‘અન્નદાતાઓએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝૂકાવ્યું…’

રાહુલ ગાંધીએ કૃષિ કાયદાને લઇ મોદી સરકાર પર કર્યા પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે હું તમને, આખા દેશને, આ બતાવવા આવ્યો છું કે અમે ત્રણેય કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય કર્યો છે. આ મહિનાના અંતમાં શરૂ થઇ રહેલા સંસદ સત્રમાં, અમે આ ત્રણેય કૃષિ કાયદાઓને રિપીલ કરવાની બંધારણીય પ્રક્રિયાને પુરી કરી દેશું.

એક વર્ષ બાદ કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો સમક્ષ ઝૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. આ સાથે પીએમ મોદીએ ખેડૂતોને ઘરે પરત જવાની અપીલ પણ કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૃષિ કાયદો પાછો ખેંચ્યા બાદ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. બીજી તરફ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે, દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું. અન્યાય સામેની આ જીત બદલ અભિનંદન! જય હિંદ, જય હિંદના ખેડૂત!

પીએમ મોદીના ઘમંડની આ હાર- સીએમ ગેહલોત

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ત્રણેય કાળા કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત લોકશાહીની જીત અને મોદી સરકારના ઘમંડની હાર છે. છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોની ધીરજની આ જીત છે. મોદી સરકારની દૂરંદેશી અને અહંકારને કારણે સેંકડો ખેડૂતોએ જીવ ગુમાવ્યા તે દેશ ક્યારેય ભૂલી શકે નહીં. ખેડૂતોના આંદોલનમાં બલિદાન આપનારા તમામ ખેડૂતોને હું નમન કરું છું. આ તેમના બલિદાનની જીત છે.

અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો

અમરિંદર સિંહે ટ્વીટ કર્યું, સારા સમાચાર. ગુરુ નાનક જયંતિના પવિત્ર અવસર પર, દરેક પંજાબીની માંગણીઓ સ્વીકારવા અને 3 કાળા કાયદાને રદ કરવા માટે પીએમ મોદીનો આભાર. મને ખાતરી છે કે, કેન્દ્ર સરકાર ખેડૂતોના વિકાસ માટે સાથે મળીને કામ કરતી રહેશે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી