ઓક્ટોબરમાં UPIમાં થયું રેકોર્ડ ટ્રાન્જેક્શન, ઈન્ડિયાએ કેશલેશ તરફ દોટ મૂકી…..

પ્રથમવાર આંકડો પહોંચ્યો 100 બિલિયન ડોલરને પાર

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ ઓક્ટોબરમાં વધુ એક સિદ્ધિ નોંધાવી છે. સોમવારે લેટેસ્ટ ડેટા જારી કરી તેમાં ભારતમાં પ્રથમ વાર ઓનલાઈન આર્થિક વ્યવહારના મૂલ્યએ 100 અબજ ડોલર એટલે કે 7.7 લાખ કરોડની સપાટી વટાવી દીધી છે. ઓક્ટોબરમાં કુલ 421 કરોડ આર્થિક વ્યવહાર થયા હતા. આમ મૂલ્ય અને વોલ્યુમ બંને અત્યાર સુધીની ટોચની સપાટીએ પહોંચ્યા હતા.

ઓક્ટોબર મહિનો તહેવારોનો હોવાથી લોકોએ મુક્તમને ખરીદી કરી હતી અને તેમા પણ ઇ-કોમર્સ વેચાણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત રસીકરણના ઊંચા દર અને કરફ્યુના નિયમોમાં વધારે રાહત આપવામાં આવતા લોકોએ ઓક્ટોબરમાં બીજા કરતાં વધારે પ્રમાણમાં ખરીદી કરી હતી.

માર્ચથી સપ્ટેમ્બર 2021 દરમિયાન યુપીઆઇમાં સરેરાશ માસિક વૃદ્ધિદર 5.8 ટકા હતો. જો કે ઓક્ટોબરમાં આર્થિક વ્યવહારોની માસિક ધોરણે વૃદ્ધિ 18 ટકા રહી હતી. આ દરે જોઈએ તો યુપીઆઇનું ટ્રાન્ઝેક્શન વેલ્યુ નાણાકીય વર્ષ 2021-22ના અંતે દસ લાખ કરોડની સપાટીને વટાવી જઈ શકે છે. સપ્ટેમ્બરમાં NPCIએ લગભગ 3.65 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન દ્વારા 6.54 લાખ કરોડ રૂપિયાની ડિજિટલ પેમેન્ટ્સ રેકોર્ડ કરી હતી.

હાલમાં, PhonePe, Google Pay અને Paytm દેશમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે અગ્રણી ખેલાડીઓ છે. ફોનપેએ સપ્ટેમ્બરમાં રૂ. 3.06 લાખ કરોડ અને ગૂગલ પે રૂ. 2.5 લાખ કરોડના ડિજિટલ વ્યવહારો નોંધ્યા હતા.

PhonePe Pulse દ્વારા સપ્ટેમ્બરમાં કરવામાં આવેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે દેશમાં 19,000 થી વધુ પિન કોડ ધરાવતા 30 કરોડથી વધુ ભારતીયો હવે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. અભ્યાસ મુજબ PhonePeના દર પાંચ સક્રિય માસિક વપરાશકર્તાઓમાંથી ચાર ટીયર 2 અને 3 શહેરો છે અને દર 3 યુઝર્સમાંથી 2 ટીયર 3 શહેરોના છે.

૨૦૨૧ના પ્રારંભથી થયેલા સોદાની તુલનાને ઓક્ટોબરમાં થયેલા સોદા સાથે કરીએ તો તેમા મૂલ્યની રીતે 79 ટકા અને વોલ્યુમની રીતે 83 ટકા વધારો જોવા મળે છે. જાન્યુઆરીમાં થયેલા આર્થિક વ્યવહારોનું મૂલ્ય 4.31 લાખ કરોડ હતું અને વોલ્યુમ 230 કરોડ આર્થિક વ્યવહારોનું હતું. યુપીઆઇને 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગના ચાર વર્ષ પછી ઓક્ટોબર 2020માં તેના આર્થિક વ્યવહારનું માસિક મૂલ્ય 3.86 લાખ કરોડ હતું અને તેના વર્ષ પછી તે રીતસરનું બમણું થઈ ગયું હતું. એનપીસીઆઇના એમડી અને સીઇઓ દિલીપ અસ્બેએ જણાવ્યું હતું કે UPI 2021ના અંતે કુલ વોલ્યુમના 60 ટકા વોલ્યુમ નોંધાવી શકે. તેમણે ઉમેર્યું હતું કે જો UPI હાલની ઝડપ જાળવી રાખે તો પાંચ વર્ષના સમયગાળાની અંદર એક જ દિવસમાં એક લાખ કરોડના મૂલ્યને વટાવી જઈ શકે છે, પણ જો તેની પાછળના પ્રયત્નો બમણા કરાય તો આ સિદ્ધિ ત્રણ વર્ષમાં મેળવી શકાય છે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી