રાજધાની એક્સપ્રેસ અટકાવાનો મામલો : ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટે પણ ફગાવી

નીચલી કોર્ટે અરજી ફગાવતા મેવાણીએ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી

આરોપી સામે પ્રથમદર્શી કેસ બને છે, ડિસ્ચાર્જ ન કરી શકાય- સેશન્સ કોર્ટ

વર્ષ 2017માં દલિત આંદોલન દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન પર જઇ રાજધાનીએક્સપ્રેસ અટકાવવા મામલે જિજ્ઞેશ મેવાણી સહિતના સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તે કેસમાં ચાર્જફ્રેમ બાદ જિજ્ઞેશ મેવાણીએ મેટ્રોકોર્ટમાં બિન તહોમત (ડિસ્ચાર્જ) છોડી મૂકવા અરજી કરી હતી. જોકે, નીચલી કોર્ટે તે અરજી ફગાવી દેતા તેની સામે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી. તે અરજી પણ સેશન્સ કોર્ટના જજ અશોક શર્માએ ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, સાક્ષીઓના નિવેદન તથા તપાસના તમામ પેપર જોતા અને ચાર્જશીટની હકીકતો ધ્યાને લેતા આરોપી સામે પ્રથમદર્શી ગુનો બનતો હોવાનું જણાઇ આવે છે. આવા સંજોગોમાં કેસ ટ્રાયલ ચલાવ્યા વગર આરોપીને આ તબક્કે ડિસ્ચાર્જ કરવો તે ન્યાયી જણાતુ નથી. તેથી આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ કરવામાં આવે છે.

જિજ્ઞેશ મેવાણી તરફે એડવોકેટે સેશન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, જિજ્ઞેશ મેવાણીએ આવો કોઇ જ ગુનો કર્યો નથી છતાં ખોટી રીતે ચાર્જશીટ કરવામાં આવ્યું છે, જિજ્ઞેશે ગેરકાયદે મંડળી રચી ટ્રેન રોકી આરપીએફ વુમન સંગીતાદેવીને ઇજા પહોંચાડી હોય તેવા કોઇ જ પુરાવા તપાસ દરમિયાન મળ્યા નથી, ઘટના દિવસે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 ઉપર દલિત સમાજની પડતર માંગણીઓની બાબતે જે પ્રવેશ કરવામાં આવ્યો હતો તે અનધિકૃત રીતે કરવામાં આવ્યો ન હતો, આરોપી રાજધાની એક્સ્પ્રેસ પર ચઢ્યો નથી. તેઓ એન્જિન આગળ પાટા પાસે ઊભા રહી સૂત્રોચ્ચાર કર્યા નથી અને ટ્રેન 20 મિનિટ સુધી રોકાઇ હોય તેવા કોઇ પુરાવા નથી. સમગ્ર કેસમાં તેમમની પ્રત્યક્ષ કે પરોક્ષ કોઇ જ ભૂમિકા નથી તેથી તેમને બિન તહોમત છોડી મૂકવા જોઇએ.

જોકે, ખાસ સરકારી વકીલ હિમાંશુ.આર. શાહે એવી દલીલ કરી હતી કે, આખી ઘટના બની હોવાના પુરાવા છે, જે લોકોને ઇજા થઇ છે તેમની મેડિકલ હિસ્ટ્રીમાં પણ આરોપીનું નામ જણાવ્યું છે અને પંચનામા પણ આ અંગે ઉલ્લેખ છે, આરોપી સામે પ્રથમદર્શી કેસ છે, આખીય ચાર્જશીટમાં આરોપી સામે પૂરતા પુરાવા છે અને સાક્ષીઓના નિવેદનો પણ છે. નીચલી કોર્ટે યોગ્ય મૂલ્યાંકન કરીને જ આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવી હતી. ત્યારે આવા આરોપીને ડિસ્ચાર્જ કરી શકાય નહીં. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપી જિજ્ઞેશ મેવાણીની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે.

નવરંગપુરામાં સૂત્રોચ્ચાર કરી પોલીસ વાનમાં તોડફોડનો કેસમાં પણ ડિસ્ચાર્જ અરજી રદ

અમદાવાદ – ઇન્કમટેક્સ ચાર રસ્તા પર વર્ષ 2016માં મ્યુનિ. કોર્પોરેશનના સફાઇ કર્મચારી અને કંડક્ટરોની માંગણીઓને લઇ ટોળુ એકત્ર કરી પોલીસ વાનમાં તોડફોડ કરવાના કેસમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ડિસ્ચાર્જ અરજી મેટ્રોકોર્ટે ફગાવ્યા બાદ તેની સામે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી. જે અરજી પણ સેશન્સ કોર્ટે ફગાવી દેતા કોર્ટે નોંધ્યું હતું કે, તપાસના અને ચાર્જશીટના પેપર જોતા આરોપી સામે પ્રથમદર્શી કેસ બને છે તેવા સંજોગોમાં આરોપીને ટ્રાયલ ચલાવ્યા વગર ડિસ્ચાર્જ કરી શકાય નહીં.

 27 ,  1