અભિનેત્રીઓના લાલ લાલ ગાલ અને કાળા કાળા રસ્તા…

કાળા ડામરિયા રસ્તાને લાલ ગાલ સાથે શું લેવાદેવા..?

લાલુજી હેમાની ગાલ જેવા રસ્તા બનાવવા માંગતા હતા..

કેસરિયા બાલમને કેટરિનાની ગાલ જેવા રસ્તા જોઇએ..

ટાઇગર શ્રોફની ખડતલ બોડી જેવા રસ્તા કેમ ના બને..?

ગાલપુરાણ-રસ્તાપુરાણ-ડામરપુરાણ અને ખાડાપુરાણ..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

રસ્તો, સડક, રોડ, હાઇ વે., માર્ગ, કેડી,પગદંડી વગેરે.ને કોઇ લાલગુલાબ અભિનેત્રીના ગાલ સાથે શું સંબંધ હોઇ શકે..? રસ્તો તો આખરે રસ્તો છે. એક રસ્તા દો રાહી…અને એ રસ્તા પર દો નહીં પણ અનેક રાહી અને હમરાહી ચાલતા હોય, દોડતાં હોય, વાહનો સડસડાટ દોડતાં હોય છે. એવામાં ઘણાં પૂછે -ભાઇ આ રસ્તો ક્યાં જાય છે..? ત્યારે કોઇ જીવન દાર્શનિક એમ કહે કે રસ્તો ક્યાંય જતો નથી. રસ્તો તો ત્યાંને ત્યાં જ છે પણ તમે એ રસ્તા પર ચાલીને-દોડીને-વાહન હંકારીને તમારી મંઝિલ સુધી પહોંચો છો..! રસ્તો ઠેરના ઠેર અને તેના ઉપર ડામરના થર ચઢે જાય…ચઢે જાય…

ચોમાસુ હમણાં જ પુરૂ થયું પણ તામિલનાડુ-કેરળ અને આંધ્રમાં મેઘરાજાએ વિદાય લીધી નથી. ત્યાંના રસ્તાઓ પર પાણી જ પાણીના દ્રશ્યો સૌએ જોયા. ભારે પૂર આવે ત્યારે રસ્તાઓ તણાઇ જાય, ઉંચાઇ પર રસ્તાઓ હોય તો તેના પર ભેખડો ધસી પડે અને અવરજવર કેટલાક સમય માટે ઠપ્પ થઇ જાય.કોઇ શહેર કે રાજ્યની પ્રગતિનો અંદાજ તેના રસ્તા પરથી ઘણાં કાઢતા હોય છે. બહારગામથી કોઇ રાજ્યની સીમામાં પ્રવેશે ત્યારે રસ્તા પાણીદાર હોય તો એમ કહ્યાં વગર ના રહે કે, અહીંની સરકાર સારૂ કામ કરે છે…!

શહેરમાં રસ્તાઓ ઉબડ-ખાબડ હોય, તૂટેલા હોય,વાંકા-ચૂંકા હોય, રસ્તા પર ગંદકીના ઢગલા હોય તો સ્થાનિક સત્તાવાળાઓને લોકો શું કહે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. અને એટલે જ સ્થાનિક સત્તાવાળાઓ બને ત્યાં સુધી શહેરના મુખ્ય મુખ્ય રસ્તાઓ-રાજમાર્ગો સરસ મજાના પાણીદાર રાખવાના પ્રયાસો કરતા હોય છે. પણ ડામરના આ કાળા રસ્તાઓને કોઇ દેખાવડી કે જેના ગાલ લાલ હોય, ગુલાબી હોય કે ચીકણાં હોય તો તેની સાથે કઇ રીતે સરખાવી શકાય..?!

એક થા ટાઇગર..એક થે લાલુપ્રસાદ…ના, ના લાલુજી હજુ છે. અને ઘાસચારા કૌભાંડમાં થયેલી સજામાંથી અડધી સજા ભોગવીને જામીન પર બહાર છે તથા બિહારમાં પોતાના એક સમયના રાજકિય સાથી સુશાસનબાબુ નીતિશકુમારને સત્તાથી દૂર કરવા મથી રહ્યાં છે… બિહારમાં જ્યારે લાલુપ્રસાદનો જમાનો હતો ત્યારે તે વખતે બોલીવુડમાં હેમામાલિનીનો પણ તું ચીજ બડી હૈ મસ્ત મસ્ત…જેવો અલમસ્ત અંગડાઇભર્યો જમાનો હતો.., ભરયુવાની હતી..તેઓ ડ્રીમગર્લ તરીકે ઓળખાતી હેમામાલિની પોતાના સમયના લાખો ચાહકોનેા સપનામાં સમાઇ જઇને રાતોના ઉજાગરા કરાવતી. હેમામાલિનીના ગોળમટોળ લાલ ટામેટા (ટામેટાનો ભાવ કેટલાક શહેરોમાં 100 ઉપર પહોંચી ગયો છે) જેવા ગાલ જોઇને લાલુએ તે વખતે પોતાની અનોખી શૈલીમાં કહ્યું હતું કે, એ..ય બબુઆ બિહાર મેં હેમામાલિની કી ગાલ કી તરહ ચીકની સડકે બનાઇ જાયેંગી…!!

બિહારમાં તે પછી હેમામાલિનીના ગાલ જેવી કેટલી સડકો બની એ તો લાલુપ્રસાદ અને બિહારના લોકો જાણે જ છે. પણ હવે હેમામાલિનીની ઉંમર દેખાય છે. ગાલ ભરયુવાની જેવા નથી. એટલે હેમાને બદલે હવે એક મંત્રીજીએ એમ કહ્યુ- હમ આપકો કટરીના કી ગાલ જૈસી ચીકની સડકે બના કર દેંગે….! બોલો..હેમા આઉટ..કટરીના ઇન…

ઓછુ હિન્દી જાણતી અને પરણવા જઇ રહેલી કેટરીના કૈફ આ સાંભળે તો પોતાના ગાલ પર હાથ ફેરવીને પૂછે કે યે કાલી સડક કે સાથ મેરી ગાલ કા ક્યા રિશ્તા હોતા હૈય…યે રિશ્તા ક્યા કહલાતા હૈય..! જો કે સમયની સાથે હવે સડકો માટે ઉપમા-ઉદાહરણ આપવા મંત્રીઓની ચોઇસ પણ જાણે બદલાઇ ગઇ…!

મંત્રી છે રાજસ્થાનના. નામ છે-રાજેન્દ્ર ગુઢા.મૂળ રાજકિય ગોત્ર બસપા અને બસપામાંથી કોંગ્રેસમાં આવ્યા અને મંત્રી બન્યા.24મી નવે.ના રોજ તેમણે મંત્રી બન્યા બાદ મતવિસ્તારની મુલાકાત લીધી. તેમના મતવિસ્તારમાં લોકોએ રસ્તાની ખરાબ હાલતની ફરિયાદ કરી ત્યારે હમણાં જ બનેલા મંત્રી મંડળમાં તાજા તાજા બનેલા મંત્રીજીએ જાહેરમાં જાહેર બાંધકામ વિભાગના ઇજનેરને ઉદેશીને કહ્યું કે મેરે નિર્વાચન ક્ષેત્ર મેં કટરીના કૈફ કી ગાલો કી તરહ ચીકની સડકે બનની ચાહિયે…મંત્રીની વાત સાંભળીને લોકો પણ ખડ ખડ ખડ ખખડ્યા…કોઇ બોલ્યા પણ હશે- અરે ભાયા…મંત્રીસા કટરિના કે પ્રેમી લગતે હૈ…!!

સડકો તો હેમાની કે કેટરીનાની ગાલ જેવી ચીકણી નહીં પણ ઓલ વેધર મજબૂત હોવી જોઇએ. જેથી ચોમાસામાં ભલે ધોધમાર વરસાદ વરસે તો પણ એક કાંકરી ના નિકળે. પરંતુ રોડ કેવા બને છે…નવા પૂલ કેવા બને છે…પહેલાં જ ચોમાસામાં રોડ ધોવાઇ જાય…પૂલ ખખડી જાય…ખરેખર તો મંત્રીજીએ અને મંત્રીજીઓએ ઇજનેરને એમ કહેવુ જોઇએ કે ટાઇગર શ્રોફની બોડી જેવા મજબૂત રોડ બનવા જોઇએ… ટફ..રફ એન્ડ ટફ.. વાહનો ગમે તેટલી સ્પીડમાં દોડે-ઉછળે તો પણ રસ્તા અંદગના પગની જેમ અડીખમ…ટાઇગર શ્રોફથી આયદ આવ્યુ તેમના પિતા જેકીદાદાએ અમદાવાદ નજીક ફિલ્મસીટી બનાવવાની જાહેરાત કરી હતી એનુ શું થયું…?!

અમેરિકા સહિતના વિદેશના રસ્તાઓ જુઓ. કેવા ખડતલ હોય છે. એક સરખા એક સપાટી..કોઇ ઉબડ નહીં કોઇ ખાબડ નહીં…કોઇ ખાડો નહીં કોઇ ટેકરો નહીં…અને એ રસ્તા વર્ષો સુધી એવા જ ટકી રહે. આપણે તો બારે માસ રસ્તા બન્યા જ કરે…થાગડથીંગડ રસ્તા…શહેરમાં વીવીઆઇપી રહેતા હોય ત્યાંના રસ્તા સાફ સુથરા અને મજબૂત…અને એક જ શહેર છતાં પરા વિસ્તાર, સ્લમ વિસ્તાર, મજૂર વિસ્તાર, ગરીબ વિસ્તાર…ના રસ્તા બન્યા બાદ ફટાફટ તૂટે પણ ફટાફટ ના બને… નાગરિકો રજૂઆતો કરી કરીને થાકી જાય ત્યારે રસ્તાની ખબર લેવાય કાં પછી એ વિસ્તારમાં કોઇ વીવીઆઇપીની સત્તાવાર મુલાકાત હોય ત્યારે રાતોરાત એ રસ્તા નવાનક્કોર બની જાય..રસ્તા પર રંગરોગાન થઇ જાય…

રસ્તા પહેલવાનો જેવા બનવા જોઇએ. પોતાની ગાલ જેવા રસ્તા બનાવવાનું સાંભળીને હેમા-કેટરીના શું વિચારતી હશે..? આ તો સારૂ છે કે લાલુજીએ જ્યારે હેમાના ગાલની વાત કરી ત્યારે હેમાના ધર્મેન્દ્રપાજી સાથે લગ્ન નહીં થયા હોય ..નહીંતર તો જટ યમલા પગલા દિવાના લાલુજીની ધોબીપછાડ કરી નાંખત અને લાલુજી કહેત-અરે ધત.. હમ તો ઉ રાબડી કે બારે મેં બોલત હૈ..! અમુક વર્ષો બાદ વળી પાછા કોઇ મંત્રીજી આલિયા ભટ્ટ કે સુહાનાખાન વિષે આવુ ના બોલે તો ભયો..ભયો…

 58 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી