ક્રૂઝ પર રેવ પાર્ટી : કોણ છે મુનમુન ધામેચા?

બાદશાહના દિકરા આર્યન ખાન સાથે NCBએ કરી છે ધરપકડ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (NCB) ગાંધી જંયતિના દિવસે ગઈકાલે ડ્રગ્સ લેવાના આરોપમાં બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરી હતી, સાથે જ એજન્સીએ અન્ય 7 લોકોને પણ ઝડપ્યા હતા. પહેલા એનસીબીએ આર્યન ખાનની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પકડ્યા હતા. અરબાઝ મર્ચન્ટ એ આર્યન ખાનનો મિત્ર હોવાનું કહેવામાં આવ્યું છે અને તે જ આર્યનને ક્રૂઝ પર લાવ્યો હતો. આર્યનની બહેન સુહાના સિવાય અનન્યા પાંડે અને શનાયા કપૂરની સાથે પણ અરબાઝ સોશિયલ મીડિયા પર જોવા મળી ચૂક્યા છે. પરંતુ મુનમુન ધામેચા કોણ છે તેવો સવાલ સૌને થઈ રહ્યો છે, તેના વિશે જાણો.

23 વર્ષની મુનમુન ધામેચા મુંબઈની નહીં પરંતુ મધ્યપ્રદેશની રહેવાસી છે. મુનમુન વિશે વધારે માહિતી તો સામે આવી નથી પરંતુ એટલી જાણ થઈ શકી છે કે તે મધ્યપ્રદેશના કોઈ મોટા બિઝનેસમેનની દીકરી છે.

મુનમુન ધામેચા ફેશન મોડલ છે. કદાચ મોડલિંગ દ્વારા તે કોઈ મોટા સેલિબ્રિટીના સંપર્કમાં આવી હશે. સોશિયલ મીડિયા પર મુનમુનની ઘણા સેલિબ્રિટી સાથેની તસવીરો છે.

મુનમુને ઘણા બોલિવુડ સેલિબ્રિટી સાથે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. જેમાં અર્જુન રામપાલ, વરુણ ધવન, સુયશ રાય, નિખિલ ચિનપ્પા અને ગુરુ રંધાવા જેવા સેલિબ્રિટી સામેલ છે.

ડ્રગ્સ કેસની વાત કરીએ તો, રિપોર્ટ્સ પ્રમાણે, એનસીબીની ટીમે ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં ગોવા જઈ રહેલી શિપ, કે જેના પર પાર્ટી થવાની હતી ત્યાં દરોડા પાડ્યા હતા. દરોડા બાદ 13 ગ્રામ કોકેઈન, પાંચ ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ, એક્સ્ટેસીની 22 ગોળીઓ તેમજ 1.33 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા.

 91 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી