September 25, 2020
September 25, 2020

ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન…

ભાઈ-બહેનનાં નિસ્વાર્થ પ્રેમનું પર્વ, હિંદુ સમાજમાં શ્રાવણી માસની પૂર્ણિમા એ ઉજવાતો રક્ષાબંધનનો પર્વ એટલે ભગિની પ્રેમબંધન 

આજે કમનસીબે નિદોર્ષ યુવતીઓ પર શારીરિક છેડછાડ, બળાત્કાર અને અપહરણ જેવી રોજબરોજ ઘટનાઓ બનતી રહે છે ત્યારે દરેક પુરુષનું એ કર્તવ્ય બને છે કે દરેક સ્ત્રીનું રક્ષણ કરે. સ્ત્રી પૂજાય તો સંસ્કૃતિનું રક્ષણ થાય છે. રક્ષાબંધન એ સ્ત્રીના સન્માનનું પર્વ છે. દેશની દરેક સ્ત્રીઓને પોતાની બહેન માનીને તેનું રક્ષણ કરવું જોઇએ.

રક્ષાબંધનનો શુભારંભ પુરાણો અને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન વિષ્ણુએ જ્યારે બલિરાજાને વરદાન માગવા કહેલું ત્યારે બલિરાજાએ વિષ્ણુને પોતાની સાથે પાતાળમાં રહેવાનું વરદાન માગેલું. બલિરાજાનું આ વરદાન વિષ્ણુ ભગવાને માન્ય રાખીને બલિરાજા સાથે પાતાળમાં રહેવા લાગ્યાં. લક્ષ્મીજી ભગવાન વિના એકલાં પડી જાય છે ત્યારે લક્ષ્મીજી નારદજીના બતાવેલા ઉપાયથી બલિરાજાને પોતાનો ભાઇ બનાવીને રાખડી બાંધે છે ને બદલામાં ભગવાન વિષ્ણુને બલિરાજા પાસેથી છોડાવે છે. બસ, ત્યારથી જ આ પર્વ પરંપરાગત રીતે ઉજવણી થાય છે.

હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે ઉજવાતું રક્ષાબંધનનું પર્વ એટલે ભગિની પ્રેમબંધન. જેમાં ભાઈબહેનના પ્રેમ અને લાગણીભર્યા સંબંધોનું બંધન જોવા મળે છે. આ દિવસે બહેન તેના ભાઇને રાખડી બાંધીને તેના કલ્યાણની કામના કરે છે. તો સામે ભાઈ બહેનને સુરક્ષા કરવાની ખાતરી આપે છે. રક્ષાબંધનને બળેવ તેમજ નાળિયેરી પૂનમ કે શ્રાવણી પૂનમ પણ કહેવામાં આવે છે.

યોગેશ્વર પણ બંધાયા રેશમના તાંતણે મહાભારતની કથામાં પણ રક્ષાબંધનના પર્વનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મહાભારતનું યુદ્ધ નિશ્ચિત થઈ ગયું ત્યારે યુધિષ્ઠિર બહુ ચિંતિત હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું કે, ‘હું બધાં જ સંકટોને પાર કેવી રીતે કરી શકું?’ ત્યારે ભગવાન કૃષ્ણએ તેમની સેના માટે રક્ષાબંધનનો તહેવાર ઊજવવાની સલાહ આપી. ભગવાને કહ્યું હતું કે, ‘આ રેશમની દોરીમાં એવી તાકાત છે કે જે દરેક મુશ્કેલીમાં તમારું રક્ષણ કરશે.’ આ જ ભાવના સાથે યુદ્ધમાં લડવા જતાં અભિમન્યુને કુંતી રક્ષાસૂત્ર બાંધે છે. દ્રૌપદીના ભ્રાતપ્રેમને દર્શાવતો એક બીજો પણ હૃદયસ્પર્શી પ્રસંગ છે, જેમાં શ્રીકૃષ્ણ અને દ્રૌપદીના પ્રેમની ઝાંખી થાય છે.

જ્યારે મહાભારતમાં શિશુપાલવધમાં સુદર્શન ચક્રને લીધે શ્રીકૃષ્ણ ભગવાનની આંગળી કપાઈ જાય છે ત્યારે દ્રૌપદી તરત જ પોતાની સાડીના છેડાથી પાટો બાંધી દે છે. કહેવાય છે કે આ દિવસે પણ શ્રાવણી પૂનમનો પાવન દિવસ જ હતો, તેથી જ શ્રીકૃષ્ણ ભગવાન દ્રૌપદીની સાડીની એ પટ્ટીમાં જેટલા તાંતણા હતા તેટલાં ચીર પૂરીને વસ્ત્રાહરણ વખતે તેની લાજ રાખે છે.

ઐતિહાસિક મહત્ત્વ રાખડીના આ તાંતણાએ ઇતિહાસમાં સમર્પણ અને બલિદાનની ભાવનાને પણ ઉજાગર કરી છે. ચિત્તોડની રાજમાતા કર્માવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો અને તે પણ સંકટના સમયે બહેન કર્માવતીની રક્ષા માટે ચિત્તોડ આવી પહોંચ્યો હતો. કહેવાય છે કે મેવાડની મહારાણી કર્માવતીને બહાદુરશાહ દ્વારા મેવાડ પર હુમલાની પૂર્વસૂચના મળી હતી. રાણી લડવા માટે અસમર્થ હતી, તેથી તેણે મુગલ નરેશ હુમાયુને રક્ષા મોકલી અને રાજ્યની રક્ષા માટે પણ પ્રાર્થના કરી.

હુમાયુ મુસલમાન હોવા છતાં પણ તેણે રાખડીની લાજ રાખી અને બહાદુર સાથે યુદ્ધ કરીને તેની બહેન કર્માવતીની અને મેવાડની રક્ષા કરી. સિકંદરની કથા સાથે પણ આ રક્ષાસૂત્રનું માહાત્મ્ય જોડાયેલું છે. સિકંદરની પત્નીએ તેના પતિનો હિન્દુ શત્રુ પુરુવાસને રાખડી બાંધી અને પતિને ન મારવાનું વચન લીધું હતું અને પુરુવાસે પણ રણભૂમિમાં બહેને બાંધેલ રક્ષાસૂત્રનું સન્માન કરતાં સિકંદરને જીવતદાન આપ્યું હતું.

 21 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર