિલ્મ પણ બની છે. જેનો મશહુર ડાયલોગ છે- હાઉઝ ધ જોશ…?

31 ડિસે2017માં લેથેપોરામાં આવેલા કમાન્ડો તાલીમ સેન્ટરમાં આતંકીઓએ હુમલો કરીને 5 જવાનોની હત્યા કરી નાંખી હતી. આ ઘટના જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવેની નજીક બની હતી.

14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામાં હુમલો.

એ હકીકત છે કે બાલાકોટ એર સ્ટ્રાઇક પછી ભારતમાં આતંકીઓ દ્વારા ઉરી કે પુલવામા જેવો કોઇ મોટો હુમલો ભારતમાં કરાયો નથી. કાશ્મિર ખીણ પ્રદેશમાં છૂટાછવાયા હુમલાઓની ઘટના બને છે અને આપણાં જવાનો તેનો બરાબરનો જવાબ પણ આપે છે. ભારતનો દુશ્મનોને કડક સંદેશો છે-

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ…

દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલ મૈં હૈ…

પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરીએ તેમને શ્રધ્ધાંજલિ આપીએ..

તુમ્હે ના ભૂલ પાયેગેં….સેલ્યુટ…..તમને અને તમારા પરિવારને….!!

 68 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર