ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી રઘુ શર્મા, જાણો, કોણ છે..

ભાજપની જેમ કોંગ્રેસે પણ ચોંકાવ્યા

પંજાબ અને છત્તીસગઢનો કોંગ્રેસના આંતરિક વિવાદ શાંત પડતા અંતે કોંગ્રેસ હાઈકમાન્ડને 8 મહિના બાદ નવા પ્રભારી આપ્યા છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓની અનેક રજૂઆતો બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી તરીકે રાજસ્થાનના સિનિયર નેતા રઘુ શર્માની નિયુક્તી કરી છે. રઘુ શર્મા હાલમાં રાજસ્થાનની અશોક ગેહલોત સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે. તેઓ 2008થી ધારાસભ્ય છે અને એક વખત લોકસભાની પેટાચૂંટણીમાં જીત મેળવી સાંસદ પણ બની ચૂક્યા છે.

63 વર્ષિય રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે, આ વખતે કોંગ્રેસ પણ ભાજપની જેમ જે નામો ચાલી રહ્યાં હતા તેના કરતા અલગ જ નામ સામે મુક્યું છે. પંજાબમાં પણ મુખ્યમંત્રી માટે જે નામો ચાલી રહ્યાં હતા તેના કરતા અલગ જ નામ જાહેર કરાયું હતું. ગુજરાતમાં પણ એ પ્રમાણે અવિનાશ પાંડેની પ્રભારી તરીકેની પ્રબળ શક્યતાઓ વચ્ચે રઘુ શર્માની નિયુક્તિ કરવામાં આવી છે. રાજસ્થાનમાં તેઓ મુખ્યમંત્રી અશોક ગેહલોતની અત્યંત નજીકના નેતા માનવામાં આવે છે. સોનિયા ગાંધીએ અશોક ગેહલોતને ગુજરાતના પ્રભારી પદ માટે ઓફર કરી હતી પરંતુ અશોક ગેહલોતે તેનો ઇન્કાર કર્યો હતો.

કોંગ્રેસના પૂર્વ પ્રભારી રાજીવ સાતવનું કોરાનાથી અચાનક નિધન થઇ જતા કોંગ્રેસ પ્રભારીનું પદ ખાલી હતું. રઘુ શર્મા ખૂબ શાંત સ્વભાવના અને રણનીતિ ગોઠવવામાં માસ્ટર નેતા માનવામાં આવે છે. ભાજપની પ્રચંડ લહેર સમયે પણ તેઓ અજમેર લોકસભા સીટ બચાવી શક્યતા હતા. 2018માં રઘુ શર્મા પેટાચૂંટણીમાં ખૂદ સાંસદ બન્યા હતા. આ ઉપરાંત તેઓ અશોક ગેહલોતની નજીકના હોવાને કારણે તેમની પસંદગી કરવામાં આવી છે. અશોક ગેહલોત ગુજરાતની સ્થિતિથી સારી રીતે વાકેફ છે. તેઓ 2017ની ચૂંટણીઓમાં ગુજરાતના પ્રભારી હતી. તેમના અનુભવનો લાભ અને માર્ગદર્શન રઘુ શર્માને મળતું રહે તે માટે થઇ તેમની પસંદગી કરવામાં આવી હતી.

ગુજરાત કોંગ્રેસમાં સૌથી પ્રથમ આંતરિક વિખવાદો દૂર કરવાનો પડકાર રહેશે. રાજીવ સાતવના સિનિયર નેતોઓ તરફના ઝુકાવને કારણે સિનિયર-જૂનિયર અને સિનિયર-સિનિયર નેતાઓ વચ્ચેના જૂથો કોંગ્રેસને નબળી પાડી રહ્યાં હતા. રઘુ શર્માએ યુવા અને આંદોલનકારી નેતાઓના કોંગ્રેસમાં આવવાથી સિનિયર અને યુવા નેતાઓને સાથે લઇને ચાલવા માટે ખાસ રણનીતિથી કામ કરવું પડશે. આ ઉપરાંત એક જ વર્ષના સમયગાળામાં તેમને કોંગ્રેસ એક છે તેવો વિશ્વાસ જનતાને અપાવવો પડશે. ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતાનું લટકતું ગાજર છે તેનો પણ ઉકેલ હાઇકમાન્ડ સાથે ચર્ચા કરીને લાવવાનો રહેશે. કોમ્યુનિટી આધારિત આંકલન સમજવાનો પણ મોટો પડકાર રઘુ શર્મા સામે રહેશે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી