પંજાબ : ‘કેપ્ટન’ બનાવશે પોતાની ‘ટીમ’

આખરે અમરિન્દરે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, 2022 ચૂંટણીમાં BJP સાથે ગઠબંધનની સંભાવના

પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહ હવે કોંગ્રેસથી પણ છેડો ફાડવા જઈ રહ્યા છે. પંજાબ ચૂંટણી પહેલા કેપ્ટન અમરિંદર સિંહે નવી રાજકીય પાર્ટીની રચના કરવાની જાહેરાત કરી છે. આ અંગેની જાણકારી કેપ્ટન મીડિયાના સલાહકાર રવીન ઠકુરાલે ટ્વીટ કરીને જણાવ્યું છે.

2022ના પંજાબ વિધાનસભાની ચૂંટણીને લઈને અમરિંદર પોતાની રાજકીય પાર્ટી બનાવવા જઈ રહ્યા છે બીજી બાજુ એવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે, ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન પણ કરી શકે છે. નોંધનીય છે કે, 18 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દીધું હતું.

નવી પાર્ટીની રચનાની જાહેરાત કરતા જ કેપ્ટન અમરિન્દર સિંહે એક બીજી પણ મોટી જાહેરાત કરી છે. કેપ્ટને જણાવ્યું કે જો કિસાન આંદોલન ખેડૂતોના હિતમાં ઉકેલાય તો 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન થવાની સંભાવના છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અલગ અકાલી જૂથો, ખાસ કરીને ઢીંડસા અને બ્રહ્મપુરા જૂથો જેવા સમાન વિચારધારા ધરાવતા પક્ષો પણ જોડાણ તરફ ધ્યાન આપી રહ્યા છે.‎

પંજાબનું ભવિષ્ય સુરક્ષિત નહીં ત્યાં સુધી આરામ નહીં

તેમણે ઉમેર્યું હતું કે, ‘જ્યાં સુધી હું મારા લોકો અને મારા રાજ્યનું ભવિષ્ય સુરક્ષિત નહીં કરું ત્યાં સુધી હું આરામ નહીં કરું. પંજાબને તેને રાજકીય સ્થિરતા તેમજ આંતરિક અને બાહ્ય જોખમોથી બચાવવાની જરૂર છે. હું મારા લોકોને વચન આપું છું કે તેની શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારે જે કરવાનું છે તે હું કરીશ. ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિંદર સિંહે ગયા મહિને ૧૮ સપ્ટેમ્બરે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તે પછી જ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ કોંગ્રેસમાં નહીં હોય. તેમણે કહ્યું કે તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું તે યોગ્ય નથી.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી