રાહુલબાબુ, ભારતમાં કોણ રાજ કરશે એ મતદારો નક્કી કરશે કે અમેરિકા..?

મોદીને હટાવવા રાહુલ ગાંધીએ અમેરિકાની મદદ માંગી..!

રાહુલે અમેરિકાને ફરિયાદ કરી- ભારતમાં બધુ જ મોદીના હવાલે..કંઇક કરો..

તમામ બંધારણીય સંસ્થાઓ પર ભાજપનું પ્રભુત્વ- રાહુલનો દાવો

મતદારો કોંગ્રેસને મત ના આપે તો એમાં અમેરિકા શું કરશે..?

રાહુલની હાલત- નાચન આવત નાહી ઔર કહત હૈ આંગન ટેઢા હૈ.!

ભાઇ રાહુલ, રિલાયન્સની જેમ મિડિયામાં આવો અને પછી જુઓ..

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

20મી સદીની જેમ 21મી સદીમાં પણ હજુ અમેરિકા વિશ્વની મહાસત્તા છે. અમેરિકામાં 200 વર્ષ જુની લોકશાહી છે. એટલે કે અમેરિકાને 200 વર્ષ પહેલાં લોકશાહીના મીંઠા ફળ ચાખવા મળ્યા હતા. અને ત્યારથી અમેરિકાએ દુનિયાના દરેક દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા હોવી જોઇએ તેનો ઝંડો લઇને ચાલે છે.એમ કહેવાય છે કે દુનિયાના ઘણાં દેશોની સરકારો અમેરિકાના ઇશારે ચાલે છે. એ દેશો સાથે વેપાર-ધંધો અમેરિકાને મળે તેવી ગોઠવણ થતી હોય છે. ભારતમાં લોકશાહીને હજુ 75 વર્ષ પણ થયા નથી.

અમેરિકા ફિલ્મ રઇસના સંવાદની જેમ માને છે કે કોઇપણ ધંધો નાનો હોતો નથી અને ધંધાને લઇને અમેરિકાએ 2016થી ભારત સાથે વધારે પડતા સંબંધો વિકસાવ્યાં હતા. જો કે અમેરિકામાં નવે. 2020માં સત્તા પરિવર્તન થયું અને ટ્રમ્પભાઇ ઘરે બેસીને આરામ કરે છે. નવા રાષ્ટ્રપતિ જો બાઇડનની સરકાર સાથે હજુ ભારતની કૂટનીતિક સંબંધોની કુંડલી મળી નથી. કેટલાક ગુણો ઘટે છે. અગાઉની જેમ સારા સંબંધો થશે કે કેમ એ તો અમેરિકાને ભારતની કેટલી જરૂર છે એના પર નિર્ભર છે પણ ભારતમાં આત્મનિર્ભરવાળી લોકપ્રિય મોદી સરકારને હટાવવા કોંગ્રેસના રાહુલ ગાંધીએ અમેરિકાની બાઇડન સરકારને વાયા વાયા સવાલ કર્યો છે કે દુનિયામાં લોકશાહી માટે ચિંતિત અમેરિકા ભારતમાં લોકશાહીના હનન, લોકશાહીની હત્યા માટે પ્રત્યે કેમ ચુપ છે..? ખામોશ કેમ છે..ચુપ્પી ક્યૂં સાધ લી હૈ..? કુછ કરતે ક્યોં નહીં..?

ભાજપના શબ્દોમાં કહીએ તો કોંગ્રેસને બચાવવામાં નિષ્ફળ રાહુલ ભારતના સાર્વભૌમત્વમાં ડખલ કરવા અમેરિકાને આમંત્રણ આપીને દેશનું અપમાન કરી રહ્યાં છે અને રાજકારણ માટે ભારતના સાર્વભૌમત્વ અને લોકશાહીની ખુલ્લેઆમ મજાક ઉડાવી રહ્યાં છે. કેટલાક ટીવી મિડિયાએ તેના પર ડિબેટ પણ ચલાવી અને રાહુલે ધોઇ નાંખ્યો..!! કેમ કે રાહુલે મોદી સરકારની સાથે ભારતના મિડિયા ઉપર પણ કૂઠરાઘાત કર્યો અને દાવો કર્યો કે ભારતમાં મિડિયા ઉપર મોદીનું નિયંત્રણ છે.

બંગાળમાં ચૂંટણી પ્રચારથી લગભગ દૂર રહેલા રાહુલ અલગ અલગ વિષયો પર ઓનલાઇન ડિબેટમાં ભાગ લઇને મૈં ઔર મેરી કોંગ્રેસ અક્સર યે બાતે કરતે હૈ…કોંગ્રેસ ઔર મૈં હૂં..દર્શાવવાના પ્રયાસોમાં વ્યસ્ત છે. અમેઠીમાં સ્મૃતિ ઇરાની સામે હારનાર અને કેરળની વાયનાડથી જીતનાર સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે હાર્વર્ડ કેનેડી સ્કૂલના પ્રોફેસર નિકોલસ બર્ન્સ સાથે ઓનલાઇન ડિબેટમાં વાત કરી.વાત કરી તે કરતાં પોતાની ભડાશ કાઢી..!!

નિકોલસ બર્ન્સ ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે કામ કરી ચૂક્યા છે અને ભારતથી સુપેરે પરિચિત છે. તેમની સાથેની વાતચીતમાં રાહુલ ગાંધી ઉવાચઃ- ‘હવે આપણે તે યુગમાં નથી જેવું 2014 પહેલા( કોંગ્રેસના શાસનમાં) હતું. આ (મોદી) યુગમાં, આપણી ભારતની સુરક્ષા કરતી બંધારણીય સંસ્થાઓ પહેલા જેવી રહી નથી. જે સંસ્થાઓનું કામ નિષ્પક્ષ ચૂંટણી યોજવાનું છે તે નિષ્પક્ષ નથી. , જો કોંગ્રેસ, સપા,બસપા વગેરે ચૂંટણીમાં જીતી રહ્યાં નથી તો તેનું કારણ એ છે કે ભાજપનો ‘ભારતની બંધારણીય સંસ્થાઓનો સંપૂર્ણ કબજો છે. ભાજપ આર્થિક રીતે મજબૂત. બન્યો છે. ભારતના મીડિયા પર ભાજપનો પ્રભાવ વધ્યો છે. કોંગ્રેસ જ નહીં, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી, એનસીપી પણ ચૂંટણીઓ જીતવા અસમર્થ છે કેમ કે ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામ કરે છે. તેના દાખલા પણ તેમણે આપ્યાં..

ભારતમાં હાલમાં જે થઈ રહ્યું છે તે વિશે અમેરિકા તરફથી હજુ કાંઇ સાંભળવામાં આવ્યું નથી. જો તમે અને અમેરિકા લોકશાહીની ભાગીદારીની વાત કરો છો, તો ભારતમાં જે થઈ રહ્યું છે તેના વિશે તમારો મત શું છે? અને અમેરિકા કેમ ચુપ છે..? અમેરિકાને ભારતમાં લોકશાહી થકરામાં છે તેની ચિંતા કેમ નથી..?, આમ કહીને રાહુલે અમેરિકાને ઇશારો કર્યો કે ભારતની મોદી સરકાર સામે કંઇ કરો…!!

લોકશાહીને વરેલા ભારતમાં બંધારણીય સંસ્થાઓ, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સીબીઆઇ, ઇડી, એનઆઇઆઇ, રો,સહિત અન્ય તમામ સંસ્થાઓ પર મોદી સરકારનું પ્રભુત્વ છે કે નહીં એ તો રાહુલ જાણે પણ ભાજપે તેનો જવાબ પણ આપ્યો, પરંતુ શું આ રીતે રાહુલે નાના બાળકની જેમ, મા મને મોદી મારે છે..એવી ફરિયાદ અમેરિકાને કરવી જોઇએ..? શું અમેરિકા રાહુલને 2024ની ચૂંટણીમાં જીતાડશે..? શું ભારતમાં કોંગ્રેસ,નો પ્રચાર કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન વાયનાડ આવશે..? શું કોગ્રેસ આંદોલનજીવીની જેમ..“અમેરિકાજીવી” થઇ જવાની તૈયારીમાં છે..?

135 વર્ષ જુના કોંગ્રેસ પક્ષને અમેરિકાના મદદની જરૂર પડી..? ભારત પર 200 વર્ષ રાજ કરનાર અંગ્રેજોને હાંકી કાઢનાર કોંગ્રેસને લોકશાહીમાં, ભારતના મતદારોમાં વિશ્વાસ કેમ રહ્યો નથી..? કેટલાક મિડિયા કવરેજ ના આપે કે કોંગ્રેસની સામે પડી હોય તો, લોહે કો લોહા કાટતા હૈ..ની જેમ કોંગ્રેસ રિલાયન્સની જેમ મિડિયા લાઇનમાં ધૂમધડાકાભેર પ્રવેશ કરે. અખબારો શરૂ કરે, વેબસાઇટો શરૂ કરે અને ટીવી ચેનલો શરૂ કરે. કૌન રોકતા હૈ ઉન્હેં..?

આ તો પેલી કહેવત છે ને કે નાચન આવત નાહી ઔર કહત હૈ કી આંગન ટેઢા હૈ.! મોદી લોકમત ફેરવી શકે તો રાહુલ તમે કેમ નહીં..? સોશ્યલ મિડિયામાં પોતાના 10 વર્ષની સરકારની કામગીરી અને મોદી સરકારની 7 વર્ષની કામગીરીની સરખામણી કરતી હકારાત્મક અને રચનાત્મક પોસ્ટો મૂકવાની શરૂઆત કરે. 2022 અને 2024 ક્યાં દૂર છે..?. ભારતમાં કોણ રાજ કરશે એ ભારતના 80 કરોડ મતદારો નક્કી કરશે નહીં કે અમેરિકા.. ! સમજ ગયે ન રાહુલબાબુ..! .અમેરિકાને ખાનગીમાં ભરપૂર ધંધો-પાણીની ખાતરી આપો પછી જુઓ, કેવા નિવેદનો આવે છે અમેરિકાથી..!

 70 ,  1