September 20, 2021
September 20, 2021

રાજસ્થાન: નેશનલ હાઈવે પર બે વાહનો વચ્ચે અકસ્માત બાદ આગ લાગી, 4 લોકો ભડથું

અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો

રાજસ્થાનના અજમેર જિલ્લામાં બે વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અજમેરમાં નેશનલ હાઈવે નંબર 8 પર ગંભીર અકસ્માત બાદ બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી. જેમાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આ અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ અને સ્થાનિક પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.

આદર્શનગર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર કન્હૈયાલાલના જણાવ્યા અનુસાર બે વાહનો વચ્ચે અકસ્માત બાદ આગ ફાટી નીકળતા 4 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હજી સુધી આગમાં ભડથું થયેલા લોકોની ઓળખ થઈ શકી નથી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જણાવી દઈએ કે, શનિવારે પણ રાજસ્થાનના જયપુર-અજમેર હાઈવે પર આ પ્રકારની ઘટના બની હતી. જેમાં એલપીજી ગેસ સિલિન્ડરથી ભરેલા ટ્રકમાં મોડીરાતે આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ જોરદાર સિલિન્ડર વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. અચાનક એક પછી એક સિલિન્ડર ધડાકા સાથે ફૂટવા લાગ્યા. જેના કારણે હાઇવે પર અંધાધૂંધી સર્જાઇ હતી. દુદુ પોલીસ સ્ટેશન વિસ્તારના દંતરી ગામ નજીક આ અકસ્માત બાદ હાઇવે જામ થઇ ગયો હતો. 5 કિલોમીટરથી વધુ સમય સુધી વાહનોની લાઇનો જામમાં અટવાયેલી જોવા મળી હતી.

 65 ,  1