ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી

ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય, સાંજે 6 વાગ્યે શપથગ્રહણ

ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી તીરથસિંહ રાવતની વિદાય પછી નવા મુખ્યમંત્રી કોને બનાવવામાં આવશે તેને લઈને રાજકીય હલચલ તેજ થઇ ગઈ હતી. આ સ્થિતિ વચ્ચે નવા મુખ્યમંત્રીની જાહેરાત થઈ ગઈ છે. ભાજપના ધારાસભ્ય પુષ્કરસિંહ ધામીને ઉત્તરાખંડના નવા સીએમ બનવા પર મહોર મારવામાં આવી છે. દેહરાદૂનમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સાંજ 6 વાગ્યે પુષ્કરસિંહ ધામી મુખ્યમંત્રી પદના શપથગ્રહણ લઈ શકે છે.

પુષ્કર સિંહ ધામી ઉધમપુરીના ખટીમા વિધાનસભા બેઠક પરથી 2 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા આવ્યા છે. તેમજ ધામી આરએસએસ સાથે પણ નિક્ટતા ધરાવે છે અને ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ રહ્યા છે. એટલું જ નહી રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિક્ટના નેતા મનાય છે. ધામી પૂર્વ મુખ્યમંત્રી ભગતસિંહ કોશિયારીના ઓએસડી રહી ચૂક્યા છે. પુષ્કર સિંહ ધામી 2002 થી 2008 દરમિયાન બેરોજગાર યુવાઓ માટે ઘણી રેલીઓ કરી ચૂક્યા છે. તેઓ યુવાઓના મુદ્દાઓ ઉઠાવતા રહ્યાં છે, જેને કારણે આગામી વર્ષની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે પુષ્કરસિંહ ધામીને મુખ્યમંત્રી બનાવ્યા છે.

નોંધનીય છે કે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત શુક્રવારે રાત્રે રાજ્યપાલ બેબી રાની મોર્યને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. રાવત માત્ર 115 દિવસ જ મુખ્યમંત્રી રહી શક્યા હતા. રાજીનામું આપ્યા પછી રાવતે કહ્યું હતું કે બંધારણીય સંકટના કારણે તેમણે આ નિર્ણય લીધો છે. એટલું જ નહીં તેમણે તક આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. વળીં, ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે કહ્યું કે ઉપરથી ઓર્ડર આવ્યો હોવાથી મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે તેમના બાદ જે મુખ્યમંત્રી બનશે તે કોઇ ધારાસભ્ય હશે. શનિવારે યોજાનારી ધારાસભ્યોની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે.

 66 ,  1