આજે તને પતાવી દેવો છે તેમ કહી ત્રણ શખ્સોએ આધેડ પર કર્યો ઘાતકી હુમલો

રામોલ પોલીસે બે માસીના દિકારા સહિત ત્રણ લોકો સામે નોંધી ફરિયાદ

યુવતીના સગપણની વાત લાવનાર આધેડ પર પ્રેમી માસીયાઈ ભાઇનો હુમલો

યુવતીના લગ્ન માટે સગપણની વાત લાવનાર આધેડ પર પ્રેમી સહિત ત્રણ લોકોએ ઘાતક હુમલો કરી લોહીલુહાણ કરી ભાગી ગયા હતા. આજે તને પતાવી દેવો છે તેમ કહી ત્રણેય લાકડીઓ લઇને તૂટી પડ્યા હતા. હાલ હુમલામાં ઘાયલ આધેડ સારવાર હેઠળ છે. તે બીજી તરફ રામોલ પોલીસે બે સગા માસીના દિકરા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રામોલ વિસ્તારમાં ઓઢવ રોડ પર આવેલ વિહળ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશ ધરમશીભાઇ પ્રજાપતિ કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં બે દિકરીઓ અને એક દિકરો છે. પ્રકાશ પ્રજાપતિ પોતાના સમાજના છોકરા-છોકરીઓના લગ્ન માટે જીવનસાથી પસંદગી સેતુ નામથી વિના મૂલ્યે સમાજ સેવા કરે છે. ફરિયાદમાં પ્રકાશ ભાઇએ જણાવ્યું હતું કે, માસીના દિકરા વિપુલને વિમલ પાર્કમાં રહેતી કીર્તિકા ભીમાણી નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે. કીર્તિકાના લગ્ન ન થયા હોવાથી બે મહિના પહેલા કીર્તિકાના પિતાએ સગપણ માટે પ્રકાશ પ્રજાપતિને વાત કરી હતી. અને બાયોડેટા આપ્યો હતો. જે સંબંધની વાત નડિયાદ ખાતે રહેતા એક સમાજમાં કરી હતી. સગપણની વાત થતાં કીર્તિકાએ આ બબાતે વિપુલને જાણ કરી હતી.

ગત રોજ બપોરના સમયે માસીના દિકરા વિપુલ તેમજ ઘનશ્યામ પ્રકાશ ભાઇના ઘરે આવ્યા હતા. વિપુલે કીર્તિકાના લગ્ન કરાવવાની વાતમાં વચ્ચે નહીં પડવાનું કહી પ્રકાશ ભાઇ સાથે બોલાચાલી કરી હતી. આ મામલે પ્રકાશ ભાઇએ સોસાયટીની બહાર જઇને વાત કરવાનું કહેતા ત્રણેય શિતલ છાયા ચોકડી પાસે ગયા હતા. જ્યાં વિપુલે પ્રકાશભાઇની ફેંટ પકડી જો તું કીર્તિકાનું ક્યાંય લગ્ન કરાવીશ તો આ રોડ ઉપર તેન ઢસડીને મારીશ તેમ કહી ગંદી ગાળો બોલવા લાગ્યા હતા. આ દરમિયાન પ્રકાશભાઇ ત્યાંગી જતા રહ્યા હતા.

પ્રકાશ ભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રોજ નિયમિત મુજબ સવારે મોર્નિગ વોક માટે ઘરેથી સાડા પાંચ વાગે નીકળી ગયા હતા. તે દરમિયાન 6 વાગે મીરાબાઇ સર્કલથી કર્ણાવતી ચાર રસ્તા તરફ ભાથીજી ચોકડીથી આગળ રોડ ઉપર આવતા હતા, ત્યારે અચાનક પાછળથી કોઇએ ડાબા પગ ઉપર જોરદાર ફટકો મારતા નીચે પડી ગયા હતા. પાછળથી જોતા વિપુલભાઇ, ઘનશ્યામભાઇ તથા ધીરૂભાઇ તેમના હાથમાં લોખંડની કડીઓ વાળી લાકડીઓ લઇને ઉભા હતા. વિપુલે ગંદી ગાળો બોલીને, તને કીર્તિકાના લગ્ના કરાવવાની ના પાડવા છતાં તું માનતો નથી આજે તને પતાવી દેવો છે તેમ કહી ત્રણેય જણાએ લાકડીઓ ફટકારી હતી. શરીરના કમરના ભાગે તેમજ હાથમાં ગંભીર રીતે લાકડીઓના ઘા વાગતા પ્રકાશભાઇ લોહીલુહાણ થઇ ગયા હતા. આ બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

સુધરી જજે નહીં તો જાનથી ખલાસ કરી નાખીશું તેવી ધમકી આપી ત્રણેય બાઇક લઇ ભાગી ગયા હતા. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રકાશભાઇને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તો બીજી તરફ રોમોલ પોલીસે પ્રકાશભાઇના માસીના દિકરા ઘનશ્યામ સવાણી વિપુલ ભાઇ તેજમ ધીરૂભાઇ સામે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.

 9,108 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી