સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ : નદી, નાળા બે કાંઠે થયા વહેતા

સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર પર મેઘરાજા ઓળઘોળ થયા છે. આજે સવારથી જ ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌથી વધારે પાંચ ઇંચ વરસાદ વેરાવળમાં નોંધાયો છે. જૂનાગઢના માંગરોળમાં પણ ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે.

જૂનાગઢ ગિરનાર પર એક કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. ગિરનાર પરના દામોદર કુંડ સહિત નદી નાળામાં ઘોડાપુર આવ્યું છે. ભવનાથ તળેટી પરના રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે. ગિરનાર અને દાતાર પર્વત પર ઝરણાઓ વહેતા થયા છે. કુદરત સોળે કળાએ ખીલી ઉઠતા અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો.

તો બીજી તરફ નોળી નદીમાં પુર આવતાં છ ગામો સંપર્ક વિહોણા થયા છે. નોળી નદીમાં પુરની સ્થિતિથી કામનાથ નજીકના કોઝ-વે પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. સકરાણા, વિરપુર, લંબોરા, શેખપુર, ચોટીલીવીડી સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. ત્યારે સ્થાનિક પ્રશાસને પણ તમામ ગામના સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત કરીને માહિતી મેળવી હતી.

રાજકોટના ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામે ઘરોમાં પાણી ઘુસી ગયા છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ડુમીયાણીમાં પાણી ભરાય ગયા છે. રબારીવાસ, વણકરવાસ સહિતના વિસ્તારોમાં ઘુંટણસુધી પાણી ભરાય ગયા છે.

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. તેમજ સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ થયો છે. બાઢડા પંથકની સુરવો નદીમાં ઘોડાપુર આવ્યુ છે. પુર આવતા સુરવો નદી બે કાંઠે થઇ છે. સુરવો નદી બે કાંઠે થતા સ્થાનિકો ઉમટ્યા છે. ચાર વર્ષ બાદ પ્રથમવાર નદીમાં પુર આવ્યુ છે.

આ ઉપરાંત ભાવનગરના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહુવાના ખારી, ગલથર, બેલમપર, કંટાસર, મોણપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદથી ખાદી નદીમાં પણ ઘોડાપુર આવ્યું હતું. ભાવનગરના તળાજા પંથકમાં ધોધમાર વરસાદ વરસતાં ત્રાપજ, અલંગ, મણાર, કઠવા, સોસિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જોવા મળ્યું હતું. ધોધમાર વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

તો આ તરફ ગીર-સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે. બપોરના બે વાગ્યા સુધી જિલ્લાના વેરાવળ તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે નદીઓમાં ધોડાપૂર આવ્યા હતા. વેરાવળના માથાસુળિયાથી પસાર થતી કપિલા અને ડાભોર ગામથી પસાર થતી દેવિકા નદીમાં વરસાદથી પૂર આવ્યા હતા. વરસાદને પગલે તાલુકાના અનેક ગામ બેટમાં ફેરવાયા છે. ઈણાજ, ઉંબા, દેદા, આબલયાળા સહિતના ગામો બેટમાં ફેરવાયા છે. ઈણાજ અને ઉંબા ગામમાં નદી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા

 82 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર