રાજકોટમાં નર્સિંગની વિદ્યાર્થિનીએ ફાંસો લગાવી કર્યો આપઘાત, મોત પહેલા માતાને કહ્યું – રજા લઇ ઘરે આવું છું..

ઓનલાઇન અભ્યાસ કરતી નર્સિંગની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી..

રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. ઓનલાઇન અભ્યાસ કરતી નર્સિંગની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં માતમ છવાયો છે. આપઘાત પહેલા વિદ્યાર્થિનીએ છેલ્લી વાર તેની માતા સાથે ફોન પર વાત કરી હતી. જેમાં કહ્યું હતું કે, હું એક મહિનાની રજા રાખી ઘરે આવું છું… જો કે ઘરે જાય એ પહેલાં મોતનું વ્હાલું કરતા ચકચાર મચી ગઇ હતી.

ઘટનાની વિગત મુજબ, રાજકોટની એચ. એન. શુક્લા નર્સિંગ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જોડિયાના લખતરની સુજાતા ચૌહાણે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.

એચ.એન.શુક્લા કોલેજ માં નર્સિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી સુજાતા ચૌહાણ નામની યુવતી કોરોના ના કારણે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવીડ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. તો સાથે જ નર્સિંગ નો ઓનલાઇન અભ્યાસ પણ કરતી હતી. ત્યારે સુજાતા એ આપઘાત કરતા પહેલા તેણી ની માતાને છેલ્લો કોલ કરી કહ્યું હતું કે, ઓનલાઇન અભ્યાસક્રમ તેમજ covid હોસ્પિટલમાં ફરજ બજાવવાના કારણે છેલ્લા ઘણા સમયથી મારી તબિયત પણ નાદુરસ્ત રહે છે જેના કારણે એક મહિનાની રજા મૂકીને હું ઘરે આવી જઈશ તેમજ મારી જગ્યાએ covid હોસ્પિટલમાં ફરજ પર કોઈ અન્ય નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીને ગોઠવી દઈશ.

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ પાસે આવેલ નર્સિંગ હોસ્ટેલમાં જ સુજાતા ચૌહાણ પોતાની રૂમ પાર્ટનર સોનુ બેન સાથે રહેતી હતી. ત્યારે નાઈટ ડ્યુટી હોવાના કારણે સુજાતા મંગળવારના રોજ દિવસ ભર રૂમ પર જ હતી. ત્યારે સિવિલ હોસ્પિટલમાં પોતાની ડ્યુટી પૂર્ણ કરી રૂમ પર પરત આવેલા સોનું બહેને સૌ પ્રથમ રૂમ નો દરવાજો ખખડાવવાનો પ્રયાસ કર્યો હતો.

તેમ છતાં સુજાતા એ દરવાજો ન ખૂલતાં સોનુ બહેને સુજાતા ને ફોન કર્યો હતો તેમ છતાં દરવાજો ન ખુલતા સોનુ બહેને અન્ય વિદ્યાર્થિનીઓ ને ફોન કરીને રૂમ પર બોલાવી હતી અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓએ એક સાથે દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા અંદરથી સ્ટોપર ખુલી જતા છતના હુક માં દુપટ્ટો બાંધેલી લટકતી હાલતમાં  સુજાતા ની લાશ સૌ કોઈએ જોઈ હતી.

ઘટનાની જાણ થતાં રાજકોટ પહોંચેલા સુજાતાના પિતા પ્રવીણભાઇ ચૌહાણે કહ્યું હતું કે દીકરીને કોઇ તકલીફ હોય એવું જણાયું નહોતું. તે આવું પગલું ભરે એવું અમે વિચારી પણ શકીએ નહિ. તેણે કોઇ ચિઠ્ઠી પણ લખી નથી. કોઇની હેરાનગતિ કે ત્રાસ હોવાની પણ કોઇ શકયતા જણાતી નથી. પોલીસ તપાસ બાદ સાચું કારણ બહાર આવી શકશે. અમને કોઇ પ્રત્યે કંઇ આક્ષેપો નથી

 116 ,  3