રક્ષાબંધનના તહેવારને કોરોનાનું ગ્રહણ લાગ્યુ, રાજ્યના મોટાભાગના હોલસેલ માર્કેટમાં રાખડીઓનું વેચાણ ઘટ્યું

ચાલુ વર્ષે રક્ષાબંધનના તહેવારને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના હોલસેલ માર્કેટમાં રાખડીઓનું વેચાણ ઘટ્યું છે. જ્યારે રિટેલ માર્કેટમાં પણ કોરોનાના ભયથી લોકોએ રાખડીઓનું વેચાણ ઓછું કર્યું હોવાનું વેપારીઓનું કહેવું છે. આ વર્ષે મોટાભાગના ભાઈ-બહેન ઓનલાઈન જ રક્ષાબંધનની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. આ વખતે જે ભાઈઓ તેમની બહેનો સુધી રાખડી પહોંચવામાં અસમર્થ છે, તેઓ ઓનલાઇન અને કુરિયર સેવાની મદદથી ગિફ્ટ મોકલી રહ્યાં છે. ભાઈઓ કુરિયર દ્વારા સાડી, સુટ અને મોંઘી જ્વેલરીની ગિફ્ટ બહેનોને મોકલી રહ્યા છે. આ બધાની વચ્ચે, કુરિયર ડિલિવરી એજન્ટોનું પણ કામ અને જવાબદારી વધી છે.

અમદાવાદના હોલસેલ માર્કેટમાં રાખડીઓનું વેચાણ 70થી 75 ટકા ઘટ્યું છે. જ્યારે રિટેલ માર્કેટ પણ રાખડીઓનું વેચાણ 50થી 60 ટકા જેટલું ઓછું હોવાનું વેપારીઓનું કહેવું છે. રક્ષાબંધનના દિવસ બહેન ભાઈના ઘરે જઈને તેને રાખડી બાંધે છે. સાથે જ આ દિવસે સમગ્ર પરિવાર એકસાથે મળીને આ તહેવારની ઉજવણી કરે છે, પરંતુ આ વર્ષે તે શક્ય બનવું ખુબ જ મુશ્કેલ છે. તો બીજીતરફ વેપારીઓના કહેવા પ્રમાણે કોરોનાના કારણે લૉકડાઉન હોવાથી રાખડીઓ બહુ જ ઓછી બની છે. જ્યારે કોરોનાના ડરના કારણે રાખડીઓ ખરીદવા માટે જોઈએ તેવા ગ્રાહકો પણ આવતા નથી. વેપારીઓ તો રાખડીઓથી દુકાનો ભરીને જ બેઠા છે. પરંતુ લોકો ડરના માર્યા રાખડી ખરીદવાનું ટાળી રહ્યા છે. જોકે એક છત નીચે રહેતા ભાઈ-બહેન સિવાય ઘણા બધા ભાઈ-બહેનો મોબાઈલ કે લેપટોપથી વર્ચ્યુઅલ કે ડિજિટલ રક્ષાબંધનની ઉજવણી કરવાના હોવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતે રક્ષાબંધનના તહેવારના 15 દિવસ પહેલાથી જ બજારોમાં રાખડીઓ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળે છે. પરંતુ આ વર્ષે એવો કોઈ નજારો જોવા મળ્યો નથી. કારણ કે, લોકલ સંક્રમણથી બચવા માટે તંત્ર દ્વારા મોટાભાગના વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ મુકવામાં આવ્યા છે. ત્યારે જાહેરમાં ભીડ કરનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે છે. તો બહેનો પણ પોતાના ભાઈઓ માટે હવે ઓનલાઈન જ રાખડીઓની ખરીદી કરી રહી છે. જેના કારણે ઓનલાઈન માર્કેટમાં રાખડીઓની ડિમાંડમાં અચાનક વધારો જોવા મળ્યો છે.

લોકલ સંક્રમણથી બચવા માટે ભાઈ-બહેન ઓનલાઈન જ રાખડી તેમજ ગિફ્ટની ખરીદી કરી એક-બીજાના ઘરે ડિલેવરી કરાવી રહ્યા છે. જેના કારણે એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની ઓનલાઈન વેબસાઈટની ડિમાંડ વધી રહી છે. સાથે જ આ કંપનીઓ પણ ગ્રાહકોને પોતાની તરફ ખેચવા માટે અલગ-અલગ ડિસ્કાઉન્ટ તેમજ ગિફ્ટ વાઉચરની લાલચ આપતા હોય છે. કેટલીક ઓનલાઈન વેબસાઈટ પર તો ચોકલેટ, મીઠાઈઓ અને રાખડીઓનું કોમ્બો પેક પણ મળી રહે છે. ટોમ અને જેરી, છોટા ભીમ સહિતની વગેરે રાખડીઓ બાળકોને ખૂબ આકર્ષિત કરી રહી છે.                         

 54 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર