નરોડામાં બની રહેલા RCC રોડની ગુણવત્તા પર કોર્પોરેટર દ્વારા જ ઉઠાવાયા સવાલ

ગણપતિ મંદિરથી સદવિચાર પરિવાર સુધી બનાવવામાં આવી રહ્યો છે રોડ

અમદાવાદને સ્માર્ટ સીટી બનાવવા હેતુ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હવે વિવિધ માર્ગોને ડામરના બદલે આરસીસી રોડમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યા છે.પરંતુ ડામરના રોડ જેમ દર ચોમાસામાં ધોવાઇ જવાની હજારો ફરિયાદો ઉઠતી હોય છે પરંતુ નરોડામાં તો નવા જ બની રહેલા આરસીસી રોડની ગુણવત્તા પર સ્થાનિક લોકોની સાથે સાથે હવે સ્થાનિક કોર્પોરેટરે પર સવાલ ઉઠાવ્યા હોવાની માહિતી છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નરોડામાં આવેલા ગણપતિ મંદિરથી લઈને વાયા નોબલ નગર અર્બન હેલ્થ સેન્ટર થઈને સદવિચાર પરિવાર આંખની હોસ્પિટલ સુધી આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે.પરંતુ આ આરસીસી રોડના નિર્માણ માટે કરવામાં આવેલ દબાણની કામગીરીને લઈને પણ તત્કાલીન સમયે તંત્ર પર સવાલ ઉઠયા હતા.ત્યારે હવે આરસીસી રોડની ગુણવત્તા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આરસીસી રોડ બનાવતાં પહેલા નીચે સિમેન્ટ અને રેતીનું થર કરવાનું હોય છે ત્યાર બાદ ચોક્કસ માપ ધરાવતા ગાળાનું સળિયા કામ પણ કરાવવાનું હોય છે અને ત્યારબાદ સીધું કંપનીમાંથી આવતા સિમેન્ટ અને રેતીના માલનો ઉપયોગ કર્યા પહેલા લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવાનો હોય છે. પરંતુ છેલ્લાં દસ દિવસથી બની રહેલ આરસીસી રોડ બનાવતાં પહેલા નિયમોની અવગણના કરવામાં આવી હોવાની ફરિયાદો સ્થાનિક લોકો દ્વારા તો કરવામાં આવી જ હતી પરંતુ હવે સ્થાનિક કોર્પોરેટરે પણ આરસીસી રોડની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હોવાના અહેવાલ છે. સ્થાનિક કોર્પોરેટરે રોડની ગુણવત્તા અંગે સબંધિત અધિકારીઓ સમક્ષ સવાલો ઉઠાવ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર અંદાજે ૪૦ ફૂટની પોહળાઇ ધરાવતાં આરસીસી રોડનું છેલ્લાં ૧૦ દિવસથી કામ ચાલી રહ્યું છે પરંતુ કોર્પોરેશનના અધિકારી તો ઠીક રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ લેનાર કોન્ટ્રાટરો પણ એક પણ વખત ફરક્યા નથી માત્ર કોન્ટ્રાક્ટરનો સુપર વાઈઝર જ લાખો રૂપિયાના ખર્ચે બની રહેલ રોડની કામગીરી જોઈ રહ્યા છે. જેમાં ગત સપ્તાહે બનેલ એક સાઈડના આરસીસી રોડમાં અનેક જગ્યાએ ફરી તોડફોડ કરવાની ફરજ પડી છે કારણ કે પહેલાથી બનાવવામાં આવેલ સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન દબાઈ ગઈ હતી અને તેના ઢાંકણા ફરી નાખવાની નોબત આવી હતી આ ઉપરાંત અમુક જગ્યાએ તો રોડનું લેવલ ના જાળવતા બનેલ રોડ તોડવો પડયો હતો. હવે જોવાનું એ રહ્યું કે મહાનગર પાલિકા તંત્ર રોડની ગુણવત્તા મામલે કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરશે કે પછી સમગ્ર મામલો રફેદફે થઇ જશે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી