રાજસ્થાન : ટેન્કર-બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 12 લોકો જીવતા ભૂંજાયા

ટેન્કરે બસને ટક્કર મારતા અચાનક ભીષણ આગ ફાટી નીકળી

રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે પર એક મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં એક ખાનગી બસ ટેન્કર ટ્રેલર સાથે અથડાતા આગ ભભૂકી હતી જેમાં આ અકસ્માતમાં બસમાં સવાર 12 લોકો જીવતા ભૂંજાયા છે જ્યારે બીજા લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત બાદ બાડમેર-જોધપુર હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ટેન્કર સાથે અથડાયા બાદ બસમાં ભીષણ આગ લાગી હતી. અકસ્માત સમયે બસમાં 25 લોકો સવાર હતા. વહીવટીતંત્રને 10 લોકોને બહાર કાઢવામાં સફળતા મળી છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

બસમાં સવાર એક મુસાફરે જણાવ્યું કે બસ બાલોત્રાથી સવારે 9:55 વાગ્યે નીકળી હતી. દરમિયાન રોંગ સાઇડમાં સામેથી આવતા ટેન્કરે બસને ટક્કર મારી હતી. જે બાદ બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી, આગ એટલી વિકરાળ હતી કે થોડીવારમાં બસ બળીને રાખ થઈ ગઈ હતી. જોકે, 10 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસનની સાથે પચપાદરાના ધારાસભ્ય મદન પ્રજાપત, પ્રભારી મંત્રી સુખરામ વિશ્નોઈ, ડિવિઝનલ કમિશનર સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. તે જ સમયે, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી